Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

પરીક્ષાની હોલ ટીકીટનો બહિષ્કાર કરનાર ખાનગી શાળાના સંચાલકોને મળતા ભાજપના નિતિન ભારદ્વાજ

શિક્ષણમંત્રી અને ગૃહમંત્રીના નિવેદનના પગલે : સંચાલકોની લાગણીને વાચા મળે તે માટે સરકારમાં રજુઆત કરાશે

રાજકોટઃ જીલ્લા શિક્ષણાધીકારી કચેરી ખાતે નિતીન ભારદ્વાજે ખાનગી શાળાના સંચાલકો સર્વશ્રી અજયભાઇ પટેલ, ડી.વી.મહેતા, ડી.કે.વાડોદરીયા, જયદીપભાઇ જલુ, મેહુલભાઇ પરડવા, વિપુલભાઇ પાનેલીયા, નરેશભાઇ પટેલ, કપીલભાઇ કપુર સહિતના સાથે ઘનિષ્ઠ ચર્ચા કરી હતી. તે સમયની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 

રાજકોટઃ છેલ્લા કેટલાક સમયથી રાજય સરકાર અને ખાનગી શાળાના સંચાલકો સામસામે આવી ગયા છે. ત્યારે ૧૨ માર્ચથી શરૂ થતી ધો.૧૦ અને ૧રની પરીક્ષા સમયે ખાનગી શાળાના સંચાલકોએ હોલ ટીકીટનો બહિષ્કાર કરી આંદોલન ચલાવી રહયા છે. 

ત્યારે આજે ભાજપના અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ ધરણા પર બેઠેલા ખાનગી શાળાના સંચાલકોને મળવા ગયા હતા.

શિક્ષણ મંત્રી અને ગૃહમંત્રીના નિવેદનથી રોષે ભરાયેલા ખાનગી શાળાના સંચાલકોના ઉગ્ર દેખાવો થઇ રહયા છે ત્યારે ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજની ખાનગી શાળાઓના સંચાલકોને  રૂબરૂ મળી તેઓના પ્રશ્ન અને લાગણીને વાચા આપવા સરકારમાં રજુઆત કરવા જણાવ્યું હતું.

ધો.૧૦ અને ૧રની પરીક્ષા આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પરીક્ષાની વ્યવસ્થા ન ખોરવાઇ તે માટે રાજય સરકાર ખુબ ગંભીર હોવાનું જાણવા મળે છે. આજે નિતીનભાઇ ભારદ્વાજની ખાનગી શાળાના સંચાલકો સાથેની બેઠક ખુબ સુચક માનવામાં આવી રહી છે.જીલ્લા શિક્ષણાધીકારી કચેરી ખાતે નિતીન ભારદ્વાજે ખાનગી શાળાના સંચાલકો સર્વશ્રી અજયભાઇ પટેલ, ડી.વી.મહેતા, ડી.કે.વાડોદરીયા, જયદીપભાઇ જલુ, મેહુલભાઇ પરડવા, વિપુલભાઇ પાનેલીયા, નરેશભાઇ પટેલ, કપીલભાઇ કપુર સહિતના સાથે ઘનિષ્ઠ ચર્ચા કરી હતી. (૪.૨૭)

(4:17 pm IST)