Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

મિલ્કત પચાવવા માટે પત્નિને ગળાટુપો દેવા અંગે પકડાયેલ આધેડ પતિને છ માસની સજાનો હુકમ

ફરીયાદી-સાહેદોની જુબાનીથી ફરિયાદીના કેસને સમર્થન મળે છેઃ કોર્ટ

રાજકોટ તા.૩: રાજકોટના જોઇન્ટ ડિસટ્રીકટ જજ શ્રી એમ.એમ.બાબી આરોપી વિનોદ મનહરલાલ ગોહેલ ઉ.વ.૫૪ વાળાને પોતાની પત્નીની મિલ્કત પચાવી પાડવા માટે વર્ષો સુધી ત્રાસ આપવા બદલ તેમજ મારી નાખવાના ઇરાદે ઇસ્ત્રીના વાયરથી તેમજ ઓસીકાથી ગળા ટુંપો આપવાની કોશીષ બદલ આરોપી પતિને છ માસની સાદી કેદની સજા તેમજ રૂ.૫૦૦નો દંડ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, ફરીયાદી પત્ની મીનલ વિનોદભાઇ ગોહેલ વર્ષોથી આરોપી પતિ સાથે પત્ની તરીકે રહેલા હતા અને લગ્ન જીવન દરમ્યાન પત્નીની મિલ્કત પચાવી પાડવા માટે આરોપી પતિએ અનેક વખત કોશીષો કરેલ હતી પરંતુ આવા ઇરાદામાં સફળ ન થતાં આરોપી પતિએ એક દિવસ પોતાની પત્ની મીનલબેન ઓસીકાથી શ્વાસ રૃંધવાની કોશીષ કરેલ હતી. તેમાં પણ સફળ ન થતાં બીજી તકે આરોપી પતિએ પત્ની મીનલબેનને ઇસ્ત્રીના વાયરથી ગળા ફરતે ટુંપો દેવાની કોશીષ કરેલ.

આ બનાવ પાડોશમાં રહેતા બહેને જોયેલ હતું અને મીનલબેનની રાડારાડ તથા ચીસો સાંભળી તેઓ મીનલબેનને બચાવવા તેણીના ઘરે દોડી ગયેલ અને મીનલબેનના ભાઇને બોલાવીને તેણીને હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. આ બનાવ બનતા મીનલબેને પોલીસમાં ફરીયાદ કરેલ હતી. જેની તપાસના અંતે પોલીસને આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો જણાય આવતો હોય કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતું. આ કેસ નામ. મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ ચાલેલ હતો અને મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ થયેલ જુબાનીમાં કોર્ટને ખૂનની કોશીષનો ગુનો આચરાયેલ હોવાનું જણાતા નામ.મેજિસ્ટ્રેટેસ આ કેસ સેશન્સ કોર્ટમાં કમીટ કરેલ હતી.      

ફરીયાદી અને સાહેદોએ આપેલ જુબાનીમાં ફરીયાદી પત્નીને ઇજાઓ અને વ્યથાઓ પહોંચાડવા બાબતેનો જ ઉલ્લેખ છે. તેથી આવી જુબાનીને વિરોધાભાસ ગણાવાના બદલે ફરીયાદના સમર્થનમાં મુલવવી જોઇએ. શ્રી સરકાર તરફેનીરજુઆતોને ધ્યાનમાં લઇને સેશન્સ કોર્ટે આરોપી પતિ વિનોદભાઇ ગોહેલને આઇ.પી.સી.કલમ-૩૨૩ હેઠળ પત્નીને ઇજા અને વ્યથા પહોંચાડવા બદલ છ માસની સાદી કેદની સજા તથા રૂ.૫૦૦ નો દંડ ફરમાવેલ છે.

આ કેસમાં મુળ ફરીયાદી મીનલબેન વતી સરકારશ્રીની મદદગારીમાં એડવોકેટ શ્રી સિધ્ધરાજસિંહ જાડેજા રોકાયેલ હતા તેમજ શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે.વોરાએ રજુઆતો કરેલ હતી.(૧.૯) 

(4:06 pm IST)