Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લીન્ક અપની ૩૧ માર્ચ ડેડ લાઇન રાજયના પુરવઠા નિયામક અમૃત પટેલ રાજકોટમાં: સ્પે.તાલીમ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના DSOને રાજકોટ કલેકટર કચેરીમાં તાલીમ અપાઇઃ સમીક્ષા કરાઇ...: રાજકોટ-શહેર જીલ્લામાં લીન્ક અપની ૯૦ ટકા કામગીરી પુર્ણઃ આધારકાર્ડ લીન્ક અપ ન હોય તો પણ પુરવઠો આપવો જ પડેઃ એવો ખાસ કાયદો છેઃ રાજયનું પુરવઠા તંત્ર આધારકાર્ડના નિયમોમાં થોડી છૂટછાટ મુકવાના મુડમાં: અપાયેલો નિર્દેશ...

રાજકોટ તા. ૩ :.. રાજકોટ સહિત રાજયભરમાં હાલ પુરવઠા તંત્ર અને જીલ્લા પુરવઠા તંત્ર દ્વારા તમામ રેશનીંગ ધારકોના રેશનીંગ કાર્ડ સાથે આધારકાર્ડ લીન્ક અપની કામગીરી ચાલી રહી છે, આ લીન્કઅપ તા. ૩૧ માર્ચ સુધીમાં પૂર્ણ કરી લેવા અને ૩૧ માર્ચ ડેડ લાઇન ગણવા તમામ ડીએસઓને પણ સુચના છે.

દરમિયાન આજે રાજયના પુરવઠા નિયામક શ્રી અમૃત પટેલ રાજકોટ આવ્યા છે,  અને તેઓએ આધારકાર્ડ અનેબલ અને લીન્કઅપ આ બંને મુદ્દે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ડીએસઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને આધારકાર્ડ - રેશનકાર્ડ લીન્કઅપ અંગે સ્પે. તાલીમ પણ આપી હતી.

આ સમીક્ષા બેઠકમાં રાજકોટ શહેર - જીલ્લામાં રાશનકાર્ડ સાથે લીન્કઅપ ની કામગીરી ૯૦ ટકા પુર્ણ થયાનું ચિત્ર ઉપસ્યું હતું, ૧૦ ટકા બાકી છે તે ૩૧ માર્ચ સુધીમાં પુર્ણ કરી લેવા સુચના અપાઇ હતી.

અત્રે એ મહત્વની બાબત નોંધનીય છે કે, કોઇપણ પરીવારનું રેશનીંગ કાર્ડ આધારકાર્ડ સાથે લીન્કઅપ ન હોય અને તેમ છતાં પણ, રાશન મેળવવા એટલે કે ઘઉં-ચોખા-કેરોસીન વિગેરે મેળવવા હકદાર હોય તો તેનો પુરવઠો કોઇપણ  ડીએસઓ-ઝોનલ ઓફીસર કે દુકાનદારથી રોકી શકાતો નથી, તેને પુરવઠો આપવો જ પડે છે, અને એવો ખાસ કાયદો પણ છે.

આથી આધારકાર્ડ ન હોય તો શું કરવું, તે સંદર્ભે ગુજરાતનું પુરવઠા ખાતુ કંઇક નિયમોમાં થોડી છૂટછાટ  મુકવાના મુડમાં હોવાનો આજની મીટીંગમાં એક નિર્દેશ અપાયો હતો, જેમાં ૪ થી પ વિકલ્પ રહ્યા છે, આ છૂટછાટ-નીયમો હવે જાહેર કરાશે, તેમ પુરવઠાના ઉચ્ચ વર્તુળોએ ઉમેર્યુ હતું.

(3:59 pm IST)