Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ખોડિયારપરામાં જીતેન્દ્ર ઉર્ફ રાધે કોળીના ઘરમાં દરોડોઃ ૩૭ હજારનો દારૂ જપ્ત

થોરાળા પોલીસે દરોડો પાડ્યોઃ સપ્લાયર હરેશ બસીયાની શોધખોળ

રાજકોટ તા. ૩: આજી વસાહતના ખોડિયારપરામાં રહેતાં કોળી શખ્સના ઘરમાં વિદેશી દારૂ છુપાવાયો હોવાની બાતમી પરથી થોરાળા પોલીસે દરોડો પાડી રૂ. ૩૭૨૦૦નો દારૂ મળી આવતાં કબ્જે લીધો હતો. ઘર અંદર પાણીયારા પાછળ ભોંયરા જેવુ બનાવી તેમાં આ બોટલો છૂપાવી હતી. સપ્લાયર તરીકે કાઠી શખ્સનું નામ ખુલ્યું છે.

 

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ઝોન-૧ બલરામ મીના તથા એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની રાહબરીમાં થોરાળા પી.આઇ. એન. એન. ચુડાસમા, પી.એસ.આઇ. આર. એમ. કોટવાલ, કોન્સ. મશરીભાઇ, વિજયભાઇ મકવાણા, વિજય મેતા, રોહિત કછોટ, બુધાભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કોન્સ. રોહિત અને વિજય મેતાને બાતમી મળી હતી કે ખોડિયારપરા-૮માં રહેતાં જીતેન્દ્ર ઉર્ફ રાધે ગોવિંદભાઇ મકવાણા (કોળી)ના ઘરમાં દારૂ છે. તેના આધારે દરોડો પાડવામાં આવતાં ઘરમાં પાણીયારા નીચે બનાવાયેલી ભોંયરા જેવી જગ્યામાંથી રૂ. ૩૭૨૦૦નો ૯૩ બોટલ દારૂ મળ્યો હતો.

ફળીયામાં રાખેલા એકટીવા જીજે૩કેએ-૫૮૬૦માં પણ બોટલ મળતાં આ વાહન પણ કબ્જે લેવાયું હતું. જીતેન્દ્રએ પુછતાછમાં આ દારૂ ખોડિયારપરાના હરેશ ટપુભાઇ બસીયા (કાઠી) પાસેથી લીધાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

કુવાડવામાંથી કૈલાસની દેશી દારૂ સાથે ધરપકડ

કુવાડવા ગામમાં કોળીવાસમાં રહેતાં કૈલાસ કેશુભાઇ પીપળીયા (ઉ.૩૦)ની રૂ. ૨૨૦ના દેશી દારૂ સાથે કોન્સ. બુટાભાઇ ભરવાડે ધરપકડ કરી હતી.

(10:11 am IST)