News of Saturday, 3rd February 2018

ફલાવર-શોઃ તંત્ર રૂપિયા ઉગાડવા ઊંધા માથે

૫૦ લાખનો ખર્ચ કરોડે પહોચાડવા ધંધે લાગ્યા, સુવિધાના નામે શૂન્યઃ પાર્કિંગની સમસ્યા, શો-ના દર્શકોનો આક્રોશઃ ફલાવર-શો માટે બગીચાની પથારી ફેરવી

રાજકોટ તા. ૨ : મ્યુ. કોર્પોરેશન દ્વારા ગત વર્ષ 'ફુલગતિ'માં ફલાવર-શો યોજાયો હતો. જેને જબ્બર લોક પ્રતિસાદ મળતા આ વર્ષે 'ફલાવર-શો'નું ફલક વિસ્તારી અને રેસકોર્ષના 'લવગાર્ડન' સુધી પહોચાડયું પરંતુ આ વિશાળ આયોજન માટે બગીચાના ફુલછોડ અને વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યાની લોકફરીયાદો ઉઠી છે.

એટલું જ નહી આ વર્ષ વિશાળ આયોજનના નામે કરોડો રૂપિયા ઉગાડવાનો 'ખેલ' તંત્રએ માંડયો હોવાનો ગણગણાટ પણ લોકોમાં થઇ રહ્યો છે.

આ અંગે લોકોમાં ઉઠવા પામેલી ફરિયાદ મુજબ સતત ૪ દિવસ સુધી રેસકોર્ષના બગીચામાં 'ફલાવર-શો' યોજવાથી ત્યાં લાખો લોકોની અવર-જવર થશે જેના કારણે બગીચાનું નિકંદન નિકળવાની અને ગંદકીના ગંજ ખડકાવાની ભીતી ઉભી થઇ છે.

એટલું જ નહી અહીં દરરોજ સેંકડો લોકો આરોગ્ય સુખાકારી માટે વ્યાયામ, વોકીંગ અને યોગ, લાફીંગ કલબ જેવી પ્રવૃત્તિઓ કરતા હતા જેના ઉપર એક અઠવાડિયા સુધી બ્રેક લાગી જતાં અનેક લોકોએ તંત્રના આ અણધડ આયોજન સામે રોષ ઠાલવ્યો છે.

'ફલાવર-શો' માણવા આવતા લોકો માટે વાહન પાર્કિંગની સુવિધા જ નથી પરિણામે લોકોને ઉચ્ચક જીવે મુલાકાત લઇને નિકળી જવું પડે છે.

નર્સરી સહિતના સ્ટોલ ધારકો પણ એવી ફરિયાદ કરી રહ્યા છે કે, તેઓને 'ફલાવર-શો'ની મૂળ જગ્યાને બદલે 'ખૂણા'માં સ્ટોલ આપી દેવાયા જેના કારણે મુલાકાતીઓ આવતા નથી અને મચ્છરોનો પણ અસહ્ય ત્રાસ છે.

આ વખતના ફલાવર-શોમાં નવા કોઇ આકર્ષણો નહી હોવાનું અને માત્રને માત્ર ગતવર્ષે જે ફુલોની પ્રતિમાઓ હતી તેને જ બગીચાઓમાં ગોઠવી દઇને બનાવટી આકર્ષણો ઉભા કરી દેવાતા લોકોમાં આ બાબતે પણ નિરાશા ફેલાઇ રહી છે.

ટુંકમાં ૫૦ લાખના 'ફલાવર-શો'નો ખર્ચ ૧ કરોડ સુધી પહોંચાડવા શાસકોએ વિશાળ આયોજનના નામે લોકોને ઉત્સવના નામે વધુ એક વખત જલ્સા કરાવાનો ખેલ પાડયાનો ગણગણાગટ થઇ રહ્યો છે.

'ફલાવર-શો' બપોરે ૧થી ૩II બંધઃ તંત્ર જાહેર કરતા ભૂલી ગયુ'ને નગરજનોને ધક્કા થયાઃ રોષ

જો કે પુષ્કર પટેલે તાબડતોબ શો ચાલુ કરાવ્યો

રાજકોટ : 'ફલાવર-શો'નો સમય સવારે ૧૦થી રાત્રે ૧૦ સુધી ચાલશે તેવી જાહેરાત તંત્રવાહકોએ ઉત્સાહભેર કરી હતી પરંતુ બપોરે ૧થી ૩II સુધી ફલાવર-શો બંધ રહેશે તે બાબત જાહેર કરતા તંત્રવાહકો ભૂલી ગયા. પરિણામે આજે બપોરે સેંકડો નગરજનો બપોરે ફલાવર-શો માણવા પહોંચ્યા ત્યારે 'એન્ટ્રી' બંધ હોવાથી અધિકારીઓ અને મુલાકાતીઓ વચ્ચે માથાકુટના દ્રશ્યો સર્જાયા હતા. જોકે હવે ભૂલનું ભાન થતાં બાદમાં અધિકારીએ સત્તાવાર જાહેર કર્યું હતું કે, 'બપોરે ૧ થી ૩II સુધી ફલાવર-શો બંધ રહેશે.

આ દરમિયાન ફુલછોડને પાણી છાંટવા સહિતની કામગીરી થઇ શકે તે માટે આ બ્રેક રાખવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.' દરમિયાન આ બાબતની જાણ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલને થતાં તેઓએ તાબડતોબ અધિકારીઓને સુચના આપી અને 'ફલાવર-શો' બપોરે ચાલુ કરાવડાવ્યો હતો.

ગાર્ડન સમિતિના ચેરમેન અને ગાર્ડન સુપ્રિ.ને 'ફલાવર-શો'માં કોઇ ખામી નથી દેખાતી

રાજકોટ : 'ફલાવર-શો'ના અણધડ આયોજન સામે અનેક નાગરિકોએ રોષ ઠાલવ્યો છે ત્યારે આ બાબતે મ્યુ. કોર્પોરેશનના જવાબદાર પદાધિકારી અને અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ 'ફલાવર-શો'માં કોઇ ખામી ધ્યાને નહી આવ્યાનું જણાવ્યું હતું.

ગાર્ડન સમિતિના ચેરમેન દેવુબેન જાદવે જણાવ્યું હતું કે, ગત વર્ષ ટુંકી જગ્યા હતી તેથી ગીર્દીની સમસ્યા સર્જાય આથી આ વખતે 'ફલાવર-શો' વિશાળ બગીચામાં કુદરતી વાતાવરણમાં યોજાયો છે જેને શહેરીજનો બહોળી સંખ્યામાં માણી રહ્યા છે. આયોજનમાં કોઇ ખામી નહી હોવાનું દેવુબેને જણાવ્યું હતું.

જ્યારે ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ ડો. હાપલિયાએ જણાવ્યું હતું કે, 'બગીચામાં ઝાડ કાપી નંખાયા છે તે ફરિયાદ ખોટી છે. કેમકે બધા જ ઝાડવા - છોડવાઓ યથાવત સ્થિતિમાં છે. માત્ર એક-બે સ્થળે ઝાડની ડાળીઓ કાપવામાં આવી છે. મુલાકાતીઓ સરળતાથી હરી-ફરી શકે તે માટે મોટા રસ્તાઓ છે અને નર્સરી વગેરેના સ્ટોલ ધારકોને પણ યોગ્ય જગ્યાએ જ સ્ટોલ અપાયા છે. દરેક મુલાકાતી ત્યાં જઇ શકે છે. આમ છતાં કોઇ ખામી અંગે ફરિયાદ મળશે તો તે દુર કરવા તંત્ર ખડે પગે રહેશે.'

(9:08 am IST)
  • ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં લશ્કરી ચેકપૉઇન્ટમાં એક ભયંકર આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 11 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને 13 લોકો ઘાયલ થયા છે : આ હુમલાની જવાબદારી તેહરિક-એ-તાલીબાન આતંકી સંગઠને લીધી છે. access_time 1:19 am IST

  • U19 ક્રિકેટ વર્લ્ડકપ જીતવા બદલ ટીમ ઈન્ડીયા ને અને ખાસકરીને ભાવનગરના પનોતા પુત્ર હાર્વિક દેસાઈને ટ્વીટ કરીને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી access_time 3:56 pm IST

  • અમદાવાદમાં અધિક મદદનીશ ઈજનેર ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા : ધોળકા તાલુકા પંચાયતના અધિક મદદનીશ એન્જીનિયર વિકાસ કામના બીલ મંજૂર કરવા લાંચ લેતા ઝડપાયા : એસીબીએ ટ્રેપ ગોઠવી અને ઝડપી લીધા access_time 5:54 pm IST