Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ધોરાજીના ચકચારી લેન્‍ડગ્રેબીંગના કેસમાં આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટ

રાજકોટ તા. રઃ ધોરાજીના ચકચારી લેન્‍ડગ્રેબીંગ કેસમાં જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ અદાલતે હુકમ કર્યો હતો.
ધોરાજીમાં રહેતા કડવા પટેલ પરીવારના એન્‍જીનીયર યુવક શીવકુમાર મહેન્‍દ્રભાઇ ભાયાણીએ પોતાની પિતાની ખરીદેલી મીલ્‍કત કે જે ધોરાજીમાં જુનાગઢ રોડ ઉપર આવેલ છે. જેમાં જગદીશ મોટર ગેરેજવાળા જગદીશભાઇ બદ્રકીયા અને મોતીમહલ નોનવેજવાળા અલ્‍તાફભાઇ શેખએ ભાડાકરાર પુરો થઇ ગયેલ હોવા છતાં મીલ્‍કતનો કબ્‍જો કાયદેસરના વારસાઇ માલીકને નહી સોંપી મીલ્‍કત પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદેસર કબ્‍જો ચાલુ રાખેલ હોય અને ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોય તેવી ફરીયાદ ધોરાજીમાં નોધાવેલી હતી.
આ અંગે પોલીસતંત્ર દ્વારા લેન્‍ડગ્રેબીંગ એકટની કલમ ૩, ૪(૩), પ (ગ) તથા આઇ.પી.સી.કલમ ૪૦૬, ૪ર૦, મુજબ ફરીયાદ નોંધવામાં આવેલ અને આ કામે પોલીસતંત્ર દ્વારા જગદીશભાઇ બદ્રકીયા તથા અલ્‍તાફભાઇ શેખની ધરપકડ કરવામાં આવેલી હતી અને તેમના દ્વારા ના.સેશન્‍સ અદાલતમાં રેગ્‍યુલર જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી જે જામીન અરજી સેશન્‍સ અદાલત દ્વારા રદ કરવામાં આવેલી હતી.
આ બનાવની હકીકત જોઇએ તો ધોરાજીના રહીશ મહેન્‍દ્રભાઇ ભાયાણીએ વર્ષ ર૦૦૪માં મીલ્‍કત ખરીદ કરેલ અને તે મીલ્‍કતનો અમુક હીસ્‍સો જગદીશ મોટર ગેરેજવાળા જગદીશભાઇને તથા મોતીમહલ નોનવેજવાળા અલ્‍તાફભાઇ શેખને સબંધના દાવે ભાડે આપેલ અને ત્‍યારબાદ જરૂર પડયે વર્ષ ર૦૧૬ માં લેખીત ભાડા કરાર પણ કરી આપેલ હતો ત્‍યારબાદ જગદીશભાઇએ ભાડુ નહી ચુકવતા મહેન્‍દ્રભાઇ ભાયાણી દ્વારા  અદાલતમાં દાવો દાખલ કરેલ અને જેની સામે મહેન્‍દ્રભાઇ ભાયાણી દ્વારા પણ દાવો દાખલ કરવામાં આવેલ હતો.
આ કામે અદાલત દ્વારા જામીન અરજી સાંભળવામાં આવેલી અરજદાર આરોપી પક્ષ દ્વારા જામીન મંજુર કરવા દલીલો કરવામાં આવેલી તથા મુખ્‍ય સરકારી વકીલ દ્વારા સરકાર તરફે સદરહુ જામીન અરજી નામંજુર કરવા રજુઆત કરેલી અને મુળ ફરીયાદ પક્ષ દ્વારા લેખીત પુરાવાઓ અને જામીન આપવા સામેના વાંધા-જવાબ રજુ કરવામાં આવેલ હતા જેમાં નામદાર અદાલત દ્વારા બનાવની હકીકત, દસ્‍તાવેજી પુરાવાઓ અને અરજદાર આરોપીની વર્તુણુકને ધ્‍યાને લઇ બંને આરોપીઓ જગદીશભાઇ બદ્રકીયા તથા અલ્‍તાફભાઇ શેખની જામીન અરજી રદ કરવામાં આવેલી હતી.
આ કામે સરકાર તરફે ડી.જી.પી. એસ. કેવોરા  તથા મુળ ફરીયાદી શિવકુમાર ભાયાણી તરફે યુવા લો એશોસીએટસના હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, વિક્રાંત વ્‍યાસ, કુલદીપ ચૌહાણ તથા યશપાલ ચૌહાણ વકીલ તરીકે રોકાયેલ હતા

 

(4:49 pm IST)