Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

સણોસરાની સીમમા લુંટના ઇરાદે હુમલો કરવાના કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા.૨: તાલુકાના સણોસરા ગામની સીમમાં વાડીમાં રાત્રીના સમયે સુતેલ ફરીયાદી તથા તેના પરિવાર ઉપર લુંટના ઇરાદે ધારીયા, દાતરડાના હથીયારથી હુમલો કરી લુંટના ગુનામાં પકડાયેલ આરોપી લક્ષ્મણ છનુભાઇ ભુરીયાને સેસનસ કોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરતો હુકમ કરેલ છે.
આ કેસની હકિકત એવી છે કે તા.૧૭-૩-૨૨ના રોજ સણોસરા ગામની સીમમાં વાડીમાં રાત્રીના સમયે સુતેલ ફરીયાદી વીરજીભાઇ ભગવાનજીભાઇ બાવળીયા તથા તેના પરિવાર ઉપર આરોપી લક્ષ્મણ છનુભાઇ ભુરીયાએ લુંટના ઇરાદે ધારીયા, દાતરડાના હથીયારથી ફરીયાદી ઉપર હુમલો કરી તથા ફરીયાદીના પત્‍નિને માર મારી નાકમાં પહેરેલ દાણો ખેચી લઇ નાકમાં ઇજા કરી તથા કાનના બુટીયાની લુંટ કરી તેમજ ઘરમાં રહેલ રોકડ રકમ રૂા.૧,૩૮,૦૦૦/ તથા સોનાનો ચેન રૂા.૩૦,૦૦૦/ તથા ચાંદીના હાથમાં પહેરવાના પંજા જોડી -૧ અને ચાંદીનો કંદોરો તથા સાંકળા મળી ૫૦૦ ગ્રામ ચાંદી રૂ.૨૦,૦૦૦/ તેમજ નાકનો દાણો રૂ.૧૦૦૦/ અને સોનાના બુટીયા ચાર ગ્રામ રૂ.૧૦,૦૦૦/ તથા રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.૧,૯૯,૦૦૦/ના મતાની ધાડ પાડી લુંટ કર્યા અંગેની ફરીયાદીએ ફરીયાદ કુવાડવા પોલીસ સ્‍ટેશનમાં નોંધાવતા આરોપીઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ અને કોર્ટમાં રજુ કરતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ.
ત્‍યારબાદ ચાર્જશીટ બાદ આરોપી દ્વારા સેસન્‍સ કોર્ટમાં જામીન અરજી કરતા બચાવ પક્ષે રોકાયેલ એડવોકેટ શ્રી હર્ષ રોહીતભાઇ ધીયા દ્વારા એવી દલીલ કરવામા આવેલ કે ચાર્જશીટ ફાઇલ થઇ ગયેલ છે જેથી પુરાવા સાથે ચેડા કરવાનો કોઇ પ્રશ્‍ન નથી. કેસનુ ભારણ જોતા તાત્‍કાલીક કેસ ચાલે તેમ નથી જેવી રજુઆત કરતા તેમજ ઉચ્‍ચ અદાલતના રજુ રાખેલ ચુકાદા ઉપર ધ્‍યાન દોરતા સેસન્‍સ કોર્ટે બચાવ પક્ષની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ.
આ કામમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ શ્રી હર્ષ રોહીતભાઇ ધીયા તથા નીરવભાઇ પંડયા રોકાયેલ હતા.

 

(4:02 pm IST)