Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ચૂંટણી-મતદારયાદી સહિત નાના લગતા ઇશ્‍યુઓ પરત્‍વે ગંભીરતા દાખવી તાકીદે નિકાલ કરો : ચૂંટણી અધિકારીઓની તાલીમ

મહિલા મતદારોની સંખ્‍યા વધે તે માટે દરેક વિસ્‍તારમાં સર્વે કરો : ગાંધીનગરથી ટ્રેનરો આવ્‍યા : રાજકોટમાં ૯૦ ડે. કલેકટરો હાજર : સીઇઓ પી.ભારથી દ્વારા વિડિયો કોન્‍ફરન્‍સથી માર્ગદર્શન

રાજકોટ તા. ૨ : અહિંના હેમુગઢવી હોલ ખાતે મુખ્‍ય નિર્વાચન અધિકારીશ્રી પી. ભારતીના માર્ગદર્શન તળે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિધાનસભાની ચૂંટણી સંબંધિત સૌરાષ્ટ્ર-કચ્‍છના મતદાર નોંધણી અધિકારી અને નાયબ ચૂંટણી અધિકારીઓનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલાં આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્‍છના ૧૨ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારીઓ સહિત આશરે ૯૦ જેટલા અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.   

આ તાલીમ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સી.એ. ગાંધી દ્વારા પ્રેઝનટેશનના માધ્‍યમથી ચૂંટણી અધિકારીશ્રીઓને મતદાર યાદી, નામ નોંધણી, નામ કમી, જરૂરી સુધારા વધારા, EPIC સંબંધી પ્રશ્નોના નિકાલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરીને માર્ગદર્શન પુરૂં પાડ્‍યું હતું. આ ઉપરાંત નાના લાગતાં ઈશ્‍યુઓ પરત્‍વે ગંભીરતા દાખવી તાત્‍કાલિક નીકાલ કરવાનું સુચન કર્યું હતું, વધુમાં ૧૮ વર્ષ પૂર્ણ કરતાં નવા યુવાઓની મતદાર નોંધણીની ઝુંબેશ શરૂ કરવાની પ્રેરણા આપી હતી. આ સાથે મહિલા મતદારોની સંખ્‍યા વધે તે માટે વિવિધ વિસ્‍તારોનો સર્વે કરીને મહિલાઓને મતદાર યાદીમાં સામેલ કરવાની કામગીરી હાથ ધરવા કહ્યું હતું.

આ ઉપરાંત મુખ્‍ય નિર્વાચન અધિકારીશ્રી પી.ભારતી અને અધિક નિર્વાચન અધિકારીશ્રી આર.કે.પટેલ વીડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી જોડાઈને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. આ તકે ગાંધીનગર કચેરીના નાયબ સચિવશ્રી એમ.બી.દેસાઈ અને અને આઈ.ટી.નિષ્‍ણાંતશ્રી પ્રિતેષભાઈ ટેલર દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

(3:37 pm IST)