Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

શ્રી રામનાથ મંદિર ઉપરથી વહેતુ ગંદુ પાણી બંધ થશે, નદી પણ ચોખ્‍ખી બનશે

નદીમાં રહેલો ગંદવાળ, કચરો સાફ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ : નદીની બંને તરફ આઠ - આઠ ફૂટની દિવાલ બનશે જેથી ભવિષ્‍યમાં પણ નદીમાં કચરો આવવાની સમસ્‍યા જ નહિં રહે : ગોવિંદભાઈ પટેલ

રાજકોટ, તા. ૨ : શહેરમાં અતિ પ્રાચીન એવું સુપ્રસિદ્ધ શ્રી રામનાથ મહાદેવ મંદિરે દરરોજ હજારોની સંખ્‍યામાં ભાવિકો દર્શનનો લાભ લેતા હોય છે. આ નીજ મંદિર ઉપરથી દર ચોમાસાની સીઝનમાં ભારે વરસાદને પગલે મંદિરની ઉપરથી પાણી વહેતા જોવા મળે છે. આ ઉપરાંત મંદિરની આજુબાજુમાં કચરાના લીધે પાણીના વહેણથી મંદિર ઉપરથી પસાર થતા હોય છે. જે હવે કયારેય જોવા મળશે નહિં અને આગામી સમયમાં જ આજી નદીનું પાણી પણ ચોખ્‍ખુ ચણાટ કરવામાં આવશે. જેથી ભવિષ્‍યમાં નીજ મંદિર ઉપરથી કે નદીમાં કચરો કે ગંદવાળ થશે નહિં તેમ પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય શ્રી ગોવિંદભાઈ પટેલે જણાવેલ છે.
તેઓએ જણાવેલ કે આજી નદીમાં સ્‍વયંભુ રામનાથ મહાદેવજી બિરાજમાન છે. દર વર્ષે ગટરનું અને વરસાદનું પાણી મંદિર ઉપર આવે છે. જેને અટકાવવા ભવિષ્‍યમાં રિવરફ્રન્‍ટ જેવી સુંદર ડિઝાઈન બનવાની છે. જેમાં ૭૦ મીટર નદી પહોળી  રાખવી અને નદીની બંને બાજુ ૮-૮ ફૂટની દિવાલ બનશે. જેથી મંદિર ઉપર ગટરનું ગંદુ પાણી નહિં આવે.
ગોવિંદભાઈ પટેલે જણાવેલ કે, ભવિષ્‍યની રિવરફ્રન્‍ટવાળી ડિઝાઈનને કામ લાગે એ હેતુસર ચુનારાવાડ પુલથી રામનાથ મહાદેવ સુધી નદીને ૭૦ મીટરની અંદર જે ગંદવાડ ભરેલો છે એ કાઢી ચોખ્‍ખુ કરવાનું કામ ચાલુ છે. રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના જેસીબી, હીટાચી, જેસીબી સહિતના સાધનો દ્વારા યુદ્ધના ધોરણે નદીના પટને ચોખ્‍ખી કરવાની કામગીરી ચાલુ છે.
રામનાથ મહાદેવની આસપાસના ભાગોમાં પથ્‍થરો છે. જે ૫-૫ ફૂટની ઉંડાઈ કરવી હોય તો તેના પથ્‍થરો તોડવાની કામગીરી પોલીસ કમિશ્નરશ્રીની મંજૂરી લઈ ચાલુ છે.
આ નદીનો પટ ટૂંક સમયમાં ચોખ્‍ખો થઈ જશે અને ચુનારાવાડથી રામનાથ મહાદેવ મંદિર સુધી બંને સાઈડ રીટર્નીંગ હોલ બાંધવામાં આવશે જેથી નદીનું પાણી કે ગંદુ પાણી મંદિર ઉપર ન આવે તેની વ્‍યવસ્‍થા હાલ ચાલી રહી હોવાનું ગોવિંદભાઈ પટેલે અંતમાં જણાવ્‍યુ હતું.
આ કામગીરીમાં જીતુભાઈ મહેતા, અમિતભાઈ, કાળુભાઈ પોડ, સંદિપભાઈ ડોડીયા સહિતના સેવકો જોડાયા છે.

 

(3:15 pm IST)