Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ઓલ ઇન્‍ડિયા પ્રેસીડેન્‍ટની હાજરીમાં

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ કેમીસ્‍ટસ એસો. દ્વારા કાલે રાજકોટ ખાતે ત્રિવિધ કાર્યક્રમો

તમામ ૩૩૦૦ સભ્‍યોની અને હજજારો દવાઓની વિગતો સાથેની ડીરેકટરીનું વિમોચન થશેઃ દવાઓના ઓનલાઇન-ઓફલાઇન : વેપારની વિસ્‍તૃત માહિતી આપતો વર્કશોપ તથા જેનરીક, સર્જીકલ, ઓટીસી, એફએમસીજી કંપનીઓની દવાઓનું વિશાળ એકઝીબીશન યોજાશે : - સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છના વિવિધ શહેરોમાંથી પસંદગી પામેલ ૧૧૦૦ ડેલીગેટસ હાજર રહેશેઃ તડામાર તૈયારી : સૌરાષ્‍ટ્ર અને ગુજરાત કેમીસ્‍ટસ એસો.ના પ્રમુખ-મંત્રી પણ હાજર રહેશે

રાજકોટ તા. ર : સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૩૩૦૦ જેટલા દવાના વેપારીઓ (રીટેઇલ-હોલસેલ)નું સંગઠન ધ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ એસોસીએશન્‍સ દ્વારા આવતીકાલ તારીખ ૩-૭-ર૦રર, રવિવારના રોજ સવારે ૯ વાગ્‍યાથી શ્રી અટલ બિહારી બાજપાય ઓડીટોરીયમ, પેડક રોડ, રાજકોટ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં રજીસ્‍ટ્રેશન મારફત પસંદગી પામેલ કુલ ૧૧૦૦ ડેલીગેટસ - સભ્‍યો હાજર રહેશે.
દવાના તમામ ધંધાર્થીઓ માટે વિવિધ રીતે ઉપયોગી તમામ કાર્યક્રમોમાં સમગ્ર દેશમાં અંદાજે સાડા પાંચ લાખ દવાના વેપારીઓના સંગઠન ઓલ ઇન્‍ડિયા, ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ પ્રેસીડેન્‍ટ શ્રી જે. એસ. શીંદે, ફેડરેશન ઓફ ગુજરાત સ્‍ટેટ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ એસોસીએશનના પ્રમુખશ્રી જસવંતભાઇ પટેલ અને મંત્રીશ્રી કિરીટભાઇ પલાણ, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ એસોસીએશન્‍સના ચેરમેનશ્રી કાંતિભાઇ પટેલ, પ્રમુખ શ્રી મયુરસિંહ જાડેજા અને મંત્રીશ્રી અનિમેષભાઇ દેસાઇ ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપશે.
દવાના વેપારમાં દિવસે- દિવસે આમૂલ પરિવર્તન આવતું જાય છે ત્‍યારે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના તમામ ૩૩૦૦ સભ્‍યોની માહિતી અને હજજારો દવાઓને લગતી જરૂરીયાત મુજબની વિસ્‍તૃત માહિતી  આપતી ડીરેકટરીનું વિમોચન મહાનુભાવોના વરદ્‌  હસ્‍તે કરવામાં આવશે. સાથે-સાથે વેપારમાં ઉપયોગી બનતી મોબાઇલ એપ્‍લીકેશન પણ દરેકને આપવામાં આવનાર હોવાનું સૌરાષ્‍ટ્ર કચ્‍છ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રીશ્રી અનિમેષભાઇ દેસાઇએ અકિલાને જણાવ્‍યુ હતું
ઇ-ફાર્મસી દ્વારા ઓનલાઇન વેપાર સતત વધતો જાય છે ત્‍યારે દવાના ઓનલાઇન-ઓફલાઇન વેપાર અંગે સમય-સંજોગો અનુરૂપ ટ્રેડીંગ કરવા અર્થે વિસ્‍તૃત માહિતી આપતો એજ્‍યુકેશનલ વર્કશોપ પણ રાખવામાં આવ્‍યો છે. જેમાં ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા માહિતી -માર્ગદર્શન અપાશે.
ઉપરાંત જેનરીક, સર્જીકલ, ઓટીસી, એફએમસીજી કંપનીઓની વિવિધ દવાઓનું વિશાળ ફાર્મા એકઝીબીશન રાખવામાં આવ્‍યુ છે. જેમાં ભાગ લેતી દવાની કંપનીઓ દ્વારા એકસ્‍ટ્રા ડીસ્‍કાઉન્‍ટ અને એકસ્‍ટ્રા સ્‍કીમ પણ વેપારીઓને આપવામાં આવશે. તેવું યાદીમાં જણાવાયું છે. માર્કેટમાં નવી આવતી દવાઓની પણ માહિતી ફાર્મા એકઝીબીશનમાં આપવામાં આવશે. આ માટે સ્‍પેશ્‍યલ સ્‍ટોલ્‍સ પણ બનાવવામાં આવ્‍યા છે. સમગ્ર દિવસ દરમ્‍યાન ચાલનારા વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા પ્રમુખ મયુરસિંહ જાડેજા, અને મંત્રી અનિમેષભાઇ દેસાઇ સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. ‘સંગઠન એ જ શકિત' નો ઉદ્‌ેશ્‍ય સિધ્‍ધ કરવા સમગ્ર ટીમ કાર્યરત છે.

 

(12:32 pm IST)