Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

હૃદય સ્‍વસ્‍થ રાખવા લેવાતી એસ્‍પીરીન, વીટામીન-ડી, કેલ્‍શીયમની જરૂરીયાત કેટલી?

રીસર્ચરોએ આપેલા પ્રશ્‍નોના જવાબો અને માહિતી વાંચો..

હૃદયરોગ માટે ઓછા ડોઝની એસ્‍પીરીન લાંબા સમયથી માન્‍યતા પ્રાપ્‍ત સારવાર ગણાય છે. પણ હવે એક નવા રિસર્ચમાં બધા માટે એસ્‍પીરીયનના ફાયદા બાબતે સવાલો કરાયા છે. ફોર્ટીસ એસ્‍કોર્ટ હાર્ટ ઇન્‍સ્‍ટીટયુટ દિલ્‍હીના ચેરમેન ડોકટર શેઠ એસ્‍પીરીન કેવી રીતે કામ કરે છે અને કોણે એસ્‍પીરીયન દરરોજ લેવી કે ના લેવી જોઇએ તે સમજાવે છે.

પ્રઃ ઘણાં લોકો હાર્ટ એટેક અથવા સ્‍ટ્રોકને રોકવા માટે રોજ એસ્‍પીરીયનનો હળવો ડોઝ લે છે. એસ્‍પીરીયનની આમાં કેવી ભૂમિકા છે?

જ : એસ્‍પીરીન દુઃખાવા માટે અને તાવમાં રાહત આપવા ઉપરાંત લોહીને પાતળું પણ કરે છે. હાર્ટ એટેક અને સ્‍ટ્રોક સામાન્‍ય રીતે હૃદય અથવા મગજની નસોમાં લોહી ગંઠાઇ જવાના કારણે આવે છે. એસ્‍પીરીયન રોજ લેવાથી લોહી ગંઠાવાની પ્રક્રિયા ઘટે છે એટલે હાર્ટ એટેક અને સ્‍ટ્રોકની શકયતાઓ ઘટે છે.

પ્રઃ પહેલા કરાયેલ એક અભ્‍યાસ જેવા જ અમેરિકાના એક નવા અભ્‍યાસમાં કહેવાયું છે કે એસ્‍પીરીન હૃદયરોગના દર્દીઓને મામૂલી અથવા નહીંવત ફાયદો થાય છે તેનાથી ખતરનાક બ્‍લીડીંગ (રકતસ્‍ત્રાવ)નું જોખમ વધે છે. તમે આના પર પ્રકાશ પાડી શકશો?

જઃ બ્‍લડ થીનર હોવાથી એસ્‍પીરીયન લોહીનું ગંઠાવુ ઘટાડે છે પણ તેનાથી પેટમાં નાના અલ્‍સર દ્વારા અને મગજમાં બ્‍લીડીંગની શકયતાઓ વધારે છે. જેમને હૃદયરોગ, હાર્ટ એટેક અથવા સ્‍ટ્રોક જેવી તકલીફ હોય તેવા દર્દીઓને બ્‍લીડીંગના જોખમ કરતા વધારે ફાયદો છે. જો કે જેમને હૃદયની કોઇ બિમારી અથવા તકલીફ ના હોય, હાર્ટ એટેકનું જોખમ સાવ ઓછું હોય તેમને એસ્‍પીરીન બિલકુલ ફાયદો નથી કરતી અને તેમના બ્‍લીડીંગનું જોખમ વધી જાય છે. આ જોખમ ૬૦ થી વધુ વયના લોકો પર તો વધારે વધી જાય છે.

એટલે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે હૃદય રોગનો ઇતિહાસ ધરાવતા લોકો જેમને હાર્ટ એટેક કે સ્‍ટ્રોક આવી ગયો હોય, બાયપાસ સર્જરી અથવા એન્‍જીયો પ્‍લાસ્‍ટી ભૂતકાળમાં કરાવી હોય અથવા જેમની રકત વાહીનીઓમાં બ્‍લોકેજનું નિદાન થયુ હોય અથવા હૃદય રોગનું ગંભીર જોખમ હોય તેમના માટે જ એસ્‍પીરીન ફાયદારૂપ છે. ૬૦ વર્ષથી ઉપરના લોકો જેમનો હૃદયરોગનું કોઇ નિદાન ના થયુ હોય તેમને એસ્‍પીરીન ના આપવી ીજોઇએ. એટલે હૃદયરોગની તકલીફનો કોઇ ઇતિહાસ ના હોય તેવા વૃધ્‍ધ લોકોને એસ્‍પીરીન આપવી અયોગ્‍ય છે.

પ્રઃ માથાના દુખાવા અથવા તાવમાં કયારેક એસ્‍પીરીનની એક કે બે ગોળી મોટા ભાગના લોકો માટે સુરક્ષિત હોવાનું કહેવાય છે. એસ્‍પીરીન રોજ લેવાની આડઅસરો કઇ-કઇ છે?

જઃ દુઃખાવા અથવા તાવ માટે કયારેક એસ્‍પીરીન લેવામાં વાંધો નહીં પણ નિયમીત અને રોજ એસ્‍પીરીન લેવાથી ચાઠ્ઠા પડવા, રકતસ્‍ત્રાવ, કીડનીમાં સોજો, કયારેક એલર્જીક રીએકશન, હાંફ અને કીડની ફેઇલ થવાની શકયતાઓ રહેલી છે. જો કે જેમને હૃદયરોગની તકલીફ હોય તેમના માટે હાર્ટએટેક કે સ્‍ટ્રોકના જોખમ સામે આ આડઅસર ઓછી ગંભીર ગણાય.

પ્રઃ વૃધ્‍ધ વ્‍યકિતઓના હૃદય માટે કેલ્‍શીયમની દવાઓ જોખમી છે?

જઃ કેલ્‍શીયમ સપ્‍લીમેનટસ, જે મોટી વયના લોકોને ઓસ્‍ટીઓ પોરોસીસ અથવા ફ્રેકચરના જોખમથી બચાવવા ઘણીવાર આપવામાં આવે છે તે હૃદયના વાલ્‍વની બિમારી ધરાવતા લોકોના મોતનું કારણ બની શકે છે. નવા રિસર્ચ અનુસાર, જયારે હૃદયનો એરોટીક વાલ્‍વ પુરેપુરો ખુલતો ના હોય ત્‍યારે એરોટીક વાલ્‍વ સ્‍ટેનોસીસની બિમારી થાય છે. તેના કારણે હૃદયમાંથી શરીર તરફ જતી મુખ્‍ય ધોરી નસને પુરતુ લોહી નથી મળતું. આના માટે વાલ્‍વને રિપેર અથવા બદલાવવાની સર્જરી કરવી પડે છે.

કેલ્‍શીયમ લોહીમાં મળતુ એક મીનરલ છે અને તે લોહીના પ્રવાહની સાથે હૃદયના વાલ્‍વ સુધી પહોંચીને ત્‍યાં જમા થાય છે. ઘણા નિષ્‍ણાતોનું માનવુ છે કે વાલ્‍વ પર જમા થયેલ કેલ્‍શીયમ, કેલ્‍શીયમ ટેબ્‍લેટ અથવા કેલ્‍શીયમ ફોર્ટીફાઇડ ઉત્‍પાદનાો કારણે નથી થતું.

રીસર્ચરોએ ૭૪ વર્ષની સરેરાશ વયવાળા જેમાં ૪૨ ટકા મહિલાઓ હતી તેવા ૨૬૫૭ લોકોના હૃદયના આરોગ્‍યનો ૨૦૦૮ થી ૨૦૧૮ વચ્‍ચે અભ્‍યાસ કર્યો હતો. તેમાં ૪૯ ટકા લોકો કોઇપણ સપ્‍લીમેન્‍ટના લેનારા, ૧૨ ટકા ફકત વીટામીન ડી લેનારા અને ૩૯ ટકા લોકો વીટામીન ડીની સાથે અથવા તેના વગર કેલ્‍શીયમ લેનારા હતા. આ સમયગાળા દરમ્‍યાન તેમાંથી મરનારા ૫૪૦ લોકોમાં ૧૫૦ હૃદય રોગના કારણે, ૧૫૫ અન્‍ય કારણોથી અને ૨૩૫ લોકો અજાણ્‍યા કારણોથી મરનારા હતા. ૨૬૫૭ દર્દીઓમાંથી ૭૭૪ લોકોએ પોતાનો એરોટીક વાલ્‍વ બદલાવ્‍યો હતો.

અભ્‍યાસના તારણોમાં જણાયું કે વીટામીન ડી સપ્‍લીમેન્‍ટની બચવામાં કોઇ અસર નહોતી પણ વીટામીન ડીની સાથે કેલ્‍શીયમ સપ્‍લીમેન્‍ટ લેવાથી મોતનું જોખમ ૩૧ ટકા વધી ગયુ અને હૃદયરોગના કારણે મોતનું જોખમ બમણું થઇ ગયુ હતું. સપ્‍લીમેન્‍ટ લેનારાઓમાં એરોટીક વાલ્‍વ બદલાવવાનું જોખમ સપ્‍લીમેન્‍ટના લેનારા કરતા ૪૮ ટકા વધારે હતું.

(4:50 pm IST)