Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

B ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નેકમાં ધબડકો કાલે સીન્ડીકેટ-એકેડેમીક કાઉન્સીલની તોફાની બેઠક

વર્તમાન IQACને બરખાસ્ત કરી હિન્દી - અંગ્રેજી વાંચી - બોલી અને સમજી શકે તેવા અધ્યાપકોને રાખવા ભલામણ : હોટલના કથિત બનાવમાં જવાબદારોનો ખુલાસો પૂછાશે

રાજકોટ તા. ૨ : સૌરાષ્ટ્રના લાખો વિદ્યાર્થીઓની ડીગ્રી સામે પ્રશ્નાર્થ ઉભો કરનાર બી-ગ્રેડના તીવ્ર પ્રત્યાઘાત પડી રહ્યા છે. પૂર્વ કુલપતિ ડો. કનુભાઇ માવાણી અને ડો. મહેન્દ્રભાઇ પાડલીયાના વડપણમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઉત્કૃષ્ઠ દેખાવ કરીને માત્ર સૌરાષ્ટ્ર - ગુજરાત જ નહી વિશ્વમાં નામના વધારી હતી પરંતુ ૨૦૧૪થી ૨૦૧૯ના કાર્યકાળ દરમિયાન થયેલા કાર્યોની નેક કમિટિએ ગંભીર નોંધ લઇ બી-ગ્રેડ આપ્યો છે.

નેક કામગીરી સમક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અતિ નબળા દેખાવ અને અધ્યાપકોની અણઆવડત તેમજ IQACની બેદરકારીની સમીક્ષા કરવા આવતીકાલે સીન્ડીકેટ અને એકેડેમીક કાઉન્સીલની સંયુકત બેઠક મળી રહી છે જે તોફાની રહેવાની ધારણા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ હણનાર  IQACની ટીમે કરેલો અણધડ અહેવાલ અને બોગસ ડેટા, નેક પીઅર ટીમ સમક્ષ દારૂ પી જવાની કથિત ચોંકાવનારી ઘટના સહિતના મુદ્દે આવતીકાલે સીન્ડીકેટની બેઠકમાં તડાપીટ બોલશે.

જાણવા મળતી વિગત મુજબ વર્તમાન  IQACને તુરંત વિખેરી નાખીને જે અધ્યાપક અંગ્રેજી - હિન્દી વાંચી - બોલી તેમજ સમજી શકે તેવા હોય તેઓને  IQACમાં સ્થાન આપવાનો નિર્ણય કરશે. છેલ્લા ૪ વર્ષમાં ખોટો ડેટા આપનાર ભવનના અધ્યાપકો સામે પગલા લેવા સમીક્ષા કરવામાં આવશે.

હાલ તો કેટલાક વગદાર સીન્ડીકેટ સભ્યો બી-ગ્રેડ મુદ્દે માનીતા સત્તાધીશોને છાવરવા પ્રયાસ કરી રહ્યા છે તો કેટલાક અંતરઆત્માના અવાજ મુજબ તડાપીટ બોલાવીને યુનિવર્સિટીને ગૌરવ અપાવવા નક્કર પગલાની ભલામણ કરશે.

 IQAC દ્વારા થયેલ ગેરવહીવટ પ્રશ્ને પણ કાલની સીન્ડીકેટમાં બઘડાટી બોલશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

(3:20 pm IST)