Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

રાજકોટ જિલ્લા પંચાયતના ઇતિહાસમાં ત્રીજી વખત ભાજપનું શાસન

ભાજપને ૧૯૯પ અને ર૦૧૦માં બહુમતી મળેલીઃ રામજીભાઇ રાદડિયા અને હંસાબેન પારેધી પ્રમુખ બનેલાઃ ર૦ર૧માં ફરી કમળ ખીલ્યુ

રાજકોટ તા. ર :.. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતની ૧૯૬૪ માં સ્થાપના થઇ પછી આજ સુધીમાં બે વખત ભાજપને બહુમતી મળેલી આજે ત્રીજી વખત ભાજપને સતા મળી છે.

આજે બે તૃતીયાંશ (રપ જેટલી) બેઠકો મેળવી ભાજપ સત્તાધાર બન્યો છે.

૧૯૯પ માં ભાજપને બહુમતી મળતા જેતપુર રામજીભાઇ રાદડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ બનેલા. ર૦૦૦ અને ર૦૦પ માં કોંગ્રેસને બહુમતી મળ્યા બાદ ફરી ર૦૧૦ માં ભાજપનું શાસન આવતા મોરબી પંથકના હંસાબેન પારેધી પંચાયત પ્રમુખ બન્યા હતાં. ર૦૧પ માં જિલ્લા પંચાયતમાં ભાજપનો સફાયો થઇ ગયેલ. તે વખતે ૩૬ પૈકી કોંગીને ૩૪ અને ભાજપને માત્ર બે બેઠકો (બન્ને મહિલા) મળેલી. આજે પરિણામ જાહેર થતા ચિત્ર ધરખમ બદલાઇ ગયું છે. મતદારોએ ત્રીજી વખત ભાજપને શાસન સોંપ્યું છે.

છેલ્લા પ વર્ષમાં નિલેષ વિરાણી અને અલ્પાબેન એ. ખાટરીયા પ્રમુખપદે રહ્યા હતાં. કોંગીને તોતીંગ બહુમતી છતાં આંતરિખ વિવાદ થતા અઢી વર્ષ બાદ પ્રમુખપદ કોંગીના હાથમાં રહેલ પણ સમિતિઓમાં બળવાખોરોએ ભાજપના સહકારથી કબજો કર્યો હતો. આ વખતે પ્રજાએ ભાજપને શાસનની તક આપી છે. નવા પ્રમુખ તરીકે ભૂપત બોદરનું નામ મોખરે છે.

(3:12 pm IST)