Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

દેશભરમાં દીકરીઓ માટે ૭.૫ લાખ સુકન્યા સમૃદ્ધિના ખાતા ખોલવાની ઝુંબેશમાં રાજકોટ પોસ્ટ પણ જોડાશે

રાજકોટ પોસ્ટ વિભાગ દ્વારા ૯ તથા ૧૦મીએ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવા વિશેષ વ્યવસ્થા

રાજકોટ:વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ‘‘બેટી બચાવો, બેટી પઢાવો’’ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૧૫માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરાવી હતી. ભારતીય પોસ્ટ વિભાગે પણ આ અભિયાનને આગળ વધારતાં, રાષ્ટ્રીય ફિલાટેલિક પ્રદર્શન – અમૃતપેક્ષના ઉપક્રમે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત પોસ્ટ વિભાગ દ્વારા તા. ૯ તથા ૧૦ ફેબ્રુઆરીના રોજ દેશભરમાં ૭.૫ લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવા અભિયાન ચાલશે. રાજકોટ પોસ્ટલ ડિવિઝન પણ આ ઝુંબેશમાં જોડાશે.

 આ દિવસો દરમિયાન રાજકોટ ડિવિઝનની દરેક પોસ્ટ ઓફિસમાં પાત્રતા ધરાવતી દીકરીઓના ખાતાઓ ખોલવામાં આવશે. આ માટે તમામ પોસ્ટ ઓફિસોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના દરેક ભાગમાં વિશેષ કેમ્પ અને મેળાનું આયોજન કરવામાં આવશે. સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવા, તેમના ધ્યેયો સાકાર કરવામાં અને તેમના સપના પૂરા કરવામાં સહાયક બને છે. આ યોજનામાં આકર્ષક વ્યાજદર અને આવકવેરાના ૮૦-સી હેઠળ કરબચત માટેની જોગવાઈ છે.

 નોંધનીય છે કે, રાષ્ટ્રીય સ્તરના ફિલાટેલિક પ્રદર્શન – અમૃતપેક્ષ નવી દિલ્હી ખાતે ૧૧થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ પ્રદર્શનની ભવ્ય સફળતાને ચિન્હિત કરવા માટે પોસ્ટ વિભાગે અમૃતપેક્ષ – પ્લસ બેનર હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. જેમાં દેશભરમાં ૭.૫ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવાની ઝુંબેશનો સમાવેશ થાય છે. 

(12:47 am IST)