Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

રસરાજ રશેષ મહોત્સવ:આજે શયનમાં મહારાસ દર્શન

વિરાટ બીનેકીમાં કિર્તનગાન, રાસની રમઝટઃ વૃંદાવનના કારીગરો દ્વારા અદ્‌ભૂત કલા દર્શન

રાજકોટ : ‘શ્રી રસરાજ રશેષ મહોત્‍સવ' દિવસે દિવસે એની ચરમગતિ તરફ આગળ વધી રહ્યો છે. તા. ૧ને બુધવારની રાત્રિએ-સંપ્રદાયીક પરંપરા પ્રમાણે-ગૌ.શ્રી રશેષકુમારજીની બિનેકી (વરઘોડા)નો અનેરો રંગ છવાયો હતો. દેશભરમાંથી પધારેલ અનેકો પીઠાધીશ આચાર્યશ્રીઓની પંકિત સાથે સેંકડો આચાર્યશ્રીઓની સન્‍નિધી સાથેની બિનેકીનો પૂર્વક રાત્રિના ૧૧ વાગ્‍યે શ્રી લક્ષ્મીવાડી હવેલી ખાતેથી આરંભ થયો હતો.

મોરબીની સાધુજમાતનાં અદ્‌ભૂત રીતે શણગારેલા હાથીની પ્રથમ સવારી સાથે ઝંડાધારી વૈષ્‍ણવ યુવાનો મહીબાયો તેમજ હજારો વૈષ્‍ણવોની ભીડ સાથે ઘોડા-બગ્‍ગીઓ-રંગબેરંગી છત્રીદળે-અર્ધરાત્રિએ પણ રસ્‍તાઓમાં ઝગપગાર ફેલાવી -અનેરૂ આકર્ષણ જમાવ્‍યું હતું.

હવેલીએથી કેનાલ રોડ-ગુંદાવાડી ચોક થઇ પ્રસ્‍તાવ પંડાલ તરફ પ્રયાણ કરતી શોભાયાત્રાનું ઠેર-ઠેર સેંકડો વૈષ્‍ણવ પરિવારોએ ફુલોની છોળોથી સ્‍વાગત કર્યું હતું.

ગૌ.શ્રી રશેષકુમારજી જરકશી જામા અને આંટાળી લાલ પાગ ઉપર સહેરાધારી અનેરી દિવ્‍યતા છવાઇ હજારોની ભીડ-રાસકિર્તનોની રમઝટ વચ્‍ચેની આ શોભાયાત્રા-નગરમાંથી પસાર થતા રાત્રે ૧૨ વાગ્‍યે પણ શહેરના રાજમાર્ગોમાં ચક્કાજામ સાથે ફુલોનો રંગ છવાયો હતો.

બિનેકી પ્રસ્‍તાવ પંડાલ સુધી પહોંચતાં ફટાકડાની આતશબાઝી સાથે સ્‍વાગત કરાયું હતું.

કાલથી સાંજે શ્રી મદનમોહન પ્રભુને શયન દર્શનમાં ‘કેળનાં બંગલા'ની અદભૂત ઝાંખીથી દિવ્‍યતા છવાઇ હતી. કેળનાં બંગલા બેજોડા પચ્‍ચીકારી કલાએ પુષ્‍ટિ સંપ્રદાયની કલા પરંપરાનો દિવ્‍ય અનુભવ કરાવ્‍યો હતો.

આજે સવારે ૯:૩૦ વાગ્‍યાથી પ્રસ્‍તાવ પંડાલમાં ગૌ.શ્રી રશેષકુમારજીના ચૌલ સંસ્‍કાર (મુંડન વિધી) થી શરૂ થનારા કાર્યક્રમો વેદ દવની વચ્‍ચે પૂજ્‍યશ્રીને યજ્ઞોપવિત સંસ્‍કાર થશે. જયપુર-અમદાવાદનાં આચાર્ય પુરોહિતો દ્વારા દિવ્‍ય વેદગાન થશે.યજ્ઞોપવિત ધારક ચિ.ગૌસ્‍વામીશ્રી મધ્‍ય બપોરે બિરાજમાન તમામ આચાર્ય પરિવારો અને વૈષ્‍ણવો દ્વારા શીખ પ્રાપ્‍ત કરી આશિર્વાદ ગ્રહણ કરશે.

આજે સાંજે શયન દર્શનમાં શ્રી મદનમોહન પ્રભુને ‘મહીરાસ દર્શન' સાથે વૈષ્‍ણવ ભાવુકો માટે ‘શરદની ઉજીયાણી' રાત્રી જીવંત થશે.

સમિતિ દ્વારા વૃધ્‍ધ અને અશકત વૈષ્‍ણવો માટે ‘વ્‍હીલચેર' દ્વારા દર્શન કરાવવાની આગવી વ્‍યવસ્‍થા કરાય છે.

આ વરઘોડો યાત્રાની અનોખી તૈયારી માટે સમિતિના અગ્રણીઓ ચીમનભાઇ લોઢીયા, હસમુખભાઇ ડેલાવાડા, દિનેશભાઇ કારીઆ, સુખાભાઇ કોરડીયા, સુરેશભાઇ કોટક, બુર્ઝુગ એવા અંતુભાઇ સોની, વ્રજધામ કમીટીનાં ગોવિંદભાઇ દાવડા, હિતેશભાઇ રાજપરા, સુભાષભાઇ શીંગાળા, હર્ષદભાઇ રાજપરા, હિરેનભાઇ સોની સહિત ૧૫૦ થી વધુ સ્‍વયંસેવક કાર્યકર્તાઓ પાછલા એક મહીનાથી જહેમત ઉઠાવી રહ્યા છે.

આજના પ્રસ્‍તાવ ઉપક્રમમાં શહેરભરનાં વૈષ્‍ણવોને જોડાવા સમિતિ દ્વારા નિમંત્રણ કરાયું છે. વિશેષ માહિતી માટે સમિતિના કાર્યકર્તાઓનો સંપર્ક કરવા જણાવાયું છે.

(4:19 pm IST)