Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

વડવાજડીના ૧૧ વર્ષના બાળકનું કે. ટી. ચિલ્‍ડ્રન હોસ્‍પિટલમાં મોત નિપજ્‍યું: બેદરકારીનો આક્ષેપ

ઓળીની સારવાર માટે ઇમર્જન્‍સી વોર્ડમાંથી ટ્રાન્‍સફર કરાયા બાદ ધ્‍યાન ન અપાયાનો આક્ષેપઃ પોલીસ બોલાવવી પડી

 

રાજકોટઃ લોધીકાના વડવાજડી ગામે રહેતાં ભાવેશભાઇ જોગડીયાના પુત્ર ક્રિષ્‍ના (ઉ.વ.૧૧)ને ચાર પાંચ દિવસથી ઓળી નીકળ્‍યા હોઇ આજે તબિયત બગડતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ ઇમર્જન્‍સી વોર્ડમાંથી તેને વધુ સારવાર માટે કે. ટી.  ચિલ્‍ડ્રન વિભાગમાં ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યો હતો. પણ સારવાર દરમિયાન મૃત્‍યુ નિપજ્‍યું હતું. આ કારણે મૃતકના પરિવારજનોએ તબિબોએ બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરી માથાકુટ કરતાં અને ધરણા પર બેસી જવાની તૈયારી કરતાં સિક્‍યુરીટીની ટીમ પહોંચી હતી અને તેને સમજાવવા પ્રયાસ કર્યો હતો. તેમજ પોસ્‍ટ મોર્ટમ કરાવી મોતનું સચોટ કારણ જાણવા જણાવ્‍યુ હતું. પરંતુ મૃતકના સ્‍વજનો શાંત ન પડતાં પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે પહોંચી દરમિયાનગીરી કરી હતી.  ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. મૃત્‍યુ પામનાર ક્રિષ્‍ના બે બહેનનો એકનો એક નાનો ભાઇ હતો અને ધોરણ-૫માં ભણતો હતો. તેના પિતા પાનનો ગલ્લો ચલાવે છે. તસ્‍વીરમાં હોસ્‍પિટલે મૃતકના સગા, પોલીસ અને સિક્‍યુરીટી સ્‍ટાફ તથા મૃતક ક્રિષ્‍નાનો ફાઇલ ફોટો જોઇ શકાય છે.

(4:03 pm IST)