Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

તને કેટલી વાર ના પાડી છે તો'ય કેમ શેરીમાંથી નીકળે છે?...યુવાનને ૮ શખ્‍સોએ આંતરી છરીથી રહેંસી નાંખ્‍યો

થોરાળાના સિધ્‍ધાર્થ ઉર્ફ રઘોના મિત્ર નિખીલ ઉર્ફ નાથાને બે મહિના પહેલા થયેલી માથાકુટ હત્‍યા સુધી પહોંચી ગઇ : સિધ્‍ધાર્થ કાનાભાઇના મફતીયાપરામાંથી ઘરે જતો'તો ત્‍યારે કાર-ટુવ્‍હીલરમાં આવેલા આઠ શખ્‍સોએ આંતરી ઘુસ્‍તાવ્‍યો, ગાળો દીધીઃ જીવ બચાવીને ભાગતાં પીછો કરી ફરીથી હુમલો કર્યોઃ થોરાળા પોલીસે ગુનો નોંધી ત્રણને સકંજામાં લીધા

તસ્‍વીરમાં ઘટના સ્‍થળે સિધ્‍ધાર્થ ઉર્ફ રઘાનો મૃતદેહ, તેનો ફાઇલ ફોટો અને મૃતદેહ પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડાયો તે જોઇ શકાય છે

રાજકોટ તા. ૨: શહેરના થોરાળા વિસ્‍તારમાં રહેતાં બાવીસ વર્ષના યુવાનને ૮૦ ફુટ રોડ પર આંબેડકરનગર કાનાભાઇના મફતીયાપરામાં કાર અને ટુવ્‍હીલર લઇને આવેલા થોરાળાના જ ૮ શખ્‍સોએ આંતરી લઇ ‘તને કેટલીવાર ના પાડી છે તો પણ અમારી શેરીમાંથી શું કામ નીકળે છે? તારો મિત્ર નિખીલ ક્‍યાં છે?' તેમ કહી મા બહેન સમી ગાળો ભાંડી મારકુટ ચાલુ કરતાં આ યુવાન જીવ બચાવી ભાગતાં તેનો બધાએ પીછો કરી આંતરી લઇ ફરીથી માર મારી બે જણાએ છરીના ઘા ઝીંકી પતાવી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. થોરાળા પોલીસે ગુનો નોંધી બે શકમંદને ઉઠાવી લીધા છે. હત્‍યાનો ભોગ બનનાર યુવાન પરિવારનો એકનો એક પુત્ર હતો અને એક બહેનથી નાનો હતો.

આ બનાવમાં થોરાળા પોલીસે હત્‍યાનો ભોગ બનેલા નવા થોરાળા સ્‍વામિનારાયણ સ્‍કૂલ સામે રહેતાં સિધ્‍ધાર્થ ઉર્ફ રઘો જીવણભાઇ મકાભાઇ મકવાણા (ઉ.વ.૨૨)ના બનેવી સુનિલ નાથાભાઇ કાનજીભાઇ ચાવડા (ઉ.વ.૨૮-રહે. ભગવતીપરા-૨૨ રામાપીરના મંદિર પાસે)ની ફરિયાદને આધારે ગોપાલ કલાભાઇ ગોહેલ, ભમો ઉર્ફ જીજ્ઞેશ પુંજાભાઇ ગોહેલ, ધર્મેશ કનુભાઇ ગોહેલ, હિતેષ કનુભાઇ ગોહેલ, આનંદ ઉર્ફ કાળુ રવિભાઇ મુછળીયા, મયુર ઉર્ફ એમડી વિનુભાઇ દાફડા, નિતીન રવીભાઇ મુછળીયા અને મોહિત ઉર્ફ બન્‍ની સુરેશભાઇ પરમાર મળી આઠ શખ્‍સો વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૨૦ (બી), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી બે ત્રણ શખ્‍સોને પુછતાછ માટે ઉઠાવી લીધા છે.

સુનિલ ચાવડાએ જણાવ્‍યું છે કે કડીયા કામની મજૂરી કરુ છું. મારા લગ્ન થોરાળા-૧માં રહેતાં જીવણભાઇ મકાભાઇ મકવાણાની દિકરી ઉષા સાથે પાંચ વર્ષ પહેલા થયા છે. મારા સસરા જીવણભાઇને સંતાનમાં એક દિકરી ઉષા અને એક દિકરો સિધ્‍ધાર્થ ઉર્ફ રઘો (ઉ.૨૨) છે. મારા સાસુ મીનાબેન હયાત નથી. સિધ્‍ધાર્થ હાલમાં કેટલાક સમયથી મહાનગર પાલિકામાં ઢોર પકડ પાર્ટીમાં કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર નોકરીએ જોડાયો હતો. બુધવારે તા.૧ના રાતે પોણા અગિયારેક વાગ્‍યે હું ઘરે હતો ત્‍યારે મારા મામાના દિકરા દિલીપભાઇ ચોૈહાણે ફોન કરી કહેલું કે તમારા સાળા સિધધાર્થને ૮૦ ફુટ રોડ આંબેડકરનગર-૧માં કાનાભાઇના મફતીયાપરા પાસે ૮ થી ૯ જણા સાથે માથાકુટ થઇ છે. આથી હું તુરત ત્‍યાં પહોંચ્‍યો હતો. ત્‍યારે ટોળુ જોવા મળ્‍યું હતું. જેમાં ચિરાગ મકવાણા, હરેશ ખીમસુરીયા, અજય જાદવ, રોહિત રાઠોડ, દિપક ખીમસુરીયા, કરણ ખીમસુરીયા, સુરેશ, મોૈલિક, મિહીર, સંજય મકવાણા, મારા સસરાના મોટા ભાઇ દેવશીભાઇ મકવાણા, મામાના દિકરા દિલીપ ચોૈહાણ સહિતના હાજર હતાં. બીજા લોકો પણ હતાં. સિધ્‍ધાર્થ ઉર્ફ રઘો લોહીલુહાણ બેભાન પડેલો હતો.

ત્‍યાં મારા મામાના દિકરા દિલીપ ચોૈહાણ ઉભા હોઇ તેને શું થયું છે? તે અંગે પુછતાં કહ્યું હતું કે રાતે દસ સવાદસ આસપાસ તમારો સાળો સિધ્‍ધાર્થ ઉર્ફ રઘો ચાલીને ઘરે જતો હતો ત્‍યારે સફેદ રંગની આઇ-૨૦ કારમાં અને એક્‍સેસ નં. જીજે૧૨-૦૦૦૯માં બેસી હિતેષ ગોહેલ, ધર્મેશ, ભમો, ગોપાલ, આનંદ, મયુર ઉર્ફ એમડી, નિતીન, મોહિત સહિતના આવ્‍યા હતાં અને સિધ્‍ધાર્થને રોકી કહેવા લાગ્‍યા હતાં કે-તને કેટલી વાર ના પાડી છે તેમ છતાં તું અમારા ઘર પાસે અમારી શેરીમાં શું કરવા નીકળે છે? તારો મિત્ર નિખીલ ક્‍યાં છે? બોલાવ એને તેમ કહી આ બધાએ તમારા સાળા સિધ્‍ધાર્થ ઉર્ફ રઘાને મા-બહેન સમી ગાળો ભાંડવા માંડયા હતાં. જેથી સિધ્‍ધાર્થ ત્‍યાંથી આગળ ભાગવા માંડયો હતો. તે ભાગતાં બધાએ તેનો પીછો કર્યો હતો.

તમારો સાળો ભાગતા ભાગતાં આંબેડકરનગર-૧ કાનાભાઇના મફતીયાપરા વે-બ્રીજ સામે પહોંચ્‍યો ત્‍યારે ફરીથી આ બધાએ તેને આંતરીને ઘેરી લીધો હતો. એ પછી તેને હિતેષ, ધર્મેશ, આનંદ, નિતીન અને મોહિત તેમજ મયુરે પકડી રાખ્‍યો હતો તથા ગોપાલ ગોહેલ અને જીજ્ઞેશ ઉર્ફ ભમોએ ગાળો દઇ ઢીકાપાટુ મારવાનું ચાલુ  કર્યુ હતું. તેમજ આ બંનેએ છરીઓ કાઢી સિધ્‍ધાર્થને એક એક ઘા ઝીંકી દીધા હતાં. બીજા શખ્‍સોએ બેફામ ઢીકાપાટુ મારવાનું ચાલુ રાખ્‍યું હતું. એ પછી સિધ્‍ધાર્થ લોહીલુશહાણ થઇ પડી જતાં અમે તેને બચાવવા પહોંચતા બધા શખ્‍સો ભાગી ગયા હતાં. અમે ૧૦૮ બોલાવી હતી પણ તેના ડોક્‍ટરે સિધ્‍ધાર્થ ઉર્ફ રઘાને મૃત જાહેર કર્યો હતો. તેમ વધુમાં મને (સુનિલને) મામાના દિકરા દિલીપભાઇ ચોૈહાણ વાત કરી હતી.

આ હત્‍યાનું કારણ એવું છે કે મારા સાળા સિધ્‍ધાર્થ ઉર્ફ રઘાના મિત્ર નિખીલ ઉર્ફ નાથો પ્રવિણભાઇ સોલંકી સાથે બે મહિના પહેલા હુમલાખોરો સાથે માથાકુટ થઇ હતી. તેનો ખાર રાખી મારા સાળા સિધ્‍ધાર્થને આંતરી ગાળો દઇ ધમકાવતાં મારો સાળો બચવા માટે ભાગતાં તેનો પીછો કરી આઠેય શખ્‍સોએ ફરીથી આંતરી લઇ ઢીકાપાટુનો માર મારી બે શખ્‍સોએ છરીઓના ઘા મારી તેની હત્‍યા કરી નાંખી હતી.

થોરાળા પીઆઇ એલ. કે. જેઠવા, શૈલેષભાઇ ભીંસડીયા, યુવરાજસિંહ સહિતે ગુનો નોંધ્‍યો છે. પીએસઆઇ ગઢવી, ધીરૂભાઇ, જયદિપભાઇ સહિતની ટીમે આરોપીઓ પૈકીના બે ત્રણ શકમંદને ઉઠાવી લીધા છે.  મૃતકના બનેવી સુનિલ ચાવડાએ વધુમાં જણાવ્‍યું હતું બે મહિના પહેલા મારા સાળા સિધ્‍ધાર્થ ઉર્ફ રઘાના મિત્ર નિખીલ ઉર્ફ નાથાને શેરીમાંથી નીકળવા મામલે સામેના   લોકોએ મારકુટ કરી હતી ત્‍યારે અમે ફરિયાદ નોંધાવી નહોતી. ત્‍યારથી શેરીમાંથી નીકળવા મામલે મનદુઃખ ચાલતું હોઇ તેના કારણે મારા સાળાની હત્‍યા કરી હતી. 

(11:23 am IST)