Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

મોબાઇલમાં ગેમ રમવાની ના પડાતાં પંદર વર્ષના ધો-૯ના છાત્ર મોહિતે ગળાફાંસો ખાઇ જીવ દીધો

સામા કાંઠે સદ્દગુરૂ રણછોડનગરમાં બનાવઃ વાલીઓ માટે લાલબત્તી રૂપ કિસ્સો : પ્રતિક સ્કૂલનો છાત્રઃ પિતા જેન્તીભાઇ રાઠોડે મોબાઇલ મુકી ભણવામાં ધ્યાન દેવા બાબતે ઠપકો આપતાં માઠુ લાગી ગયું :માતા-પિતા-મોટી બહેન પૂનમ ભરવા જીયાણા ગયા'તાઃ નાની બહેન થોડીવાર માટે બહાર ગઇ ત્યાં મોહિતે : પગલુ ભરી લીધું :બે બહેનનો એકનો એક ભાઇ અને માતા-પિતાનો એક જ પુત્ર હતોઃ કોળી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨: મોબાઇલ ફોનમાં રમાતી ગેમ્સના વળગણને કારણે છાત્રોનો ભણતરમાંથી તથા અન્ય પ્રવૃતિઓમાંથી રસ ઉડી જાય છે. જેને મોબાઇલમાં ગેમ રમવાની ટેવ પડી ગઇ હોય તેવા બાળકો, તરૂણોને જો વાલીઓ ગેમ ન રમવા દે કે ઠપકો આપે તો તેઓ ગુસ્સે ભરાઇ જતાં હોય છે. અનેક ઘરોમાં આવો અનુભવ વાલીઓ કરી રહ્યા છે. ત્યારે સામા કાંઠાના સંત કબીર રોડ પર સદ્દગુરૂ રણછોડનગરમાં ૯મા ધોરણના છાત્ર કોળી તરૂણને તેના પિતાએ મોબાઇલ ફોનમાં ગેમ રમવાની ના પાડી ભણવામાં ધ્યાન આપવાનું કહી ઠપકો આપતાં તેને માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. 

વાલીઓ માટે લાલબત્તી રૂપ એવા આ કિસ્સાની વિગતો જોઇએ તો સદ્દગુરૂ રણછોડનગરમાં રહેતાં મોહિત જેન્તીભાઇ રાઠોડ (ઉ.૧૫) નામના છાત્રએ સવારે ઘરમાં છતના ઝુમરના હુકમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં હોસ્પિટલ ચોકી મારફત બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

તપાસમાં ખુલ્યા મુજબ મોહિત બે બહેનનો એકનો એક વચેટ ભાઇ છે. તેના મોટા બહેન કોલેજમાં અભ્યાસ કરે છે. પિતા જયંતિભાઇ સાર્દુરભાઇ રાઠોડ વાંકાનેરમાં ચાંદીકામ કરવા જાય છે. આજે પૂનમ હોઇ વહેલી સવારે પાંચ વાગ્યે જયંતિભાઇ અને તેના પત્નિ જ્યોતિબેન જીયાણા ગામે માતાજીના મઢે પૂનમ ભરવા, દર્શન કરવા ગયા હતાં. સાથે મોટી દિકરી પણ હતી અને ઘરે તેનો પુત્ર મોહિત તથા નાની દિકરી બંસી એકલા જ હતાં. સવારે  બહેન બંસી થોડીવાર માટે બહાર નીકળી હતી અને પાછી આવી ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. આથી તેણે પિતાને ફોન કરતાં તેઓ ઘર નજીક જ પહોંચી ગયા હોઇ દોડી આવ્યા હતાં. દરવાજો તોડી જોતાં મોહિત લટકતો જોવા મળતાં સ્વજનોએ પોક મુકી હતી.

મોહિતને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડાયો હતો. પણ અહિ મૃતદેહ જ પહોંચ્યો હતો. તેના પિતાએ કહ્યું હતું કે મોહિત ભણવામાં હોશીયાર હતો અને ઘર નજીક જ પ્રતિક સ્કૂલમાં ધોરણ-૯માં અભ્યાસ કરતો હતો. પરંતુ કેટલાક સમયથી તે મોબાઇલ ફોનના રવાડે ચડી ગયો હોઇ તેમાં સતત ગેમ રમતો અને મોડી રાત્રે પણ નેટ ચાલુ કરીને મોબાઇલમાં મથ્યો રહેતો હતો. હવે તે દસમા ધોરણમાં આવવાનો હોઇ જેથી તેને મોબાઇલમાં ધ્યાન આપવાને બદલે ભણતરમાં ધ્યાન પોરવવાનું કહેતાં તેને માઠુ લાગી જતાં આ પગલુ ભુરી લીધુ હતું.

આ ઘટના પરથી અન્ય વાલીઓ ચેતે અને પોતાના સંતાનો કે જે ભણી રહ્યા છે તે મોબાઇલને બદલે માત્ર ભણતરમાં જ ધ્યાન આપે તે બાબતનું ધ્યાન રાખે તે જરૂરી છે.

(3:19 pm IST)