Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

તું આ બાજુ શું કામ આવ્‍યો? કહી ભંગારવાળા કમલેશને છરી ઝીંકાઇ

ચુનારાવાડ ટ્રેકટર ચોકમાં વિક્કીએ હુમલો કર્યો

રાજકોટ તા. ૧: કુબલીયાપરા-૫માં રહેતાં કમલેશ દિપકભાઇ સોલંકી (ઉ.૨૦) નામના ભંગારના ધંધાર્થીને સાંજે ચુનારાવાડ ટ્રેકટર ચોકમાં હતો ત્‍યારે વિક્કી દેવીપૂજકે છરીથી હુમલો કરી હાથમાં ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

કમલેશના કહેવા મુજબ પોતે ચોકમાં ચનાભાઇની હોટલ પાસે ઉભો હતો ત્‍યારે વિક્કીએ તું આ બાજુ શું કામ આવ્‍યો? તેમ કહેતાં કમલેશે તને શું વાંધો છે? તેમ પુછતાં વિક્કીએ ગાળો દઇ ઝઘડો કરી છરીથી ઇજા પહોંચાડી હતી.

વેલનાથપરામાં

રશ્‍મીબેનને પડોશી મહિલાએ માર માર્યો

અન્‍ય બનાવમાં મોરબી રોડ વેલનાથપરામાં રહેતી રશ્‍મી શિવકુમાર કુશવાહા (ઉ.૩૦) નામની મુળ યુપીની મહિલાને પડોશમાં જ રહેતી મુળ યુપીની મહિલાએ છોકરાઓની તકરારને કારણે ઝઘડો કરી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝનમાં જાણ કરવામાં આવી હતી.

ધરમનગરમાં

આશાબેન પર કાનાનો ધોકાથી હુમલો

ગાંધીગ્રામ ધરમનગર ક્‍વાર્ટરમાં રહેતાં આશાબેન રાજેશભાઇ પુરૂષવાણી (ઉ.વ.૫૨)ને પડોશી કાનાએ ધોકાથી માર મારતાં માથામાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. આશાબેનના કહેવા મુજબ પડોશમાં રહેતાં કાનાની પત્‍નિ ઉપરના ક્‍વાર્ટરવાળાને લોન કરાવી દેવાની હોઇ આ બાબતે બેંકવાળા તપાસ કરવા આવ્‍યા ત્‍યારે  કાનાની ઘરવાળીએ બૂમ પાડી ઉપરવાળાને બોલાવતાં તે બહાર ગયા હોઇ મેં ત્‍યાં કોઇ નથી અને રાતે સુવા માટે જ આવે છે તેમ કહેતાં બેંકવાળા જતાં રહ્યા બાદ કાના સહિતે લોન કરાવવામાં કેમ તમે આડે પડયા? કહી હુમલો કર્યો હતો.

પેડક રોડ પર રોહિત ગડિયલને ધોલધપાટ

પેડક રોડ પર બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશન પાસે વાલ્‍મિકી આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં રોહિત બાબુભાઇ ગડીયલ (ઉ.૨૯)ને સવારે ત્રણેક વાગ્‍યે ઘર નજીક અજાણ્‍યા શખ્‍સોએ ઢીકાપાટુ મારતાં સિવિલમાં દાખલ થતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી. પ્રાથમિક સારવાર બાદ રજા લઇ લીધી હતી.

(5:40 pm IST)