Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

વરણી સમિતિ દ્વારા બે પ્રમુખોની નિયુકિત બંધારણીય છે ખરી ?

કોરોના મહામારી સમયે બે પ્રમુખોની નિયુકિત થઇ પણ મધ્યસ્થ મહાસમિતિને વિશ્વાસમા ન લેવાઇ : વરણી સમિતિએ ત્રણ મહિનામાં બે પ્રમુખોની નિયુકિત કરી એ ઐતિહાસિક ઘટના

શ્રી લોહાણા મહાપરિષદનો ઇતિહાસ ભવ્ય છે. સમગ્ર વિશ્વનાં લોહાણા સમાજને એકત્રિત કરવામાં ખૂબ જ નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત થઇ છે તે અવશ્ય ગૌરવપ્રદ છે. ઇ.સ.૧૯૧૦ માં લોહાણા મહાપરિષદની સ્થાપના થઇ અને બે દાયકાઓ બાદ નિષ્ક્રિય થતા ઇ.સ. ૧૯પરમાં શ્રી હિંડોચાબાપા તથા લોકસેવક શ્રી છગનબાપાનાં સક્રિય પ્રયાસો થકી શ્રી લોહાણા મહાપરિષદ પુનઃ સક્રિય બની.

ઇતિહાસમાં શ્રી લોહાણા મહાપરિષદની ચૂંટણીઓમાં ઘણી ઘટનાઓ નોંધાયેલ છે જેની નોંધ છે. વર્તમાન સમયે નોંધ લેવાની આવશ્યકતા છે. દાયકાઓથી મુંબઇ ખાતે શ્રી લોહાણા મહાપરિષદ કેન્દ્રસ્થાને હતી પણ ઇ.સ.ર૦૦પમાં રાજકોટનાં સમાજશ્રેષ્ઠીશ્રી જયંતિભાઇ કુંડલિયા ચુંટણીમાં ચુંટાઇને પ્રમુખ બન્યા અને કેન્દ્ર બદલાયંુ અને ત્યારબાદ ઘણા પરિવર્તનો આવ્યા, બંધારણ બદલાયું, પ્રમુખ તરીકેની ચૂંટણી ઇ.સ.ર૦૦પ માં થઇ પણ ત્યારબાદ ''ચૂંટણી''માં પૂર્ણવિરામ મુકાયું. નવા હોદ્દાઓ ઉભા થયા. બંધારણમાં સુધારા થયા હશેપણ ચેરીટી કમિશ્નરશ્રી દ્વારા મંજુર થયેલ છે ?

શ્રી પ્રવિણભાઇ કોટક ઇ.સ.ર૦૧પમાં પ્રમુખ તરીકે પાંચ વર્ષ માટે નિયુકત થયા. ઇ.સ.ર૦ર૦માં મુદત પૂર્ણ થતા બીજા પાંચ વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુકત થવા શ્રી પ્રવિણભાઇ કોટકે તૈયારી કરી. ઘણા વિવાદો ઉભા થયા. રાજકોટનાં લોહાણા સમાજનાં અગ્રણીશ્રી હરિશભાઇ લાખાણીએ ઉમેદવારી જાહેર કરી અને એ પ્રક્રિયા દરમ્યાન કોરોના મહામારીના સંકટ સમયે મુંબઇ મધ્યે ત્રણ સંસ્થાઓ દ્વારા મિટીંગનું આયોજન થયું. તે સમયે થોડી પૂર્વભૂમિકા લોકોને સમજાઇ કે મુંબઇ હવે સક્રિય બન્યું છે. શ્રી હરિશભાઇ લાખાણીએ પીછેહઠ કરી અને શ્રી પ્રવિણભાઇ કોટક બીજા પાંચ વર્ષ માટે વરણી સમિતિ દ્વારા પ્રમુખ તરીકે નિયુકત થયા.

હવે ચૂંટણીઓ થશે નહિ પણ વરણી સમિતિ સત્તાધીશ બની ગઇ છે. ત્રણ માસ બાદ શ્રી પ્રવિણભાઇ કોટકે પ્રમુખપદેથી વિદાય લીધી  અને શ્રી સતીષભાઇ વિઠલાણીને વરણી સમિતિએ પ્રમુખપદે નિયકુત કર્યા. પ્રશ્ન એ ઉભો થયો છે કે શ્રી પ્રવિણભાઇ કોટક પ્રમુખપદે નિયુકત થયા અને ત્રણ માસમાં રાજીનામું  આપ્યું એટલે આ બધું પુર્વઆયોજિત હતું જે ગરીમાયુકત ન્હોતું.

લોહાણા મહાપરિષદના પૂર્વ મહારથીઓ શ્રી મથુરદાસભાઇ મજીઠિયા, શ્રી મહેન્દ્રભાઇ ઘેલાણી, શ્રી ચંદ્રસિંહભાઇ મીરાણી, શ્રી હિરાલાલભાઇ ડ્રેસવાલા, શ્રી ત્રિકમજીભાઇ ચતવાણી, તેઓના કાર્યકાળમાં મે.ં ઘણી મીટીંગોમાં હાજરી આપી છેઅને ઇતિહાસ સાક્ષી પુરે છે કે પ્રમુખની વરણી માટે ઘણી લાંબી પ્રક્રિયા કાર્યરત હતી. સમગ્ર મધ્યસ્થ મહાસમિતિને વિશ્વાસમાં લેવાતી. જે અનિવાર્ય છે માત્ર ત્રણ માસમાં જબરૂ પરિવર્તન થયું જેનાથી સમગ્ર લોહાણા સમાજ અજાણ છે  અને સ્તબ્ધ છે.

લોહાણા સમાજ માટે શ્રી લોહાણા મહાપરિષદ અનિવાર્ય છે. અને સાથોસાથ સમાજ સાથેનો લોકસંપર્ક અતિ જરૂરી છે. મિટીગોનું આયોજન થાય અને જુદા-જુદા વિસ્તારોમાંથી પ્રતિનિધિઓ આવે પણ મે જોયું છ ેકેે અગ્રણીઓના લાંબા પ્રવચનો એકબીજાની પ્રસંશા, હારારોપણમાં ૮૦% જેટલો સમય ચાલ્યો જાય છે. હકિકતમાં તો વિવિધ વિસ્તારોમાંથી આવતા પ્રતિનિધિઓને સાંભળવા જોઇએ અને તેમના વિસ્તારના સમાજનાં પ્રશ્નોને સમજવા જોઇએ. દરેકની ઓળખાણ કરાવવી જોઇએ જેથી ઉપસ્થિત રહેનારને પણ લોહાણા મહાપરિષદની અગત્યતા સમજાય અને મહાપરિષદને પ્રતિનિધિઓના પ્રશ્નોના ઉકેલ માટે સુચન મળે.

મુંબઇ લોહાણા સમાજનાં અગ્રણી અને શ્રી ઘોઘાણી લોહાણા મહાજનનાં પ્રમુખશ્રી સતીષભાઇ વિઠલાણીનો પરિચય નથી પણ તેમને અભિનંદન પાઠવતાં એટલું જરૂર કહીશ કે આપનાં ઉપર જબરી જવાબદારી આવી છે. માત્ર સમારંભો કે મીટીંગોથી ચાલવાનું નથી. શ્રી લોહાણા મહાપરિષદનાં આપ ૧૪માં પ્રમુખપદે નિયુકત થયા છો ત્યારે સમગ્ર સમાજને સુસંગઠીત, સક્રિય અને સજાગ રાખજો. વર્તમાન પરિસ્થિતિમાં રાજકીયક્ષેત્રે રાજયસભા, લોકસભા, વિધાનસભા, મ્યુનિસીપલ કોર્પોરેશનમાં તથા મ્યુનિસીપાલીટીઓમાં લોહાણા સમાજનું પ્રતિનિધિત્વ ઘટતું જાય છે તે આપ જાણતા હશો જ. રાજકિય પક્ષોનાં રાજકારણ સાથે આપણને સંબંધ નથી પણ વિશાળ લોહાણા સમાજનાં પ્રતિનિધીઓનું પ્રતિનિધીત્વ અનિવાર્ય છે.

લોહાણા સમાજમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ વિશાળ છે અને ખાસ કરીને મુંબઇ તથા ગુજરાતમાં  લોહાણા સમાજ ફેલાયેલો છે. આ  તબકકે પૂર્વ પ્રમુખશ્રી ચંદ્રસિંહભાઇ મીરાણીનું અવશ્ય સ્મરણ કરીશ કે જેઓ કચ્છમાં ઇ.સ. ર૦૦૧ માં ભુકંપ આવેલ ત્યારે લોહાણા સમજનાં માધ્યમ વર્ગનાં પરિવારોએ ઘર અને સભ્યો ગુમાવ્યા હતા તે તબકકે શ્રી ચંદ્રસિંહભાઇ મીરાણી અને તેમની ટીમે ઐતિહાસીક  કામગીરી કરીને ખૂબ જ જહેમત ઉઠાવી હતી. પરિવારો માટે ઘર બનાવી દીધા હતા અને રાહત પણ આપી હતી. શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાય છે તથા કોરોના મહામારીનાં આ સંકટ સમયે ખુબ જ મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે, જે નોંધનીય છે.

લોહાણા સમાજની નવી પેઢી માટે પણ આપને માર્ગદર્શક બનવું પડશે. ટ્રસ્ટીઓ, વરણી સમિતિ તથા હોદેદારોની નિયુકિત કરવામાં પણ સમગ્ર દેશ અને વિદેશમાં જેઓ સક્રિય હોય તેવી વ્યકિતઓને પસંદ કરશો. વર્તમાન પરિસ્થિતિ જોતા પ્રમુખશ્રીની ચૂંટણી હવે કદાચ કયારેય નહિ થાય કારણ કે વરણી સમિતિ હવે સર્વોચ્ચ બની ગઇ છે. ભૂતકાળમાં જે લોકશાહી હતી તે ભૂલી જવું પડશે. હજારો શહેરો તથા ગ્રામ્ય વિસ્તારમાં લોહાણા સમાજ ફેલાયો છે અને ત્યાં સેંકડો સક્રિય કાર્યકરો છે, જેની સેવાની નોંધ લેજો અને જવાબદારી સોંપજો.

અંતમાં એક સૂચન કરૂ છું. વિચારજો. અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી દર ૪ વર્ષે થાય છે અને તેમાં કાયદો એવો કે કોઇપણ પ્રમુખ બે મુદત બાદ પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી શકે નહી. શ્રી લોહાણા મહાપરિષદમાં પણ પ વર્ષની મુદત પછી ઉમેદવાર પુનઃ ઉમેદવારી ન કરી શકે તેવો બંધારણીય સુધારો અનિવાર્ય છે જેથી સમાજની અન્ય પ્રતિભાઓને પણ તક મળે. શ્રી લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ સ્વ. જયંતિભાઇ કુંડલિયાએ પ વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ જાહેરાત કરી દીધેલ કે હવે પછીના પ્રમુખપદે અન્ય સમાજ શ્રેષ્ઠીને નિયુકત કરાશે. પરિણામે અમદાવાદના સમાજ શ્રેષ્ઠી શ્રી યોગેશભાઇ લાખાણી પ્રમુખ બન્યા અને એજ પ્રણાલિકા શ્રી યોગેશભાઇ લાખાણીએ અનુસરી અને શ્રી પ્રવિણભાઇ કોટક પ્રમુખપદે બિરાજયા પણ શ્રી પ્રવિણભાઇ કોટક એ પ્રણાલિકાને અનુસરી ન શકયા. જો કે લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખોશ્રી ખટાઉભાઇ શેઠિયા અને શ્રી મથુરદાસભાઇ મજીઠીયા બે ટર્મ સુધી પ્રમુખપદ પામી શકયા હતાં અને બંને પ્રમુખોએ ટર્મ પૂર્ણ કરી હતી. જયારે શ્રી પ્રવિણભાઇ કોટકે ત્રણ મહિનામાં ક્ષેત્ર સન્યાસ લઇને તેમની મુત્સદીગીરી સાબિત કરી દીધી.

શ્રી નવીનભાઇ ઠક્કર

પ્રતિનિધિ,

મધ્યસ્થ મહાસમિતિ

મો.૯૮૯૮૩ ૪૫૮૦૦

(11:52 am IST)