Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સ્પાના નામે ત્રણેક માસથી ચાલતા'તા ગોરખધંધાઃ યુવતિને રૂ.૧૦૦૦ આપી તુષાર અને ગણેશ બે હજાર ખાઇ જતા'તા

બ્લોન સ્પાની આડમાં બે શખ્સ ધમધમાવતા'તા કૂટણખાનુઃ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો બીજો દરોડો

પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમ તથા પકડાયેલા બંને શખ્સ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧: એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ  યુનિટે ત્રણ દિવસમાં સતત બીજો દરોડો પાડી સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. કિસાનપરા ચોકમાં આવેલા બી. કે. કોમ્પલેક્ષનામ પહેલા માળે બ્લોન સ્પા સેન્ટરમાં દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હોવાની બાતમી મળતાં દરોડો પાડી સ્પા સંચાલક તુષાર તરવેન્દ્રભાઇ ચેરમા (ઉ.વ.૨૯-રહે. એપોલો સોસાયટી બી-૩૩, રામેશ્વર હોલ પાછળ રૈયા રોડ) તથા મેનેજર ગણેશ રતિલાલ ભુલ (ઉ.વ.૨૨-રહે. સેન્ટેરવન કોમર્શિયલ કોમ્પલેક્ષ કાલાવડ રોડ)ની ધરપકડ કરી હતી. આ બંને અરૂણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડની યુવતિઓને રાખી તેની પાસે મસાજનું કામ કરાવવા ઉપરાંત દેહવેપલો પણ કરાવતાં હતાં. ગ્રાહક દિઠ ત્રણ-ત્રણ હજાર વસુલી બંને બે હજાર પોતાની પાસે રાખતાં અને એક હજાર યુવતિને આપતાં હતાં.

કોન્સ. મહમ્મદઅઝહરૂદ્દીન, સોનાબેન મુળીયા, ભુમિકાબેન ઠાકરને મળેલી બાતમી પરથી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડ્યો હતો. ચાર રૂમ પૈકીના રૂમ નં. ૨નો દરવાજો ખોલીને જોતાં એક યુવતિ અને પુરૂષ કઢંગી હાલતમાં મળ્યા હતાં. પુછતાછમાં યુવતિએ પોતે અરૂણાચલ પ્રદેશની હોવાનું અને સ્પાનું સંચાલન તુષાર ચેરમા કરતો હોવાનું તથા મેનેજર ગણેશ હોવાનું કહ્યું હતું. આ બંને ગ્રાહકો પાસેથી મસાજના ૧૦૦૦ અને શરીર સંબંધના ૨૦૦૦ વસુલતા હતાં તેમજ પોતાને રૂ. ૧૦૦૦ આપતાં હોવાનું તેણીએ કહ્યું હતું. બીજી બે યુવતિઓમાં એક બંગાળની અને બીજી નાગાલેન્ડની હોવાનું ખુલ્યું હતું. તેણે પણ આવી વાત કરી હતી. પોલીસે રોકડ, મોબાઇલ ફોન, ડીવીઆર મળી રૂ. ૨૩૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી.વી. બસીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અંસારી, એએસઆઇ બાદલભાઇ દવે, હેડકોન્સ. બકુલભાઇ વાઘેલા, ઝહીરખાન ખફીફ, મ.અઝહરૂદ્દીન, ધીરેનભાઇ, સોનાબેન, ભુમિકાબેન, ચંદ્રકાંતભાઇ સહિતે આ કામગીરી કરી હતી. ત્રણ-ચાર માસથી આ પ્રવૃતિ ચાલતી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. એ-ડિવીઝન પોલીસ આગળની તપાસ કરશે.

(11:51 am IST)