Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

રાજકોટના એકસાથે ૧૧ તાલુકાઓમાં સેવાસેતુ યોજાયા

પ૬ જેટલી સુવિધાઓનો લાભ લેતા ગ્રામજનો : હવે મતદાર જાગૃતિ માટે સ્વીપ કાર્યક્રમ થશે...

રાજકોટ તા.૧ : જનજનની સુખાકારી માટે હંમેશા વિચારતી રાજ્ય સરકાર દ્વારા જનતાને સરકારની કાર્યક્ષમ અને પારદર્શક વહીવટી પ્રક્રિયાનો સીધો લાભ મળે તે માટે સેવાસેતુ કાર્યક્રમની શરૃઆત કરવામાં આવી છે. જે અંતર્ગત  આજે રાજકોટ જિલ્લાની મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા હેઠળના ગામોમાં પ્રજાલક્ષી વ્યકિતગત યોજનાઓના લાભ માટે આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ એકી સાથે ૧૧ તાલુકામાં યોજાયો હતો.

 જિલ્લામાં જેતપુરના કાગવડ ખાતે, ધોરાજીના મોટી વાવડી ગામે, નગર કક્ષાએ જેતપુરમાં ગુજરાતી વાડી ખાતે , ધોરાજીમાં  સરદાર પટેલ ટાઉન હોલ ખાતે, સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત ગોંડલમાં ગ્રામ્ય કક્ષાએ મોવીયા પ્રાથમિક શાળા ખાતે, ગોંડલ શહેરમાં મામાદેવ મંદિર ખાતે, સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર ગોંડલ શહેર, નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગોંડલના પ્રાંત અધિકારી કે.વી.બાટીએ લોકોને મોટી સંખ્યામાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. સાથો સાથ મતદાન અંગેની જાગૃતિ માટે સ્વીપ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સેવાસેતુ કાર્યક્રમ હેઠળ આવકનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, આઈ.સી.ડી.એસ વિભાગની યોજનાઓ, આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, વિધવા સહાય યોજના સહિતની આશરે ૫૬ જેટલી વિવિધ સુવિધાઓનો લાભ લઈને ગ્રામજનો સરકારના પારદર્શક વહિવટી કામગીરીના સાક્ષી બન્યા હતા અને મોટી સંખ્યામાં સેવાસેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો.

(4:41 pm IST)