Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

મ્‍યુ. કમિશ્‍નરના બંગલા પાસેના બગીચો ‘‘લવ પોઇન્‍ટ'' બની જતા રહેવાસીઓમાં દેકારોઃ મોટેરા શરમાય તેવી હરકતો

સવારે ૧૦ થી રાત્રે સુધી આખો દિ' છોકરા-છોકરીઓ પડયા પાથર્યા રહે છેઃ આ ગાર્ડનમાં વોકીંગ ટ્રેક-કસરતના સાધનો છેઃ પોલીસ કોર્પોરેશન કડક પગલા ભરે તે જરૂરી

રાજકોટ તા. ૧: રાજકોટનો અત્‍યંત પોશ વિસ્‍તાર રામકૃષ્‍ણનગર (રામકૃષ્‍ણ આશ્રમ પાસે) ગણાય છે, તેની તમામ શેરીઓ અત્‍યંત શાંત હોય છે, આ વિસ્‍તારના રહેવાસીઓ માટે રાજકોટ મહાનગર પાલિકાએ અદ્યતન ગાર્ડન બનાવ્‍યો છે, જે બરોબર મ્‍યુ. કમિશ્‍નરના બંગલા પાસે જાહેર રોડ પર આવેલો છે.

પરંતુ આ ગાર્ડનમાં બેસવાના નાખેલા બાંકડા-બેચે ઉપર સવારે ૧૦ થી રાત્રે ૮ થી ૯ વાગ્‍યા સુધી સતત છોકરા-છોકરીઓનો જમેલો જામેલો હોય લતાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે, ઘણા સમયથી ગાર્ડનની અંદર અમુક યુવક-યુવતિઓ એકબીજાના પગ ઉપર પગ ચડાવીને બેઠા હોય છે, અમુક યુવક-યુવતિઓ એકબીજાને ‘‘બથ'' ભરીને બેઠા હોય છે, અનેક વખત મોટેરાઓ શરમજનક સ્‍થિતિમાં મુકાય તેવી હરકતો કરતા હોય છે, અમુક તો બાંકડા ઉપર બેસી નાસ્‍તો, જમવાનું ચાલુ કરી દયે છે, ભારે ગંદકી ફેલાવતા હોય છે, આ ગાર્ડનની સામે-આસપાસ ૩ થી ૪ કલાસીઝ આવેલા છે, આ કલાસીઝના અમુક છોકરા-છોકરીઓ પડયા પાથર્યા રહે છે, અધુરામાં પુરૂ એકથી બે સ્‍કૂલના ધો. ૧૦ થી ૧ર ના લવર મુછીયા વિદ્યાર્થીઓ સવારે ૭ થી ૭ાા વાગ્‍યાની આસપાસ ગાર્ડન પાસે અડિંગો જમાવીને બેસી જાય છે, આ ગાર્ડનની અંદર ફર્સ્‍ટ કલાસ વોકીંગ ટ્રેક છે, કસરતના સાધનો છે, નાના બાળકોને રમવાની સુવિધા છે, બાંકડા-બેન્‍ચો આ યુવક-યુવતીઓથી સતત ભરેલા રહેતા હોય, સાથે આવનાર વાલીઓને સતત ઉભા રહેવું પડે છે, આ ગાર્ડન લતાવાસીઓ માટે બનાવાયો છે, પરંતુ લવ પોઇન્‍ટ-ગંદકીના દુષણો ઘણા સમયથી શરૂ થયા છે, લતાવાસીઓમાં ભારે દેકારો છે, આ બાબતે તાકિદે રાજકોટના મ્‍યુ. કમિશ્‍નર તથા પોલીસ કમિશ્‍નરની કડક પગલા ભરે અને લવ પોઇન્‍ટ જેવા દુષણ અટકાવે-દૂર કરે તેવી માંગણીઓ ઉઠી છે.

(3:57 pm IST)