Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

સ્‍વિમિંગમાં ‘ગોલ્‍ડ' માટે ૨૬ રાજ્‍યોની ટીમો વચ્‍ચે જામશે જંગ

રવિવારે સવારે ૮.૩૦થી સાંજના ૫ વાગ્‍યા સુધી વિવિધ ૨૧ સ્‍પર્ધા યોજાશે : સરદાર પટેલ સ્‍વિમિંગ પુલમાં આંતરરાષ્‍ટ્રીય - રાષ્‍ટ્રીય તરવૈયાઓની પ્રેકિટસનો પ્રારંભ

રાજકોટ તા. ૧ : ‘ખેલેગા ઈન્‍ડિયા, જુડેગા ઈન્‍ડિયા'ની થીમ સાથે શરૂ થયેલા રાષ્ટ્રીય ખેલથી ચોમેર માહોલ રમતમય બની રહ્યો છે, ત્‍યારે રાજકોટમાં બીજી ઓક્‍ટોબરથી સ્‍વિમિંગની રાષ્ટ્રીય સ્‍પર્ધાઓ શરૂ થશે. જેમાં ૨૬ રાજયોના તરવૈયાઓ વચ્‍ચે શ્નગોલ્‍ડ મેડલઙ્ખમાટે રસાકસી જામશે. આ સ્‍પર્ધાઓ માટે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય તરવૈયાઓનું રાજકોટમાં આગમન થઈ ચૂક્‍યું છે અને તેઓએ સરદાર પટેલ સ્‍વિમિંગ પુલ તથા રેસકોર્સના સ્‍વિમિંગ પુલમાં પ્રેક્‍ટિસ કરી હતી. સ્‍વિમિંગ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના ઉપપ્રમુખ કમલેશ નાણાવટીએ જણાવ્‍યું હતું કે, રાષ્ટ્રીય ખેલમાં સ્‍વિમિંગની ઈવેન્‍ટસનો પ્રારંભ બીજી ઓક્‍ટોબરે સવારે ૮.૩૦ વાગ્‍યાથી કોઠારિયા રોડના સરદાર પટેલ સ્‍વિમિંગ પુલ ખાતેથી થશે. આ સ્‍પર્ધાઓમાં કુલ ૨૬ રાજયોની ટીમોના કુલ મળીને ૬૫૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો છે. ગુજરાતમાંથી કુલ મળીને ૧૮ જેટલા ખેલાડીઓએ સ્‍વિમિંગમાં તથા ૧૩ ખેલાડીઓએ વોટરપોલોમાં ભાગ લીધો છે. તેમણે કહ્યું હતું કે, સ્‍વિમિંગની વિવિધ ઈવેન્‍ટસ રોજ સવારે ૮.૩૦ વાગ્‍યાથી શરૂ થશે. જયારે ડાઇવિંગની ઈવેન્‍ટ સવારે ૧૦.૩૦ યોજાશે, તથા વોટર પોલોની ઇવેન્‍ટસ સવારે ૧૧ કલાકથી યોજાશે. રોજ સાંજે પાંચ વાગ્‍યે ફાઈનલ સ્‍પર્ધા થશે. સ્‍વિમિંગમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓની અલગ-અલગ ૨૧-૨૧ ઈવેન્‍ટ થશે. રાષ્ટ્રીય ખેલ માટેના ખેલાડીઓ રાજકોટ આવી ચૂક્‍યા છે અને તેમની પ્રેક્‍ટિસ પણ શરૂ થઈ ગઈ છે. આ ખેલમાં ઓલિમ્‍પિકમાં ભાગ લઈ ચૂકેલા સજન પ્રકાશ, શ્રીહરિ નરાજ, માના પટેલ તેમજ વર્લ્‍ડ ચેમ્‍પિયનશીપમાં ભાગ લઈ ચૂકેલા આર્યન નહેરા સાથે રિદ્ધિમા, વેદાંત માધવન તેમજ એશિયાઈ તથા રાષ્ટ્રીય સ્‍તરે વિવિધ ગેમ્‍સમાં શાનદાર પ્રદર્શન કરનારા દેવાંશ પરમાર, આર્યન પંચાલ, અંશુલ કોઠારી, કલ્‍યાણી સક્‍સેના સહિતના ખેલાડીઓ ભાગ લેનાર છે.

(3:41 pm IST)