Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વડાળી - વિહોત માતાજીના મંદિરે સોમવારે હવન

ચંડ-મુંડના વધ બાદ ચામુંડા માતાએ અહિં વિસામો લીધેલો તેથી વિહોત કહેવાયા

રાજકોટ : શકિતની સાધનાનું મહાપર્વ નવરાત્રી મહોત્‍સવ ચાલે છે. ભાવિકો ભાવવિભોર બનીને જગદમ્‍બાને પ્રસન્‍ન કરવા અનુષ્‍ઠાનો કરે છે. શકિતના સ્‍થાનકોએ દર્શન - પૂજન માટે ભીડ જામી છે. અગણિત ભાવિકોની આસ્‍થાના સ્‍થાન વિહોત માતાજીના ડુંગરે નવરાત્રી મહોત્‍સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. વડાળી ગામે વાયા ત્રંબા ખાતે ડુંગરા પર માતાજી પ્રાચીન કાળથી બિરાજે છે.

આ સ્‍થાનકે તા.૩ ઓકટોબરે સોમવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યુ છે. મંદિરના પૂજારી કાંતિલાલ ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા હતા. તેઓએ જણાવ્‍યુ હતું કે આઠમના પવિત્ર દિને પરંપરા પ્રમાણે હવનનું આયોજન કરવામાં આવ્‍યુ છે. સોમવારે સવારે ૮:૩૦ વાગે હવનનો પ્રારંભ થશે અને બપોરે ૧:૩૦ વાગે શુભ ચોઘડીયે બીડુ હોમાશે.

આ પ્રસંગે ભાવિકો માટે મહાપ્રસાદ અને બટુક ભોજન રાખેલ છે.

આ પ્રાચીન સ્‍થાનકના મહંત પૂ.રઘુરામબાપુ હતા. વિહોત માતાજીના સ્‍વરૂપ અંગે કાંતિભાઈ કહે છે કે આ મહાશકિતનું જ રૂપ છે. ચંડ - મુંડ નામક રાક્ષસોના વધ કર્યા બાદ ચામુંડા માતાજીએ આ ડુંગરે વિસામો લીધો હતો, તેથી તેઓ વિહોત તરીકે ઓળખાય છે. આ માતાજી વિવિધ જ્ઞાતિ - સમાજના કુળદેવી છે. ગણાત્રા, ખખ્‍ખર, કારીયા, જાડેજા, ટાંક, ગોહેલ, પરમાર, કુકડીયા, ખત્રી, જાજલ - જોગી, બગડીયા, વિછી, મુછડા, ખખ્‍ખર, સુરાણી, કાનાણી, ભોજાણી, મુલીયાણા, વાગડીયા, ચૌહાણ, મકવાણા તથા લોહાણા, ભીલ, આહિર સમાજની અનેક જ્ઞાતિઓના કુળદેવી છે. તમામ વર્ણોના પરિવારોના કુળદેવી તરીકે વિહોત માતાજી સ્‍થાપિત છે.

હવન - દર્શન - પ્રસાદનો લાભ લેવા આમંત્રણ આપ્‍યુ છે. વધારે વિગતો માટે કાંતિભાઈ મો.૯૯૧૩૧ ૩૧૭૨૮નો સંપર્ક થઈ શકે છે.

(11:55 am IST)