Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

માનસિક મંદીથી મુકત રહેજો, આર્થિક મંદીને પહોંચી વળાશે...

સમય કયારેય આપણે ધારીએ એટલો ખરાબ હોતો નથી, આપણો ડર એને વધુ ખરાબ ચીતરી દે છે : સમય કયારેય એટલો પ્રતિકુળ નથી હોતો જેટલો આપણી નબળાઈ એને બનાવી દે છે

કપરો કાળ લગભગ પુરો થવા આવ્યો હોય એવું લાગે છે. કોરોનાના ફફડાટમાં જેટલા મહિના કાઢ્યા એટલા હવે કાઢવા નહિ પડે. મહામારીનો અંત નજીક આવી રહ્યો છે. હવે સમય છે થયેલા નુકસાનને જીરવી જઈને નવા ઉત્સાહથી નવી શરૂઆત કરવાનો. આર્થીક મંદી છે એ હકીકત છે, એને સ્વીકારી ળો પણ એને શરણે ન થાઓ. આર્થિક મંદીને તો પહોંચી વળાશે, પણ માનસિક મંદીને નહીં પહોંચી શકાય. આર્થિક પાયમાલી સહન થઈ જશે, માનસિક નહીં થઈ શકે. નાણાકીય દેવાળિયાપણું જીરવીને ફરી ઊભું થઈ શકાશે, માનસિક દેવાળિયાપણું ફરીથી ઊભા નહીં થવા દે. માણસ બરબાદીમાંથી આબાદ થઈ શકે છે, જયાં સુધી મનથી મજબૂત હોય. પૈસે ટકે સાવ ખલાસ થઈ ગયા પછી પણ પુરૂષાર્થ અને મનોબળના આધારે ફરીથી સમૃધ્ધિની ટોચે પહોંચવું મનુષ્ય માટે સામાન્ય છે. એવા હજારો ઉદાહરણો તમારી સામે પણ પડયા હશે. માણસ ત્યાં સુધી ખતમ થતો નથી જયાં સુધી તેના મનોબળને ન તોડી નાખવામાં આવે. બધો ખેલ જ્ઞાનતંતુઓની મજબુતાઈનો છે. જેના જ્ઞાનતંતુઓ સ્ટીલના બનેલાં હોય ગમે એવી મુશ્કેલીમાં ટટ્ટાર ઊભા રહી શકશે. તોફાનની સામે અડિખમ રહી શકશે. સમય કયારેય આપણે ધારીએ એટલો ખરાબ હોતો નથી, આપણો ડર એને વધુ ખરાબ ચીતરી દે છે. સમય કયારેય એટલો પ્રતિકુળ નથી હોતો જેટલો આપણી નબળાઈ એને બનાવી દે છે.

ઈટ વોઝ ધ બેસ્ટ ઓફ ટાઇમ્સ, ઇટ વોઝ ધી વર્સ્ટ ઓફ ટાઇમ્સ. ઇટ વોઝ ધી એ જ ઓફ વિઝડમ, ઇટ વોઝ ધ એજ ઓફ ફૂલિશનેસ. ઈટ વોઝ ઈપોક ઓફ બિલિફ, ઈટ વોઝ ધી એપિક ઓફ ઇનક્રેડ્યુલિટી, ઇટ વોઝ ધ સીઝન ઓફ લાઇટ, ઇટ વોઝ ધી સીઝન ઓફ ડાર્કનેસ. ઈટ વોઝ ધી સ્પ્રિંગ ઓફ હોપ, ઇટ વોઝ ધ વિન્ટર ઓફ ડિસ્પેર.

આ સમય સહુથી ખરાબ પણ છે ને સહુથી સારો પણ. આ ડહાપણની ચરમસીમાનો યુગ છે ને મુર્ખાઈની કનિષ્ઠતમ દશાનો યુગ છે. આ આસ્થાનો કાળ છે ને અવિશ્વાસનો પણ કાળ છે. આ અજવાસની ઋતુ છે ને અંધકારની પણ.

 ચાર્લ્સ ડિકન્સ એ ટેલ ઓફ ટુ સિટીઝના ઉદ્યાડના વાકયો લખતી વખતે પણ સાચો હતો અને અત્યારે પણ સાચો છે. ત્યારે ઓછો સાચો હતો, અત્યારે વધુ સાચો છે.

 આજે વિજય છે, આજે પરાજય છે. આજે વિશ્વાસ છે, આજે વિશ્વાસઘાત પણ છે. આજે શ્રદ્ઘા છે, આજે અંધશ્રદ્ઘા પણ છે, આજે ભરોસો છે, આજે અવિશ્વાસ પણ છે. આજે આશા છે, આજે નિરાશા છે. આજે ઉજાસ છે. આજે અંધકાર પણ ઝળુંબે છે. આજે તક છે, આજે જોખમ પણ છે.

અત્યારે મુશ્કેલીનો સમય છે, એટલે તકનો પણ સમય છે. આવા સમયમાં પરંપરા અને રૂઢીઓને પકડીને બેસી રહેનારાઓ પાછળ રહી જાય. જે હિંમત કરે, જે નવી દિશામાં ડગલા માંડે એ સફળ થાય. અને એના માટે માનસિક મંદીથી મુકત હોવું જરૂરી છે. મનની સમસ્યા એ છે કે તે સમૃધ્ધિ અને પ્રતિકૂળતા બંનેમાં નબળું પડી જાય છે. વધુ પડતી સમૃધ્ધિ વખતે મન નવું કંઈ કરતું નથી તે જ રીતે પ્રતિકૂળતા વખતે શાહમૃગની જેમ માથું રેતીમાં ખોસી દે છે. જેના જ્ઞાનતંતુ મજબુત હોય અને પોતાના મન પર જેનો કાબુ હોય તેવા મક્કમ મનોબળના માણસો આફતમાં અવસર જોઈ શકે છે. જયારે બધા જ હતાશ હોય, પ્રયત્ન મુકીને બેઠા હોય હારી ગયા હોય ત્યારે  મજબુત મનોબળવાળો માનવી ઉભો થાય છે અને પરિસ્થિતિને પડકારે છે. તે અથડાય છે, લડે છે, પડે છે, ફરી લડે છે અને અંતે જીતે છે. જેના આત્મબળને પરિસ્થિતિ તોડી શકતી નથી એ વિજયી થાય છે. સામાન્ય માણસમાં  અને મકકમ મનોબળવાળા માણસમાં ફરક માત્ર વિલપાવરનો જ હોય છે. એક તરત જ ગભરાઈ જાય છે, દબાણમાં આવી જાય છે, બીજો અડીખમ ઉભો રહે છે. નબળો માણસ મુશ્કેલી ન હોય તો પણ ફરિયાદો કરતો રહે છે અને આનંદી કાગડા જેવો સબળો વિપરીત પરિસ્થિતિમાં પણ ફરિયાદ નથી કરતો,  હસતા મોઢે સહન કરતો રહે છે. આનંદી કાગડાને પીડા નહોતી થતી એવું નથી. તેને રાજાએ કૂવામાં ફેંકાવ્યો ત્યારે તે ગાવા માંડયો કે કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ કૂવામાં તરતા શીખીએ છીએ. એના કાન વિંધાવ્યા, તેલની કોઠીમાં નાખ્યો, આ બધી વખતે કાગડો તો ગાતો જ રહ્યો. જે પરિસ્થિતિ થઈ તે પરિસ્થિતિનો આનંદ લેતો રહ્યો. તેને કૂવામાં નાખ્યો ત્યારે પીડા નહીં થઈ હોય એવું નથી. પણ એ પીડાને તેણે સહન કરી અને એમાંથી આનંદ લીધો. સ્વભાવ આનંદી હતો એટલે આનંદી કાગડો ખુશ રહેતો હતો એવું નથી. તે ગમે તેવી કપરી સ્થિતિમાં પણ આનંદમાં રહી શકતો એટલું મજબુત તેનું મન હતું તેથી ખુશ રહેતો હતો. જેનું મનોબળ મજબુત છે તે પોતાનું નસીબ પોતે લખે છે, અન્યોના લલાટે બીજા જ લેખ લખે છે. સતત લખતા રહે છે. આજે એના લલાટે કોઈએ લખી દીધું કે નોકરીમાંથી રૂખસદ. બીજો કોઈ લખી દેશે ધંધો ચોપટ. જયારે તમારા સિવાયના બીજા કોઈએ જ તમારૂ ભવિષ્ય, તમારૂ પ્રારબ્ધ લખવાનું હોય તો તે સારૂ  કે તમને ગમતું કે તમને ફાવતું શા માટે લખે? એ તો પોતાને અનુકુળ હોય એવું જ લખે ને. જયાં સુધી તમે તમારી કિસ્મત લખવાની છુટ કોઈને આપશો ત્યાં સુધી તમે તમારી ઈચ્છા મુજબનું ભાગ્ય મેળવી નહીં શકો. મોટાભાગના લોકો અન્યના જ હાથમાં વિધાતાની કલમ આપી દેતા હોય છે અને પછી પોક મુકીને રડે છે. તમારા પ્રારબ્ધની કલમ તો તમે પોતે ચલાવો. તમે જ બનો તમારા ભાગ્યવિધાતા. તમે કહેશો કે એમ પોતાના ભાગ્યવિધાતા કઈ રીતે બનવું?  તમે કહેશો કે એમ પોતાના ભાગ્યવિધાતા કઈ રીતે બનવું? અહીં બધું જ બીજા પર આધારિત છે,  નોકરીમાં, ધંધામાં, વ્યવસાયમાં બધે જ, ત્યારે હું કઈ રીતે મારૂ ભાગ્ય લખી શકું? મને કેટલો નફો મળશે એ તો મારા ડિસ્ટ્રીબ્યુટર નકકી કરે છે. ધંધાની ટર્મ્સ મારા હરિફો નકકી કરે છે, હું કઈ રીતે કશું નકકી કરી શકું? તમે કયારેય લગામ પોતાના હાથમાં લીધી નથી એટલે તમે આવું કહો એ સ્વાભાવિક છે. એક વખત લગામ પોતાના હાથમાં લઈ તો જૂઓ. આદેશ આપી તો જૂઓ. તમારી શરત મુકી તો જૂઓ. બાબરે જયારે દિલ્હી જીત્યું ત્યારે હાથીની અંબાડી ઉપર બેસાડીને તેની શોભાયાત્રા કાઢવાનું આયોજન થયું. હાથી ઉપર બાબરને બેસાડાયો. બાબર તો જન્મજાત યોધ્ધો. દ્યોડાની પીઠ પર બેસીને જ જીંદગી વિતાવેલી. એણે તરત જ પુછયું કે આ હાથીની લગામ કયાં છે? લાવો લગામ મારા હાથમાં. મહાવતે કહ્યું કે જહાંપનાહ, હાથીની લગામ ન હોય, અંકુશ હોય અને તે બેસનારના હાથમાં ન હોય, મહાવતના હાથમાં હોય. બાબર કૂદકો મારીને હાથી પરથી ઉતરી ગયો અને બોલ્યો કે જેની લગામ મારા હાથમાં ન હોય એની સવારી હું ન કરૂ. તમે તમારા ભાગ્યને પોતે લખવાની કોશિશ તો કરો. મનોબળને જરા મજબૂત બનાવીને પ્રયત્ન તો કરો. તમારૂ મન જ તમને દોરી જશે સફળતા સુધી.

માણસ શરીરથી નબળો કે સબળો સાબિત નથી થતો, મનથી થાય છે. મોહનદાસ કરમચંદ ગાંધી અઢી હાડકાનો માણસ. કોઈની બાજુમાં ગાંધી ઊભા હોય તો બચોળિયા જેવા લાગે. નાનકડું શરીર, એના પર પોતડી. કોઈ શણગાર નહીં. કોઈ વૈભવ નહીં છતાં એ ગાંધી વિશ્રમાં મહાન વિભૂતિઓની યાદીમાં બેસી શકયા. ભારતને આઝાદી અપાવવા સિવાયના ગાંધીના કામો પણ એટલા અદ્દભૂત છે કે તેના માટે પણ વિશ્રના મહાનતમ પુરૂષોમાં તેને સ્થાન આપવું પડે. આ ગાંધીની આસપાસ કેવા કેવા લોકો એકઠા થયા હતાં? સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરૂ, વિનોબા, બિરલા, રવિન્દ્રનાથ... યાદી બહુ લાંબી થાય તેમ છે. શું હતું ગાંધી પાસે? માત્ર મક્કમ મનોબળ જ. એ મનોબળે ગાંધીને અંગ્રેજોની સામે પડવા જેવા અસંભવ કામ કરવા પ્રેર્યા. એનો આત્મવિશ્વાસ આ મક્કમતામાંથી પેદા થયો હતો.

અત્યારે જમાનો કુશળતાનો છે, સ્કીલનો છે. બધા પાસે સ્કીલ છે. આવડત છે. બધા સફળ થતા નથી, જીતે એ જ છે જેનું મન મજબૂત હોય છે. છેલ્લે તો માઈન્ડ ગેમ જ મેટર કરે છે. મજબુત માણસો આશાવાદી હોય એવું નથી હોતું, એ જે કામ હાથમાં લે તેને સફળ બનાવે છે એટલે તેમની આશા ફળે છે. તેમને આશાવાદ નથી હોતો, પોતાના પર વિશ્વાસ  હોય છે. તે ધ્યેયને નજર સામે રાખે છે અને આશા રાખીને બેસી નથી રહેતા, પુરૂષાર્થ કરે છે. કોરોના પછીના કપરા કાળમાં તમે સફળ થશો જ. મુશ્કેલીને પાર કરી જ શકશો, જો મનને થોડું મજબૂત બનાવી લેશો તો તમારી પાસે અદ્બૂત તક છે કારણકે ઘણા લોકો હિંમત હારી જશે એટલે તમારા હરિફો ઘટી જશે.તમારા માટે મેદાન મોકળું થશે. બસ તમારા મનને મંદીગ્રસ્ત ન બનવા દેશો, પછી ભલે આર્થિક મંદીને જે કરવું હોય તે કરે.(રાજકોટ માહિતી ખાતા દ્વારા)

શ્રી કાના બાટવા

ગ્રુપ એડીટર,

આજકાલ દૈનિક, રાજકોટ.

મો.૯૦૯૯૦ ૫૨૧૧૧

(2:38 pm IST)