Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

આજથી વાસી મીઠાઇ વેચનારને ૨ લાખ સુધીનો દંડ : નવો કાયદો

મીઠાઇની ચોકી - પેકીંગ વગેરેમાં મેન્યુફેકચરીંગની તારીખ અને કેટલા દિવસ સુધીમાં ઉપયોગ લઇ શકાશે તેની તારીખ લખવી ફરજીયાત : મ્યુ. કોર્પોરેશનના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ચેકીંગ શરૂ : વેપારીઓને નવા નિયમોનું માર્ગદર્શન અપાયું

રાજકોટ તા. ૧ : ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ અન્વયે હવેથી વાસી મીઠાઇ વેચનારા સામે રૂ. ૨ લાખ સુધીના દંડની જોગવાઇવાળો નવો કાયદો આજે તા. ૧ ઓકટોબરથી અમલી બની રહ્યો છે ત્યારે રાજકોટમાં મ.ન.પા.ના ફૂડ સેફટી ઓફિસરોએ આજથી મીઠાઇની દુકાનોમાં આ બાબતોનું ચેકીંગ શરૂ કરી દીધું છે.

આ અંગે મ.ન.પા.ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ફુડ સેફટી ઓથોરિટી દ્વારા આજથી ફુડ સેફટી અંગે નવા કાયદાની અમલવારી રાજ્યભરમાં શરૂ કરાવી છે.

જે અંતર્ગત આજથી શહેરમાં મીઠાઇનું લુઝ તેમજ પેકીંગમાં વેચાણ કરતા વેપારીઓએ મીઠાઇના ઉત્પાદનની તારીખ અને કેટલા દિવસ સુધીના ઉપયોગમાં લઇ શકાય તેની તારીખો એટલે કે 'ડેઇટ ઓફ મેન્યુફેકચરીંગ' અને 'બેસ્ટ બીફોર ડેઇટ' એ લખવું ફરજીયાત થઇ ગયું છે.

આ માટે દૂધની ડેરી કે મીઠાઇ ફરસાણની દુકાનોમાં ખુલ્લી ચોકી ઉપર પણ આ બંને ડેઇટ લખવાની રહેશે તથા પેકેટ ઉપર પણ લખવાનું રહેશે.

દરમિયાન મીઠાઇ વેચતા વેપારીઓને ત્યાં આજે મ.ન.પા.ના ફૂડ સેફટી ઓફિસરોએ આ બાબતનું ચેકીંગ શરૂ કરી વેપારીઓને આ નવા નિયમની અમલવારી અંગે માર્ગદર્શન આપી ચેતવણીઓ આપી હતી.

નોંધનીય છે કે આ નવા કાયદાનું ઉલ્લંઘન કરનારા વેપારીઓને રૂ. ૨ લાખ સુધીના દંડની જોગવાઇ આ નવા કાયદામાં હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવેલ.

(3:12 pm IST)