Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાજકોટના રાજવી પરિવારના મિલકત વિવાદમાં હવે વધુ એક સભ્યએ મિલ્કત માટે દાવો કર્યો

પરિવારના કૌટુંબિક ભત્રીજા રણસૂરવીરસિંહ જાડેજાએ પણ હવે મિલકત માટે દાવો દાખલ કર્યો

રાજકોટમાં રાજવી પરિવારની મિલતકનો વિવાદ હવે દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. પરિવારના કૌટુંબિક ભત્રીજા રણસૂરવીરસિંહ જાડેજાએ પણ હવે મિલકત માટે દાવો દાખલ કર્યો છે.

જે મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રણસૂરવીર સિંહ જાડેજાનું કહેવું છે કે તેમંના દાદા પ્રદ્યુમનસિંહ જાડેજા રાજવી હતા.

પ્રદ્યુમનસિંહ જાડેજા રાજવી પરિવારના હતા જેથી રણસૂરવીરસિંહે કહ્યું કે તે પણ મિલકત માટે હકદાર છે. જેથી તેણે માધાપર ગામે રાજવી પેલેસ માટે દાવો કર્યો છે. આ બાબતે તેમણે સામેથીજ ખુલાસો કરીને માહિતી આપી છે.

રણસૂરવિરસિંહે સમગ્ર મામલે વિન્ટેજ કાર તેમજ રાદરડા તળાવ પાસેની જમીનને લઈને પણ દાવો કર્યો છે. ઉપરાંત તેમણે સરધાર દરબારગઢ તેમજ હીરા ઝવેરાતને લઈને પણ દાવો કર્યો છે. સમગ્ર મામલે તેમણે એવું કહ્યું છે કે અંદાજિત 15 થી 20 હજાર કરોડની મિલકત તેમની છે. જેના માટે તેમણે દાવો દાખલ કર્યો છે.

અગાઉ મિલકત મામલે રાજવી માંધાતાસિંહે બહેન અંબાલાદેવીનું નામ કમી કરવા માટે જિલ્લા ડેપ્યુટી કલેક્ટર અરજી કરવામાં આવી હતી જે ફગાવી દેવામાં આવી હતી. મહત્વનું છે કે જમીન વિવાદ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો જેનો ચુકાદો ઝાંસીમાં રહેતા બહેનની તરફેણમાં આવતા માધાપર, સરધારની જમીનમાં બહેનનો હક જતા કરવા રાજવી માંધાતાસિંહે નામ કમી કરવાની અરજી કરી હતી. આ અરજી કરવામાં આવી ત્યારે બહેન અંબાલાદેવીના વકીલ પણ ડેપ્યુટી કલેક્ટરની કોર્ટમાં હાજર રહ્યા હતા ત્યારે ડેપ્યુટી કલેક્ટર દ્વારા નામ કમી કરવાની અરજીને ફગાવી દેવામાં આવી હતી.

ભાઈ બહેન વચ્ચે પહેલાથી મિલકતને લઈ વિવાદ

વર્તમાન રાજા માંધાતાસિંહે પૈતૃક મિલ્કતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યા મતલબના મુદ્દે તેમના બહેન - રાજકુમારી અંબાલિકાદેવીએ અપીલ સહિત કેસ કર્યા છે. જે પૈકી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનવણી પૂર્ણ થઇ ગઇ છે અને ચુકાદો આવવા પર છે. જ્યારે સિવિલ કોર્ટમાં આગામી તા. ૩૧ ઓગસ્ટની મુદ્દત પડી છે. રાજ્યના ભૂતપૂર્વ નાણાંમંત્રી અને રાજકોટના માજી રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ - બહેન વચ્ચે મિલકતનો વિવાદ ઊભો થયો છે.

  અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ માંધાતાસિંહે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, પરિવારની આંતરીક બાબતોને લઈ કોઈ મીડિયામાં ગેરસમજ ઉભી ન થાય તે માટે સ્પષ્ટતા કરી હતી. માંધાતાસિંહે કહ્યું મારા પિતાજીના વિલમાં જે જે લોકોને સંપત્તિનો ભાગ આપવામાં આવ્યો છે. તે લોકોએ તેને સ્વિકાર કર્યો છે. અને તમામ વારસદારો જ્યારે રાજકોટમાં એકઠા થયા ત્યારે વિલના સમર્થનમાં રજિસ્ટ્રર કરેલા હતા. જે સબ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરાયેલું છે. અને મારા પિતાજીએ બધાને જે આપવાનું હતું તે, આપીને અમે આગળ વધ્યા છીએ.

(4:07 pm IST)