Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ગુજરાત સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જયાલક્ષ્મી જટાશંકર પાઠક પ્રા. શાળા નં.૧૯ના નવનિર્માણ પામેલ બિલ્ડીંગનું તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાયુ

રાજકોટ: રાજ્ય સરકારશ્રીના સુશાસનના પાંચ વર્ષ “સૌનો સાથ, સૌનો વિકાસ” અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૧નાં રોજ શ્રીમતી જયાલક્ષ્મી પાઠક પ્રા. શાળા નં.૧૯ના નવનિર્માણ પામેલ બિલ્ડીંગનું તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા નવસારીના સાંસદ  સી.આર. પાટીલ કાર્યક્રમમાં જોડાયા હતા.

આ અવસરે, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન સંગીતાબેન છાયા, ડે.કમિશનર આશિષ કુમાર, કોર્પોરેટર તથા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરે ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમના વક્તવ્યમાં મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીને આવતીકાલના તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, અમે પાંચ વર્ષની ઉજવણી કરવા નથી નીકળ્યા, પણ ડંકાની ચોટ પર એ કહેવા નીકળ્યા છીએ કે, સરકારે જે કઈ કહ્યું તેના કરતા પણ વધુ કામ કરી બતાવ્યું છે. પાંચ વર્ષમાં સરકારે ગુજરાતના તમામ ક્ષેત્રોને આવરી લેતો સર્વાંગી વિકાસ કરી, નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવામાં સફળતા મેળવી છે.

તેમણે વધુમાં કહ્યું કે, સંવેદનશીલ મુખ્યમંત્રીના નેતૃત્વમાં સરકારે ગુજરાતના વિકાસને આગળ ધપાવતા અસંખ્ય નિર્ણયો કર્યા છે. આપણું રાજ્ય આજે પ્રગતિના નવા શિખર સર કરી રહ્યું છે. જેના થકી ગુજરાતવાસીઓને આપણી સરકાર સંવેદનશીલ, પારદર્શક, નિર્ણાયક અને પ્રગતિશીલ છે તેની પ્રતીતિ કરાવી છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ  સી.આર. પાટીલએ કહ્યું હતું કે, કોઈ સરકારના પાંચ વર્ષના સુશાસનની ઉજવણી થાય તેવું પ્રથમવાર બની રહ્યું છે. આજથી લોકાર્પણ-ખાતમુહુર્ત સહિતના કાર્યક્રમોનું તા.૦૧ થી ૦૯ ઓગસ્ટ સુધી આયોજન કરાયું છે અને તેમાં પાંચ વર્ષમાં સરકારે કરેલા કાર્યોનો હિસાબ આપવામાં આવી રહ્યો છે. જે બતાવે છે કે, સરકાર કેટલી સક્રિય રહી છે. માન.મુખ્યમંત્રીશ્રી શિક્ષણ ક્ષેત્ર પર ખુબ જ ભાર મૂકી રહ્યા છે અને એટલે જ આ ૯ દિવસની ઉજવણીની શરૂઆત આજે “જ્ઞાનશક્તિ દિવસ” થી થઇ છે. સરકારે કરેલા કાર્યોથી સરકારી શાળાઓ પરનો લોકોનો વિશ્વાસ વધ્યો છે. આ માટે મુખ્યમંત્રીશ્રીને અને સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ.

આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલે કહ્યું હતું કે, આ ધરતીનો પ્રભાવ જુઓ. શ્રીમતી જયાલક્ષ્મી જટાશંકર પાઠક પ્રા. શાળા નં.૧૯માં અભ્યાસ કરનાર  વિજયભાઈ રૂપાણી પાંચ વર્ષથી ગુજરાતનું શાસન સંભાળી રહ્યા છે. કોરોના કાળમાં વિશ્વનું અર્થતંત્ર ખોરવાયું હતું. આ એક મોટો પડકાર હતો. આ સમયમાં પણ મુખ્યમંત્રીશ્રીએ લાંબી લડત ચલાવી, ગુજરાતને હેમખેમ પાર ઉતાર્યું છે. ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે કરેલા વિકાસને પરિણામ આજે ડ્રોપ આઉટ રેશીયો ઘટ્યો છે. કન્યા કેળવણી માટે સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવએ જણાવ્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી ચુકેલા  વિજયભાઈ રૂપાણી પ્રત્યે આપણને સૌને ગર્વ છે. અગાઉ એવું કહેવાતું “રાજા શ્રેષ્ઠ તો પ્રજા શ્રેષ્ઠ અને તો જ વિકાસ શ્રેષ્ઠ”. ૨૧મી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. સરકારના સુશાસનની ઉજવણી જ્ઞાનશક્તિ દિવસથી થાય છે તે દર્શાવે છે કે, સરકાર શિક્ષણ પર કેટલો ભાર મૂકી રહી છે. છાત્રોને ઉતમ સુવિધા અને શિક્ષણ મળે ત્યારે જ તેઓ પ્રતિભાવંત બને છે. કોરોના કાળમાં ગુજરાત બંધ હતું ત્યારે ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું. સરકારે કેળવણીની બાબતમાં કોઈ બાંધછોડ કરી નથી.

મેયરશ્રીએ વધુમાં કહ્યું હતું કે, રાજકોટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શિક્ષણનું સ્તર ઉચું લઇ જવા અને તેની ગુણવતામાં ઉતરોતર વધારો કરવા માટે પોતાની ભૂમિકા ખુબ સારી રીતે નિભાવી છે. શહેરના છેવાડાના બાળકોને પણ શિક્ષણ મળી રહ્યું છે. રાજકોટના બાળકો શ્રેષ્ઠ નાગરિક બને અને વૈશ્વિક સ્તરે રાજકોટનું નામ રોશન થાય તે જોવાની જવાબદારી આપણા સૌની છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, રાજ્યના વિકાસમાં પૂર્વ શરત એ હોય છે કે, રાજકીય સ્થિરતા હોય, દ્રઢ ઈચ્છા શક્તિ હોય, ઈમાનદારી હોય અને જનતા પ્રત્યે સમર્પણ હોય ત્યારે રાજય વિકાસ કરી શકે છે. સતત ૧૩ વર્ષ સુધી રાજયને સફળ શાસનકર્તા તરીકે  નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ મળ્યું છે. ગુજરાતની જનતાનો ભરોસો, વિશ્વાસ તથા સાથ મળ્યો છે અને તેના કારણે જ ગુજરાત વિશ્વમાં વિકાસનું રોલ મોડેલ બન્યું છે. ભારતીય જનતા પક્ષની સરકારે જનતાને વિકાસની ભેટ આપી છે. દેશના વિકાસ માટે લોકોએ નરેન્દ્રભાઈ મોદીને સુકાન સોંપ્યું છે. પાંચ વર્ષ પહેલા ગુજરાતના શાસનની ધુરા સંભાળતા જ મે નક્કી કરેલ કે, નરેન્દ્રભાઈ પદચિહ્ન પર ચાલી, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી, જનતા માટે સમર્પિત થઇ આગળ વધશું. ભાજપની સરકાર જે કહે છે, એટલું કરે જ છે. પાંચ વર્ષમાં વિકાસને કેન્દ્રમાં રાખી, રાજ્યભરની જનતાની અપેક્ષા અને આકાંક્ષા સંતોષી છે. નરેન્દ્રભાઈની પ્રેરણા થકી રાજ્ય સરકારે ગુજરાતનો સર્વાંગી વિકાસ કાર્યો છે. છઠ્ઠા વર્ષમાં પ્રવેશ વખતે વિકસિત અને ઉતમ ગુજરાતને સર્વોતમ ગુજરાત બનાવવાના પ્રયત્નો કરશું.

લોકોની સેવાના મંત્ર સાથે ગુજરાત સરકાર કાર્યરત છે. અમે લોકોની સંવેદના સમજીએ છીએ, એટલે જ દર પાંચ વર્ષે અમને લોકોનું સમર્થન મળી રહ્યું છે. ૯ તારીખ સુધી જુદા જુદા કાર્યક્રમો દ્વારા જનતા વચ્ચે જઈ, કોઈ ઉજવણી નથી કરવાના પરંતુ સેવા યજ્ઞ દ્વારા જુદી જુદી સરકારી યોજના વિશે માહિતગાર કરી, લોકોને સરકારી યોજનાનો લાભ પ્રાપ્ત કરવાનો વ્યાપક પ્રયાસ કરવાના છીએ. શિક્ષણ, નારી સશક્તિકરણ, યુવા રોજગાર, ખેડૂત કલ્યાણ, શહેરોને આધુનિક સુવિધા આપવી, આદિવાસી વિકાસની રાજ્ય સરકારે હરહંમેશ ચિંતા કરી છે. વિરોધીઓ શાનો વિરોધ કરવા નીકળ્યા છે તેની પણ તેમને ખબર નથી. વિરોધઓનો વિરોધપણ નિમ્નસ્તરનો છે, જે જનતાને ગમતો નથી. શિક્ષણ, નારી સશક્તિકરણ, યુવા રોજગાર, ખેડૂત કલ્યાણ, શહેરોને આધુનિક સુવિધા આપવી, આદિવાસી વિકાસનો તેઓ વિરોધ કરવા નીકળ્યા છે. આ કારણે તેઓ ગુજરાત વિરોધી છે તેવું રાજ્યભરના લોકો માની રહ્યા છે. આ તો ફક્ત જનતાની સુખાકારીનો કાર્યક્રમ છે. પરંતુ વિરોધીઓ સંવેદનશીલતા સામે અસંવેદનશીલતા અને વિકાસની સામે વિનાશની વાતો કરી રહ્યા છે. એ સ્વાભાવિક છે કે, કમળો હોય એને પીળું દેખાય. લોકોએ ૫૦-૫૦ વર્ષ તેમને મોકો આપેલ પરંતુ શા માટે તેઓએ કામો ન કર્યા? હવે તો તેઓ વિરોધ પક્ષને લાયક પણ નથી રહ્યા. હાલમાં, ૧૮૦૦૦ સ્થળેથી રૂ.૧૫,૦૦૦ કરોડના વિકાસ કામો થઇ રહ્યા છે. સરકારનું સમગ્ર તંત્ર કામે લાગ્યું છે.

સરકારે ચાલુ સાલના બજેટમાં શિક્ષણ માટે રૂ.૩૧૦૦૦ કરોડ ફાળવ્યા છે. શિક્ષણ એ સમાજના વિકાસની આધારશિલા છે. શિક્ષણના વ્યાપથી જ રાજ્ય વિકાસના નવા શિખરો સર કરશે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવતા અને મુલ્ય પર ભાર અપાયો છે. આજે શાળાના ૧૦૦૦ ઓરડાનું લોકાર્પણ કર્યું છે. બ્લેકબોર્ડના બદલે આજે ૧૨૦૦૦ સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ થયું છે. છેવાડાના ગામોમાં પણ સ્માર્ટ ક્લાસ, ડીજીટલ ક્લાસ, ઈન્ટરનેટ, બ્રોડબેન્ડની સુવિધા ઉભી કરી, દુનિયાના જ્ઞાનને મુઠીમાં સમાવી લીધું છે. શિક્ષણમાં આધુનિકતા લાવવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ છે. શાળાનું તમામ સ્તરે સતત મોનિટરિંગ થઇ રહ્યું છે. આપણે સ્કુલ ઓફ એકસેલન્સ તરફ જઈ રહ્યા છીએ જેનાથી કોઈપણ વૈશ્વિક પડકાર ઝીલવા આપણો યુવાન સક્ષમ બન્યો છે. વિરોધીઓ કાન ખોલીને સંભાળી લ્યે કે, છેલ્લા પાંચ વર્ષમાં ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી, સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

અમે પબ્લીસીટી નહિ, પણ કામ કરી રહ્યા છીએ. રૂ.૮૦૦૦ની કિમતનું નવું ટેબ્લેટ ફક્ત રૂ.૧૦૦૦માં આપી રહ્યા છીએ. કોગ્રેસે આટલા વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે કઈ કર્યું નથી. કોંગ્રેસના સમયમાં ૧૧ યુનિવર્સિટી હતી અત્યારે ૭૭ યુનિવર્સિટી છે. ભાજપ સરકારે રાજ્યમાં ફોરેનીસિક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલીયમ યુનિવર્સિટી, આયુર્વેદિક યુનિવર્સિટી, યોગા યુનિવર્સિટી શરૂ કરાવી છે. તેમજ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ક્રાંતિકરી ફેરફારો કર્યા છે. અગાઉ તક્ષશિલા, નાલંદા અને વલ્લભી વિદ્યાપીઠ ખાતે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હતા તેમ હાલ વિદેશથી ૧૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ આવે તેવું પ્લાનીંગ થઇ રહ્યું છે. સ્ટાર્ટ ઓફ ઇનોવેશનમાં ગુજરાત સૌથી મોખરે છે અને રહે છે. પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. જે શિક્ષણ ચારિત્ર અને વિવેકનું સર્જન કરે તે જ સાચું શિક્ષણ છે. તે બાબતને ધ્યાનમાં રાખીને શિક્ષણ ક્ષેત્રે કામો થઇ રહ્યા છે.

બાદમાં, માન.મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વિદ્યાર્થીઓને પ્રતિકરૂપે નમો ટેબ્લેટ, શોધ સહાય તેમજ શૈક્ષણિક સંસ્થાઓને આર્થિક સહાય અર્પણ કરવામાં આવેલ.       

 આ પ્રંસગે સ્વાગત પ્રવચન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અતુલભાઈ પંડિતએ કર્યું હતું. મહેમાનોનું પુસ્તકથી સ્વાગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન  સંગીતાબેન છાયાએ તેમજ સભ્યો કિશોરભાઈ પરમારે કરેલ. જયારે આભારવિધિ ડે.કમિશનર આશિષ કુમારે કરેલ.

શ્રીમતી જયાલક્ષ્મી જટાશંકર પાઠક પ્રા. શાળા નં.૧૯માં બિલ્ડીંગમાં શાળાના જરૂરી ૬(છ) રૂમના બાંધકામ માટે રૂ.૩૪.૦૧ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. જેમાં ગ્રીન બોર્ડ, સોફ્ટ બોર્ડ, ઈલેક્ટ્રીક કનેક્શન, પાથ વે અને પાણીની સુવિધા કરવામાં આવેલ છે. સદર શાળામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ પ્રાથમિક શિક્ષણ મેળવેલ છે.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના બિલ્ડીંગ ગ્રાઉન્ડ + ૨ માળામાં ૧૦૦ દીકરીઓનો સમાવેશ કરી શકાય તેવા બિલ્ડીંગના બાંધકામ મારે રૂ.૧૩૮.૫૩ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. જેમાં, દીકરીઓને રહેવા માટે ડોરમેટ્રી નં.૦૪, રસોડું અને સ્ટોરરૂમ નં.૦૧, ડાઈનીંગ રૂમ નં.૦૧, ક્લાસરૂમ નં.૦૧, એક્ટીવીટી રૂમ નં. ૦૨, વોર્ડન રૂમ નં.૦૧, એમ ૧૦ રૂમ તેમજ ઓફીસ, નાહવાના બાથરૂમ, ટોયલેટ બ્લોક અને પાણીની સુવિધા, પાથ-વે સાથે બિલ્ડીંગમાં સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત રાજ્ય કચેરી દ્વારા દીકરીઓ માટે બેડિંગ, કબાટની સુવિધા પુરી પાડવામાં આવનાર છે.

(3:10 pm IST)