Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

સોમવારે 'રક્ષા બંધન' : ભાઇ બહેનના હૈયે હેત વરસશે

'ભાઇને તિલક કરતી ભાલે અંતરના ઉભરાતા વ્હાલે, હીરની દોરી બાંધે હાથે અંતર કેરી ઉર્મિ સાથે' : માત્ર ભાઇની જ નહીં વિશ્વની સુખાકારીની થશે કામના : કોરોનાની અસરના કારણે જનોઇ બદલવા સામુહીક આયોજનો આ વર્ષે બંધ

રાજકોટ તા. ૧ : સોમવારે શ્રાવણી પૂનમ! જે આપણે ત્યાં બળેવ કે રક્ષાબંધન પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ભાઇ બહેનના અમર પ્રેમને વ્યકત કરતા આ પર્વના પૂર્વ દિવસોમાં રાખડી બજારમાં અનેરો ધમધમાટ છવાયો છે.

સોમવારે વીરાના કાંડે સુતરના તાંતણારૂપ રાખડી બાંધી બહેનો ઓવારણા લેશે. ભાઇના જીવનમાંથી તમામ સંકટો દુર થઇ જાય તેવા આશીષ વરસાવશે. આ વર્ષે કોરોના મહામારીએ માઝા મુકી છે. ત્યારે આ વૈશ્વીક અસરમાંથી સૌ ઉગરી જાય તેવા આશીર્વાદ પણ બહેનડીઓ વરસાવશે.

ભાઇ બહેનના હૈયે હેતની હેલી વરસાવતા આ પર્વે લાગણીભીના દ્રશ્યો સર્જાતા હોય છે. ભાઇના ભાલે કુમકુમ તીલક કરી કાંડે રાખડી બાંધતી બહેન પ્રત્યે ભાઇ પણ પોતાનું કર્તવ્ય નિભાવવા પ્રતિબધ્ધ થતો હોય છે.

ભાઇને રાખડી બાંધતા પહેલા બહેન તેના મસ્તક પર તિલક કરે છે જે કેવળ ભાઇના મસ્તકની પૂજા નથી, પણ ભાઇના વિચારો અને બુધ્ધિ પરના વિશ્વાસનું દર્શન છે. તીલકની સામાન્ય લાગતી આ ક્રિયામાં  દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયા સમાયેલી હોય છે.

રક્ષા બંધન પર્વને લઇને રાખડી ઉપરાંત મીઠાઇ બજારમાં પણ થોડી રોનક જોવા મળી રહી છે.

આ પર્વે ભુદેવો પણ પોતાના યજમાનોને કાંડે રાખડી બાંધી આશિવર્ચનો આપતા હોય છે. આ પર્વે જનોઇધારી વર્ગ જનોઇ  બદલાવાની વિધી કરતા હોય છે. રાજકોટ જેવા શહેરોમાં બ્રહ્મ સમાજના સંગઠનો દ્વારા સમુહમાં જનોઇ બદલવાના આયોજનો થાય છે. પરંતુ આ વર્ષે કોરોનાની અસરના કારણે આવા સામુહિક આયોજનો બંધ રખાયા છે.

(3:27 pm IST)