Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કોઠારીયામાં મજૂરોની નજર સામે જ સગીરાએ દોટ મુકી કૂવામાં ઝંપલાવી મોત મેળવી લીધું

એક તરવૈયાએ બચાવવા પ્રયાસ કર્યો પણ સફળતા ન મળીઃ આશરે ૧૬ વર્ષની બાળાના વાલીવારસને શોધવા આજીડેમ પોલીસની મથામણઃ જમણા હાથ પર હિન્દીમાં 'જીજી' ત્રોફાવ્યું છે

રાજકોટ તા. ૧: કોઠારીયા ગામમાં રોલેકસ કારખાના સામે સાંભલપુર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા એક કૂવામાં સવારે આશરે ૧૫-૧૬ વર્ષની એક બાળાએ દોટ મુકી કૂવામાં ઝંપલાવી દઇ મોત મેળવી લીધું હતું. આ બાળા કૂવામાં કૂદી ત્યારે નજીકમાં કેટલાક મજૂરો હોઇ તેણે દોટ મુકી હતી. બાળા પાણીમાં ગરક થઇ ગઇ હોઇ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં રેસ્કયુ ટીમે પહોંચી તેણીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ વી. બી. સુખાનંદી તથા કિરીટભાઇ રામાવતે પહોંચી કાર્યવાહી કરી હતી. ફાયર બ્રિગેડ ટીમના આર. બી. ભટ્ટી, ફાયરમેન જયેશભાઇ ડાકી, રસિકભાઇ સાકરીયા, મોહિતસિંહ ઝાલા, મોૈલિક ચનીયારા, જગજીશભાઇ નૈનુજી સહિતે કૂવામાં મિંદડી નાંખી પાંચ જ મિનીટમાં બાળાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ૧૦૮ની તબિબે તેણીને મૃત જાહેર કરી હતી.

પોલીસના કહેવા મુજબ મૃતકની ઉમર આશરે ૧૫ થી ૧૬ વર્ષ છે. હાથમાં મહેંદી મુકી છે. બ્લુ-ગુલાબી-કાળા-સફેદ રંગની ડિઝાઇનનો કાબરચીતરો ડ્રેસ તેણીએ પહેર્યો છે. તેના જમણા હાથ પર હિન્દીમાં 'જીજી' ત્રોફાવેલું છે. ઘટના સ્થળે હાજર મજૂરોના કહેવા મુજબ તેણીએ અચાનક દોટ મુકી ચપ્પલ બહાર ઉતારી કૂવામાં ધૂબાકો મારી દીધો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. તસ્વીરમાં દેખાતી બાળાના કોઇ વાલીવારસ હોય કે કોઇ તેને ઓળખતું હોય તો આજીડેમ પોલીસનો અથવા ૯૮૭૯૫ ૦૦૩૦૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:02 pm IST)