Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજકોટ ડીવીઝનના ટીકીટ ચેકીંગ સ્‍ટાફની સૂઝબૂઝના કારણે ગુમ થયેલ સગીર વયની યુવતીને વિખુટા પડેલા સગાઓને સોંપવામાં આવી

રાજકોટ, ૧ : રાજકોટ ડીવીઝનના ટીકીટ ચેકીંગ સ્‍ટાફની સમજણથી તાજેતરમાં ગુમ થયેલ સગીર વયની યુવતીને જીઆરપી સ્‍ટાફની મદદથી છુટા પડેલા સગાઓને સોંપવામાં આવી છે.

ઘટના ૨૯ જૂન, ૨૦૨૨ની છે. આ દિવસે એક સગીર બાળકી ટ્રેન નંબર ૧૧૪૬૪ જબલપુર-સોમનાથ એક્‍સપ્રેસમાં જાણ કર્યા વિના તેના ઘરેથી નીકળી હતી, જે ટીટીઈ નમોનારાયણ મીણા દ્વારા ટિકિટ ચેકિંગ દરમિયાન સુરેન્‍દ્રનગર સ્‍ટેશન પર ટીટીઈ દ્વારા પકડાઈ હતી. પૂછપરછ દરમિયાન ટીટીઈ નમોનારાયણ મીણા અને હરેશ આમદાવાડીને શંકા ગઈ અને જીઆરપી સ્‍ટાફની મદદથી ખબર પડી કે યુવતી કોઈ જાણ કર્યા વગર જ ઘરની બહાર નીકળી ગઈ હતી. જીઆરપી સ્‍ટાફ દ્વારા યુવતીના પરિવારજનોનો સંપર્ક કરી તેમના પરિવારજનોને ભરૂચથી બોલાવી બાળકીને તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી. યુવતીના પરિવારજનોએ ટિકિટ ચેકિંગ સ્‍ટાફ અને જીઆરપી સ્‍ટાફનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ રીતે રાજકોટ ડીવીઝનના ટીકીટ ચેકીંગ સ્‍ટાફની સતર્કતા, સૂઝબૂઝ અને કર્તવ્‍યનિષ્ઠાના કારણે એક સગીર યુવતી ને તેના વિખુટા પડેલા પરિવાર સાથે પુનઃમિલન કરાવીને રેલ્‍વે સેવાની સાથે માનવતા પણ પુરી થઈ છે.

રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલ્‍વે મેનેજર શ્રી અનિલ કુમાર જૈન અને સીનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફે ટિકિટ ચેકિંગ સ્‍ટાફ દ્વારા લેવામાં આવેલા ત્‍વરિત પગલાંની પ્રશંસા કરી છે.

(3:08 pm IST)