Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

પારકા ઘરના કામે જતી વિધવાને અજાણ્યા સ્ત્રી-પુરૃષે પાટુ મારી પછાડી દઇ આંખમાં સ્પ્રે છાંટ્યોઃ રોકડ-બુટીયાની લૂંટ

વીસેક મિનીટ બેભાન રહ્યા બાદ ભાનમાં આવેલા સંજયનગરના યાસ્મીનબેન બુકેરા નજીકની વ્હોરા સોસાયટીમાં ઘરકામે ગયા બાદ ઘરે આવી વાત કરતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાતાં ગુનો નોંધી લૂંટારા સ્ત્રી-પુરૃષની શોધખોળ : બાઇક પર આવેલા પુરૃષે 'સિનર્જી હોસ્પિટલ કઇ બાજુ આવે? તેમ પુછ્યા બાદ તેની પાછળ બેઠેલી મહિલાએ યાસ્મીનબેનને પાટુ મારી પછાડી દીધા બાદ થેલી લૂંટવા ઝપાઝપી કરી, પ્રતિકાર થતાં આંખમાં ઝેરી સ્પ્રે છાંટ્યો : શહેરમાં ધોળે દિવસે લૂંટઃ જામનગર રોડ ગાયત્રીધામ નજીક બગીચા પાસે ગઇકાલે સવારે બનાવ

રાજકોટ તા. ૧: શહેરમાં ધોળે દિવસે લૂંટની એક ઘટના બનતાં ચકચાર જાગી છે. જામનગર રોડ સંજયનગરમાં રહેતાં વિધવા મુસ્લિમ મહિલા ગઇકાલે સવારે પગપાળા પોતાના ઘરેથી વ્હોરા સોસાયટીમાં પારકા ઘરના કામ કરવા જઇ રહ્યા હતાં ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા સ્ત્રી-પુરૃષે સિનર્જી હોસ્પિટલ તરફ જવાનો રસ્તો પુછી બાદમાં પાટુ મારી પછાડી દઇ આંખમાં કોઇ સ્પ્રે છાંટી ઢીકાપાટુનો માર મારી આ મહિલાના સોનાના બુટીયા અને ૪ હજારની રોકડ લૂંટી લેતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ ઉસ્માનીયા મસ્જીદ પાછળ સંજયનગર-૨માં મંદિરની બાજુમાં રહેતાં યાસ્મીનબેન અબ્દુલરજાકભાઇ બુકેરા (ઉ.વ.૪૨) નામના મહિલાની ફરિયાદ પરથી અજાણ્યા ૩૦ થી ૪૦ વર્ષના સ્ત્રી તથા પુરૃષ વિરૃધ્ધ લૂંટનો ગુનો નોંધ્યો છે.
યાસ્મીનબેને જણાવ્યું હતું કે હું પુત્ર અને પુત્રી સાથે રહુ છું. મારા પતિનું સાતેક વર્ષ પહેલા મૃત્યુ થયું છે. હું પારકા ઘરોમાં કામ કરીને ગુજરાન ચલાવું છું. ગુરૃવારે ૩૦મીએ સવારે આઠથી નવ વચ્ચે હું ચાલીને વ્હોરા સોસાયટી ખાતે જમીલાબેનના ઘરે કામ કરવા જતી હતી ત્યારે ગાયત્રીધામથી આગળ મનમોહન મારબલની પાછળ બગીચા પાસે પહોંચતા નંબર વગરના હોન્ડા પર એક પુરૃષ અને એક સ્ત્રી આવ્યા હતાં. મારી પાસે વાહન ઉભુ રાખી મને સિનર્જી હોસ્પિટલ જવાનો રસ્તો પુછ્યો હતો.
મેં તેમને ગાયત્રીધામ તરફથી થઇને જવાય તેમ કહી રસ્તો બતાવ્યો ત્યાં જ પાછળ બેઠેલી મહિલાએ મને પાટુ મારી પછાડી દીધી હતી. એ પછી બાઇક પરથી ઉતરેલા શખ્સે મારકુટ કરી હતી. મેં તેને વાંક ગુના વગર શું કામ મારો છો? તેમ પુછતાં અજાણી મહિલાએ મને ચુપ રહેવા કહ્યું હતું. મેં રાડારાડી કરતાં માથાના ભાગે લાકડાનું બટકુ મારી દીધું હતું અને બંને જણા મને ફરીથી ઢીકાપાટુ મારવા માંડ્યા હતાં. તેમજ મારા હાથમાંથી થેલી ઝૂંટવવા પ્રયાસ કરતાં મેં થેલી પકડી રાખતા અજાણી મહિલાએ પુરૃષને 'જલ્દી સ્પ્રે કાઢીને છાંટ' તેમ કહેતાં એ પુરૃષે કોઇ ઝેરી સ્પ્રે મારા મોઢા આંખ પર છાંટતા બળતરા થવા માંડી હતી અને હું અર્ધબેભાન જેવી થઇ ગઇ હતી.
એ પછી આ બંને મારા કાનમાંથી અડધા તોલાના સોનાના બુટીયા તથા થેલી ઝૂંંટવી ગયા હતાં. થેલીમાં રાખેલા પાકીટમાં રૃા. ચાર હજારની રોકડ પણ હતી. આ બંનેએ મારો મોબાઇલ ફોન પણ તોડી નાંખ્યો હતો. હું વીસેક મિનીટ ત્યાં જ પડી રહ્યા બાદ થોડી ભાનમાં આવતાં લથડીયા ખાતી ખાતી ધીમે ધીમે ચાલીને મનમોહન મારબલના ડેલા પાસે પહોંચી હતી અને તે વખતે મારો ઓળખીતો રિક્ષાવાળો સલમાન નીકળતાં તે મને વ્હોરા સોસાયટીમાં જમીલાબેનના ઘરે જ્યાં હું કામ કરુ છું ત્યાં મુકી ગયો હતો.
મારા મઢાના ભાગે સોજો આવી ગયો હોઇ જમીલાબેને બરફ ઘસી દીધો હતો. એ પછી ઘરકામક રી હું મારા ઘરે આવી હતી અને મારા ભાભી યાસ્મીનબેન તથા ભાઇ રજાકભાઇને અને પડોશીને વાત કરતાં તેમણે પોલીસ બોલાવી હતી અને મેં ફરિયાદ કરી હતી. એએસઆઇ જે. એસ. હુંબલે ગુનો દાખલ કરતાં પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ સોમૈયા સહિતની ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.

બંનેએ બુકાની બાંધેલી હતી અને હિન્દી ભાષામાં બોલતા હતાંઃ લૂંટાયેલી રકમ ઉપાડ પેટે લીધી'તી
વધુ માહિતી મુજબ લૂંટ કરવા આવેલા અજાણ્યા સ્ત્રી અને પુરૃષે મોઢા પર કપડા બાંધેલા હતાં અને હિન્દી ભાષામાં વાતચીત કરતાં હતાં. યાસ્મીનબેન પાસેની જે ચાર હજારની રોકડ હતી તે તેણે રામધામમાં કામ કરતાં હોઇ ત્યાંથી ઉપાડ પેટે લીધેલી હતી. આ રકમ લૂંટાઇ જતાં તે આઘાતમાં ગરક થઇ ગયા હતાં.

 

(1:42 pm IST)