Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા ‘સીટ' ની રચનાઃ એલસીબીમાં ફરીયાદ થઇ શકશે

ઉદ્યોગપતિઓ-વેપારીઓ સાથે થયેલ છેતરપીંડીના બનાવોની તપાસ માટે

રાજકોટ તા. ૧ :.. રાજયના ગૃહમંત્રીની સુચના અન્‍વયે જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડએ જીલ્લાના ઉદ્યોગપતિઓ - વેપારીઓ સાથે થયલ છેતરપીંડી - ઠગાઇના બનાવોની તપાસ માટે ‘સીટ' ની રચના કરેલ છે.
તાજેતરમાં રાજય કક્ષાના મંત્રીશ્રી (ગૃહ) ના અધ્‍યક્ષ સ્‍થાને રાજકોટ ખાતે વેપારીઓ સાથે મીટીંગ યોજાયેલ જેમાં છેતરપીંડી, ઠગાઇ, વિશ્વાસઘાતના આર્થિક ગુન્‍હાઓના બનાવો બનતા હોય અરજદારની અરજીઓનો ઉંડાણપૂર્વક તપાસ થાય અને યોગ્‍ય ન્‍યાય મળે તે હેતુસર ઉદ્યોગપતિ, વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવેલ. અત્રેના જિલ્લામાં ખુબ જ મોટા ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તાર આવેલ હોય જેથી વેપારીઓ સાથે અવાર-નવાર છેતરપીંડી, ઠગાઇ, વિશ્વાસઘાત બાબતેની ફરીયાદ અરજીરૂપે રજૂઆત કરતા હોય છે. આ અરજી બાબતે આર્થિક રીતે ઠગાઇનો ભોગ બનતા ઉદ્યોગપતિ, વેપારીઓને સત્‍વરે ન્‍યાય મળે અને કોઇ હેરાનગતી ન થાય તે હેતુસર રાજય કક્ષાના મંત્રીશ્રી (ગૃહ)ની સુચનાથી પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટનાઓ તથા પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્‍યનાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ આર્થિક ગુન્‍હાઓની તપાસ માટે (સ્‍પેશ્‍યલ ઇન્‍વેસ્‍ટીગેશન ટીમ) ની રચના કરવામાં આવેલ છે. જેમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રીનું સુપરવિઝન રહેશે. ઉદ્યોગપતિ, વેપારી મિત્રો સાથે છેતરપીંડી, ઠગાઇ, વિશ્વાસઘાતના આર્થિક ગુન્‍હાઓના બનાવ બને ત્‍યારે લોકલ ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

(1:13 pm IST)