Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ઇ મેમો સામે કોંગ્રેસ એનએસયુઆઇની સહી ઝુંબેશઃ અટકાયત

રાજકોટઃ ઇ મેમો સામેઆજે કોંગ્રેસ અને એનએસયુઆઇ એ સહી ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસે કાર્યકરોને અટકાયત હાથ ધરી છે. એનએસયુઆઇની યાદીમાં જણાવ્‍યુ છે કે ઇમેમાની સામે રાજકોટમાં ઘરે ઘરે કચવાટ અને જનતા ત્રાહિમામ છે. પાંચ વર્ષ સુધી દરરોજ લાખોના ઇમેમો ઇસ્‍યુ કરી હવે અચાનક ઉઘરાણા થતા લોકોને આઇ વે પ્રોજેકટના કેમેરા સમાન દેખાવા મંડયા છે. ૧૫૦ કરોડથી વધુ રકમના પેન્‍ડિગ ઇમેમો છે અને ૨૩ હજારથી વધુ લોકોના પેન્‍ડિંગ  ઇમેમોના કેસ લોક અદાલતમાં દાખલ કર્યા અને લોકો ભયભીત થઇને છૂટકે ભરવા પણ મંડયા છે. જે લોકોની આર્ર્થિક પરિસ્‍થિતિ નબળી છે તેના માટે આ રકમ માથાનો દુખાવો બની છે. સુરક્ષા હેતુથી શહેરમાં કેમેરા નાખ્‍યા હતા પરંતુ પોલીસ તંત્રએ તેનો ઉપયોગ સરકારનું કમાવવાનું સાધન માટે કર્યો એ સ્‍પષ્‍ટ થયું છે.  આજે જિલ્‍લા પંચાયત ચોક ખાતે બોજમુકત રાજકોટ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતુ જેમાં એનએસયુઆઇના કાર્યકરો પ્‍લેકાર્ડમાં ઇમેમાં માફ કરાવવા માટે વાહન ચાલકોએ અભિયાનમાં જોડાવાની અપીલ કરતા સ્‍લોગન સાથે ઉભા રહી નામ, નંબર અને સહી કરાવી હતી. તમામ વાહનચાલકો ઇ મેમાંથી ત્રાહિમામ હોવાથી મોટી સંખ્‍યામાં લોકોએ સહી કરી સમર્થન આપ્‍યુ હતું. આ સહી ઝુંબેશમાં કોંગ્રેસના પુર્વ પ્રમુખ અશોક ડાંગર, જીલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરીયા, વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી, કાર્યકરી પ્રમુખ સંજય અજુડીયા, ડો. ધરમ કાબલીયા, મહીલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા તેમજ વકીલોમાં જીજ્ઞેશ જોશી, કુલદીપસિંહ ઝાલા તેમજ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મયુર વાંક, પ્રદેશ મહામંત્રી પ્રદીપ ડોડીયા, એનએસયુઆઇના પ્રમુખ રોહિતસિંહ રાજપુત, અભિરાજ તલાટીયા, મોહીલ ડવ, મીત પટેલ, જીત સોની, હર્ષ આશર, યશ ભીંડોરા, કરણ હુંબલ સહિત કાર્યકરો જોડાયા હતા અને સામાજીક સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા.

(4:02 pm IST)