Gujarati News

Gujarati News

News of Thursday, 1st March 2018

ધો.૧૦-૧રની હોલ ટીકીટ વિતરણનો સાદર અસ્વીકાર કરતા સંચાલકો

શિક્ષણમંત્રી-ગૃહમંત્રીના નિવેદનથી નારાજ શાળા સંચાલકો એક મંચ ઉપરઃ સરકાર વિરોધી સુત્રોચ્ચારઃ આંદોલન વધુ ઉગ્ર બનવાની ચિમકી : વિદ્યાર્થીઓ શાંત ચિતે પરીક્ષાની તૈયારી કરેઃ શાળા સંચાલકો અમારી સાથે છેઃ શાળા સંચાલકોની પ્રતિબધ્ધતા

રાજકોટઃ કરણસિંહજી હાઇસ્કુલ ખાતે હોલ ટીકીટ વિતરણનો અસ્વીકાર કરી ઉગ્ર સુત્રોચ્ચાર કરતા અજયભાઇ પટેલ, અવધેશભાઇ કાનગડ, ડી.કે.વાડોદરીયા, ડી.વી.મહેતા, ભરતભાઇ ગાજીપરા, જતીનભાઇ ભરાડ, કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, રશ્મીકાંતભાઇ મોદી, પુષ્કરભાઇ રાવલ, નરેશભાઇ પટેલ, વિપુલભાઇ પાનેલીયા, મેહુલભાઇ પરડવા, જયદીપભાઇ જલુ, મહેન્દ્રભાઇ ગજેરા, રાજુભાઇ પરીખ,  નિરેનભાઇ જાની, પરીમલભાઇ પરડવા, વિમલભાઇ છાયા, વિમલભાઇ કપુર સહિતના નજરે પડે છ. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૧૨)

 

રાજકોટ, તા., ૧: ગુજરાત રાજયના શિક્ષણમંત્રી અને ગૃહ મંત્રીના નિવેદનથી શાળા સંચાલકો ભારે નારાજ છે. સરકારની કાર્યપધ્ધતી સામે રોષ પુર્વક હોલ ટીકીટનું વિતરણનો સાદર અસ્વીકાર કરી રાજય સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવી સુત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા.

 

ગુજરાત માધ્યમીક એન્ડ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી બોર્ડ દ્વારા લેવાનાર ધો.૧૦ અને ધો.૧ર (સામાન્ય / સાયન્સ પ્રવાહ)ની પરીક્ષાની હોલ ટીકીટ વિતરણ જીલ્લા કક્ષાએથી કરવામાં આવનાર છે. ત્રણ મુદાઓને ધ્યાને લેતા અમો આ વિતરણ વ્યવસ્થાનો સવિનય અસ્વીકાર કરીએ છીએઅને વધુ સારી વ્યવસ્થા જળવાઇ તે હેતુથી આ વ્યવસ્થા સરકારશ્રી દ્વારા જ થાય તેવું નમ્ર નિવેદન કરેલ.

શિક્ષણ મંત્રીશ્રી ચુડાસમાએ પોતાના નિવેદનમાં જણાવેલ છે કે જે વિદ્યાર્થીઓએ ફી ન ભરેલ હોય તો પણ હોલ ટીકીટ આપી દેવી, અમલ ન કરનાર શાળાઓની માન્યતા રદ કરવાની ગંભીર ચીમકી આપેલ છે. જો આમ થાય તો વિદ્યાર્થીના ભાવી સાથે ચેડા થયા નહી ગણાય? ભુતકાળનાં વર્ષોથી સંચાલકોએ માનવતાની રાહે જે વિદ્યાર્થી ફી ના ભરી શકે તેમ હોય કે કોઇ આકસ્મીક સંજોગ હોય તો હોલ ટીકીટ આપી જ દેવામાં આવે છે. ૧૯૯૯ થી શરૂ કરી અત્યાર સુધીમાં એક પણ વિદ્યાર્થી ફીના કારણે પરીક્ષા આપી ન શકયો તેવું કદી બન્યું નથી.

તંત્ર છતા શિક્ષણ મંત્રીના ઉપરોકત નિવેદનથી આર્થિક રીતે સક્ષમ વાલીઓને પણ આડકતરી રીતે ફી નહી ભરવા માટે પ્રોત્સાહન મળેલ છે તેનો સૌ સખત વિરોધ કરીએ છીએ. કારણ કે સ્વનિર્ભર શાળાઓ આ ફી પર જ નિર્ભર હોય છે.

રાજય સરકારના ગૃહમંત્રીશ્રી વિધાનસભાનાં સત્ર દરમિયાન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સરખામણી બુટલેગર સાથે કરતું જે નિવેદન આપવામાં આવ્યું છે તેનો પણ વિરોધ કરીએ છીએ. આપણા ગુજરાતના જ પનોતા પુત્ર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં સ્વપ્નનું ગુજરાત બનાવવામાં યતકિંચિત ફાળો આપીએ છીએ. પ્રધાનમંત્રીશ્રી 'મન કી બાતમાં' શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન ઉચ્ચકક્ષાએ પહોંચે તેવી સુંદર વાત કરે છે ત્યારે વિધાનસભામાં ગૃહમંત્રીશ્રીનું નિવેદન ખરેખર આઘાતજનક ગણાવી શકાય જે નિવેદનને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ.

ગમે ત્યારે ગમે તે વ્યકિત મંડળ કે સંસ્થા દ્વારા શાળા સંચાલકોને શૈક્ષણીક માફીયા, લુંટારા કે બુટલેગર જેવા વિશેષણોથી ઓળખાવે છે. જેની વિદ્યાર્થીઓના માનસ ઉપર ખુબ નકારાત્મક અસર થાય છે અને આ વિદ્યાર્થીઓનું શ્રધ્ધા કેન્દ્ર એટલે કે સ્કુલ પ્રત્યેની શ્રધ્ધા ડગમગી ઉઠે છે અને એટલે જ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા અનિષ્ઠનીય કૃત્ય આદરવામાં આવે છે.

ઉપરોકત ત્રણેય બાબતોને ધ્યાનમાં લેતા આજરોજ ગુજરાત રાજયનાં એક પણ સ્વનિર્ભર શાળા સંચાલક પરીક્ષાની હોલ ટીકીટનો સવિનય અસ્વીકાર કરીને ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાત રાજયના શિક્ષણ જગતની ગરીમાને ઉજાગર કરવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે. વાલીશ્રી અને વિદ્યાર્થીઓને પણ અમારી વેદના સમજીને અમોને સહકાર આપવા અપીલ કરી છે.

વિરોધ કાર્યક્રમમાં સર્વશ્રી અજયભાઇ પટેલ, અવધેશભાઇ કાનગડ, ડી.કે. વાડોદરીયા, ડી.વી.મહેતા, ભરતભાઇ ગાજીપરા, જતીનભાઇ ભરાડ, કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, રશ્મીકાંતભાઇ મોદી, પુષ્કરભાઇ રાવલ, નરેશભાઇ પટેલ, વિપુલભાઇ પાનેલીયા, મેહુલભાઇ પરડવા, જયદીપભાઇ જલુ, મહેન્દ્રભાઇ ગજેરા, રાજુભાઇ પરીખ,  નિરેનભાઇ જાની, પરીમલભાઇ પરડવા, વિમલભાઇ છાયા, વિમલભાઇ કપુર સહિતના સંચાલકો ઉપસ્થિત રહયા હતા. (૪.૧૨)

(5:03 pm IST)