Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સોમવારે કડવીબાઇ કન્‍યા વિદ્યાલયમાં ‘ગાંધી વંદના' સ્‍વરાંજલી કાર્યક્રમ

ગુજરાતના ખ્‍યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્‍યાસ અને પંકજ ભટ્ટ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે : આઝાદીની લડતમાં આહુતિ આપનાર : નામી-અનામી શહીદ-વીરો અને સ્‍વાતંત્ર્ય-સેનાનીઓ તેમજ ગાંધી-મૂલ્‍યો-વિચારોને વરેલાં દરબાર ગોપાળદાસ દેસાઈ, ભક્‍તિબા, ઢેબરભાઈ, વજુભાઈ શાહ, જયાબેન શાહને ‘સ્‍મરણાંજલિ' અર્પણ કરવામાં આવશે

નવી પેઢીમાં રાષ્ટ્ર-ભાવનાનું સંસ્‍કાર-સિંચન થાય તેમજ આપણી સંસ્‍કૃતિ, સાહિત્‍ય, સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન, ગ્રામ સ્‍વરાજ મંડળ તથા

વલ્લભ કન્‍યા કેળવણી મંડળ દ્વારા  પ્રેરક આયોજન

રાજકોટ તા. ૧ : રાજકોટ સ્‍થિત આઝાદી પૂર્વે ૧૯૪૬માં સ્‍થપાયેલી ઐતિહાસિક કડવીબાઈ વિરાણી કન્‍યા વિદ્યાલય ખાતે ૬ ફેબ્રુઆરી ૨૦૨૩ને સોમવારના રોજ સાંજે ૫ કલાકે ગાંધી વંદના સ્‍વરાંજલિ કાર્યક્ર્‌મ યોજાશે. આઝાદીની લડતમાં આહુતિ આપનાર શહીદ-વીરો અને સ્‍વાતંત્ર્ય-સેનાનીઓને પણ સ્‍મરણાંજલિ અર્પણ કરવામાં આવશે.

મહાત્‍મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના નિકટના સાથી, સ્‍વાતંત્ર્ય-સેનાની, આઝાદી પહેલા ૧૯૨૨માં સ્‍વયંભૂ પોતાનું રાજ ત્‍યાગીને પ્રજાને સોંપનાર સહુપ્રથમ રાજવી, ભારતીય બંધારણ સભાના સ્‍થાપક સભ્‍ય, ઢસા (જિ. અમરેલી) અને રાય-સાંકળી (જિ. સુરેન્‍દ્રનગર)ના દરબાર ગોપાળદાસ દેસાઈ અને એમનાં ધર્મપત્‍ની, સ્‍વાતંત્ર્ય-સેનાની ભક્‍તિબા દેસાઈ તથા લોકસેવક, સ્‍વાતંત્ર્ય-સેનાની, સૌરાષ્ટ્ર રાજયના પ્રથમ મુખ્‍ય મંત્રી ઉછરંગરાય નવલશંકર ઢેબરની પુણ્‍યસ્‍મૃતિમાં તેમજ લોકસેવક, સ્‍વાતંત્ર્ય-સેનાની, પૂર્વ-મંત્રી વજુભાઈ શાહની ૧૧૩મી જન્‍મજયંતી અને એમનાં ધર્મપત્‍ની, ખાદી-રચનાત્‍મક ક્ષેત્રનાં આગેવાન, આજીવન સમાજ-સેવિકા અને પૂર્વ-સાંસદ જયાબેન શાહની જન્‍મ શતાબ્‍દી વર્ષ નિમિત્તે આ પ્રેરક આયોજન કરાયું છે. નવી પેઢીમાં રાષ્ટ્ર-ભાવનાનું સંસ્‍કાર-સિંચન થાય તેમજ આપણી ગૌરવવંતી સંસ્‍કૃતિ, સાહિત્‍ય, સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) દ્વારા સ્‍થાપિત ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન, ગ્રામ સ્‍વરાજ મંડળ તથા વલ્લભ કન્‍યા કેળવણી મંડળ દ્વારા આ વિશેષ આયોજન કરાયું છે.

ગુજરાતના ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્‍યાસ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત-નિયોજન છે. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્‍યા, ભેટ્‍યે ઝૂલે છે તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે  જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ થશે. ચાંદો ઊગ્‍યો ચોકમાં,  જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે,  કાન તારી મોરલી, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર જેવાં સદાબહાર લોકગીતો પણ તેમના સંગ્રહ રઢિયાળી રાત માંથી રજૂ થશે. જે હજી છાપખાનામાં હતી ત્‍યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તેવી તેમની અંતિમ કૃતિ સોરઠી સંતવાણીમાંથી ગંગા સતી,  જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્‍વાદ-રૂપે રજૂ થશે.

મહાત્‍મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી દ્વારા ૨૦૧૪માં લિખિત દરબાર ગોપાળદાસ દેસાઈના જીવન-કાર્યને આલેખતું પુસ્‍તક Prince of Gujaratનો રસપ્રદ ગુજરાતી અનુવાદ એક અનોખો રાજવી - દરબાર ગોપાળદાસ દેસાઈ : ૧૮૮૭-૧૯૫૧ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના અમેરિકા સ્‍થિત સાહિત્‍ય-અભ્‍યાસુ ઈજનેર પુત્ર અશોકભાઈ મેઘાણીએ કર્યો છે. ગાંધીજી દ્વારા સ્‍થાપિત નવજીવન ટ્રસ્‍ટ દ્વારા પ્રકાશિત આ પુસ્‍તકનું વિમોચન આ અવસરે કરવામાં આવશે. મહાત્‍મા ગાંધી અને દરબાર ગોપાળદાસ દેસાઈ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના અનેક લાગણીસભર સંભારણાં છે જે ખાસ ઉલ્લેખનીય છે. 

અગ્રણીઓ ડો. બારીન્‍દ્રભાઈ દેસાઈ, દેવેન્‍દ્રભાઈ દેસાઈ, ધીરૂભાઈ ધાબલિયા, હિંમતભાઈ ગોડા તેમજ સરોજબેન અંજારિયા, ઊર્મિલાબેન દેસાઈ, હીરાબેન માંજરિયાનું આ પ્રસંગે અભિવાદન કરવામાં આવશે. આ કાર્યક્ર્‌મનું ઈન્‍ટરનેટ www.eevents.tv/meghani પર જીવંત પ્રસારણ પણ માણી શકાશે.

જ્જ આલેખન જ્જ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(4:01 pm IST)