Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ત્રણ સ્વજનના એક સાથે મોતથી ડોબરીયા - ગજેરા પરિવારમાં કલ્પાંત

બામણબોર પાસે ગોજારૂ ડમ્પર કાર પર ચડી જતાં લેઉવા પટેલ રાજેશ ગજેરાએ નજર સામે જ પત્નિ, બહેન અને ભાણેજડી ગુમાવ્યાઃ નવલનગરના રીટાબેન નિલેષભાઇ ડોબરીયા અને તેની દિકરી ત્રિશા ડોબરીયાની મુળ વતન પડધરીના ખામટા ગામેેથી અંતિમયાત્રા નીકળીઃ નિધીબેન ગજેરાની અંતિયયાત્રા અટીકા પાસેની ન્યુ ગોપવંદનામાંથી નીકળતાં કરૂણ દ્રશ્યો : દેવાબાપાના દર્શન કરીને પરત આવતી વેળાએ ઓવરલોડ ડમ્પર કાર ઉપર ચડી ગયું: ફસાયેલા ૭ સભ્યોને માંડ માંડ બહાર કઢાયાઃ જેમાંથી ત્રણ મૃતદેહો જ નીકળ્યા'તાઃ રાજેશ સાથે આગળની સીટમાં માતા અને પુત્ર બેઠા'તાઃ જ્યારે તેના પત્નિ, બહેન અને બે ભાણેજ પાછલી સીટમાં હતાં: રાજેશ સહિત ૪નો ચમત્કારીક બચાવ

ગોજારો અકસ્માતઃ રેતી ભરેલુ કાળમુખુ ડમ્પર બામણબોર નજીક રાજકોટના લેઉવા પટેલ પરિવારની કાર પર ચડી જતાં નિધીબેન રાજેશભાઇ ગજેરા (ઉ.૩૦), તેના નણંદ રીટાબેન નિલેષભાઇ ડોબરીયા (ઉ.૩૨) અને ભાણેજડી ત્રિશા નિલેષભાઇ ડોબરીયા (ઉ.૭)ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં. તસ્વીરમાં ઘટના સ્થળે ડમ્પર, લોકોનું ટોળુ, બૂકડો થઇ ગયેલી કાર તેમજ ઇન્સેટમાં નિધીબેન, રીટાબેન અને ત્રિશાના ફાઇલ ફોટો તથા ત્રણેય હતભાગીના ફાઇલ ફોટો જોઇ શકાય છે.

રાજકોટ તા.૧: શહેરના નવલનગર-૧૯ સિલ્વર પાર્કના ડોબરીયા પરિવાર અને હરિ ધવા માર્ગ શ્રધ્ધા પાર્ક  પાસેની ન્યુ ગોપવંદના સોસાયટી-૨માં રહેતાં ગજેરા પરિવાર માટે રવિવાર 'કાળો રવિવાર' બની ગયો હતો. ન્યુ ગોપવંદનામાં રહેતાં લેઉવા પટેલ યુવાન રાજેશભાઇ હેમતભાઇ ગજેરા ગઇકાલે માતા, પત્નિ, બહેન, પુત્ર અને ભાણેજ તથા ભાણેજડીને લઇને ચોટીલા પાસે દેવાબાપાના દર્શન કરી પરત આવતાં હતાં ત્યારે બામણબોર નજીક તેની કાર પર પાછળથી રેતી ભરેલુ ડમ્પર ચડી જતાં કારનો બૂકડો બોલી ગયો હતો. જેમાં રાજેશભાઇએ પત્નિ, બહેન અને ભાણેજડીને એક સાથે ગુમાવ્યા હતાં. આ બનાવથી ડોબરીયા અને ગજેરા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. રાજેશભાઇના બહેન રીટાબેન નિલેષભાઇ ડોબરીયા (ઉ.૩૨) અને તેની દિકરી ત્રિશા નિલેાભાઇ ડોબરીયા (ઉ.૭)ની અંતિમયાત્રા આજે સવારે પડધરીના ખામટા ગામેથી નીકળી હતી અને રાજેશભાઇના પત્નિ નિધીબેન ગજેરા (ઉ.૩૦)ની અંતિમયાત્રા ન્યુ ગોપવંદનામાંથી નીકળી હતી. આ વખતે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં.

અમદાવાદ-રાજકોટ હાઇવે પર બામણબોર નજીક રવિવારે બપોરે રેતી ભરેલા નવેનવા ડમ્પરે કાર નં. જીજે૩ડીજી-૯૧૧૪ને ઉલાળતાં કાર ડિવાઇડર પર ચડી ગઇ હતી અને પાછળ ડમ્પર કાર ઉપર ચડી ગયું હતું. કારના પાછળના ભાગનો બૂકડો બોલી જતાં અંદર બેઠેલા રાજેશભાઇ ગજેરા સહિત સાત સભ્યો દબાઇ ગયા હતાં. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને મહામહેનતે ફસાયેલા તમામને બહાર કાઢ્યા હતાં. જેમાં રાજેશભાઇ, તેમના મતા શારદાબેન હેમતભાઇ ગજેરા (ઉ.૫૦), પુત્ર પ્રિયાંજ ગજેરા (ઉ.૪) અને ભાણેજ હેનીલ નિલેષભાઇ ડોબરીયા (ઉ.૬)નો ચમત્કારીક બચાવ થયો હતો.

જ્યારે રાજેશભાઇના પત્નિ નિધી ગજેરા (ઉ.૩૦), બહેન રીટાબેન નિલેષભાઇ ડોબરીયા (ઉ.૩૨) અને ભાણેજ ત્રિશા નિલેષભાઇ ડોબરીયા (ઉ.૭)ને ગંભીર ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ત્રણેયને મૃત જાહેર કરાયા હતાં.

રાજેશભાઇના કહેવા મુજબ રવિવારની રજા હોઇ પોતે માતા-પત્નિ-પુત્ર તેમજ બહેન અને તેના બે બાળકોને લઇ ચોટીલા નજીક દેવાબાપાની જગ્યાએ દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી સાડા ત્રણેક વાગ્યે પરત આવતી વખતે બામણબોર ટોલનાકાથી આગળ પહોંચતા આગળની વેગનઆર કારને ઓવરટેઇક કરવા જતાં તેના ચાલકે અચાનક બ્રેક મારતાં પોતાની કારને પણ બ્રેક મારવી પડી હતી. તે સાથે જ પાછળથી ડમ્પર માથે આવી ગયું હતું અને તેની કાર  ઉપર ચડી ગયું હતું.   

ઘટનાની જાણ થતાં બામણબોરના પીએસઆઇ જે. જે. ચોૈહાણ સહિતનો સ્ટાફ તથા સેવાભાવી લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. કારમાં ફસાયેલા તમામને બહાર કાઢવામાં આવ્યા હતાં. ગંભીર ઇજાગ્રસ્ત નિધીબેન ગજેરા, રીટાબેન ડોબરીયા અને ત્રિશા ડોબરીયાને રાજકોટ સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. પણ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં ડોબરીયા અને ગજેરા  પરિવારોમાં કલ્પાંત સર્જાયો હતો.

કાળનો કોળીયો બનેલા રીટાબેન ઘરે બેઠા સાડીઓ વેંચવાનું કામ કરતાં હતાં. તેના પતિ નિલેષભાઇ મેટોડા ફેકટરીમાં નોકરી કરે છે. સંતાનમાં એક પુત્રી ત્રિશા અને પુત્ર હેનીલ છે. જેમાં માસુમ હેનીલનો બચાવ થયો હતો. નિલેષભાઇ પડધરીના ખામટાના વતની હોઇ આ માતા-પુત્રીની અંતિમવિધી ખામટા ખાતે થઇ હતી. જ્યારે રીટાબેન સાથે મૃત્યુ પામનાર તેણીના ભાભી નિધીબેનને સંતાનમાં એક પુત્ર પ્રિયાંજ (ઉ.૪) છે તેનો પણ બચાવ થયો હતો. તેની અંતિમયાત્રા સવારે ન્યુ ગોપવંદનામાંથી નીકળી હતી ત્યારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. સ્વજનો હીબકે ચડ્યા હતાં.

રીટાબેન બે ભાઇના એકના એક બહેન હતાં

. ભાભી નિધીબેન અને પુત્રી ત્રિશા સાથે કાળનો કોળીયો થઇ ગયેલા રીટાબેન નિલેષભાઇ ડોબરીયા બે ભાઇના એકના એક મોટા બહેન હતાં. રાજેશભાઇ અને કેતનભાઇએ એકના એક બહેન ગુમાવતાં  અરેરાટી વ્યાપી ગઇ હતી.

ડમ્પર ઓવરલોડ હતું? નંબર પણ નથીઃ આજ સવાર સુધી ચાલક-માલિકનો પત્તો મળ્યો નથી

. મૃતકના સ્વજનોએ આક્ષેપ કર્યો હતો કે ડમ્પર નંબર વગરનું હતું અને તેમાં દસ ટન રેતીને બદલે ૩૫-૪૦ ટન રેતી ભરી હતી. આ ઓવરલોડ ડમ્પરનો ચાલક સમયસર બ્રેક લગાવી શકયો નહોતો અને અમારા ત્રણ-ત્રણ સ્વજનનો ભોગ લેવાયો હતો. બીજી તરફ તેનો ભાગી ગયેલો ચાલક કોણ અને ડમ્પરના માલિક કોણ? તે પણ આજ સવાર સુધી બહાર આવ્યું નથી.

સુથાર જ્ઞાતિના નિધીબેને રાજેશ ગજેરા સાથે લવમેરેજ કર્યા'તા

તેણીના માવતર મવડી રામધણ મંદિર પાસે રહે છેઃ પિતાનું નામ દિપકભાઇ વિનોદભાઇ સંચાણીયા

. નણંદ અને ભાણેજડી સાથે કાળનો કોળીયો બનેલા નિધીબેન ગજેરા (ઉ.૩૦) સુથાર જ્ઞાતિના હતાં. તેના પિતા દિપકભાઇ વિનોદભાઇ સંચાણીયા મવડી રામધણ મંદિર પાસે રહે છે. છ વર્ષ પહેલા નિધીબેને રાજેશ હેમંતભાઇ ગજેરા સાથે લવમેરેજ કર્યા હતાં. સંતાનમાં ૪ વર્ષનો પુત્ર હેનિલ છે. જે મા વિહોણો થયો છે. રાજેશભાઇ માર્કેટ યાર્ડમાં અનાજ-કઠોળનો વેપાર કરે છે.

(11:53 am IST)