વિવિધ વિભાગ
News of Monday, 3rd August 2020

સરકારી મહેમાન

કામના સ્થળે ‘વાસ્તુશાસ્ત્ર’ની પૌરાણિક પરંપરા અપનાવશો તો સુખી, અનાદર કરશો તો દુ:ખી

માનો યા ના માનો: વાસ્તુશાસ્ત્રના યોગ્ય પ્રયોજનથી બિઝનેસમાં ઉત્પાદન અને વેચાણ વધે: વાસ્તુશાસ્ત્રનો મૂળ સ્ત્રોત જ્યોતિષશાસ્ત્ર છે જેમાં ગ્રહોનું સ્થાન પણ અગત્યનો ભાગ ભજવે છે : ઓફિસ કે દુકાનમાં દિશા અને કલર પસંદગીનું મહત્વ છે, જગ્યાનું બ્રહ્મસ્થાન હળવું રાખો

કોઇપણ બિઝનેસની સફળતાનો આધાર તેના વાસ્તુ શાસ્ત્રને આધિન છે. વાસ્તુદોષ હશે તો દુકાન, ઓફિસ કે બિઝનેસમાં નુકશાન થવાનું છે પરંતુ જો તેમાંથી વાસ્તુદોષને દૂર કરવામાં આવે તો પ્રગતિની શરૂઆત થાય છે. કહેવાય છે કે દુકાન કે ઓફિસમાં માલિકની કેબિન સૌથી પહેલાં નહીં હોવી જોઇએ. રૂમના બારણાની સામે ટેબલ ન હોવું જોઇએ. દુકાન કે ઓફિસની દિવાલો પર ઘેરા રંગનો ઉપયોગ કરવો ન જોઇએ. સફેદ, ક્રીમ કે પીળા રંગનો ઉપયોગ કરવાથી નેગેટીવ એનર્જી ખતમ થાય છે અને પોઝિટીવિટી વધે છે. કોમ્પ્યુટર કે વીજળીથી ચાલતી મશીનરી આગ્નેય (દક્ષિણ-પશ્ચિમ) કોણમાં રાખવી જોઇએ. વાસ્તુ પ્રમાણે એક ટેબલ પર એક થી વધુ વ્યક્તિ બેસવી ન જોઇએ, કારણ કે એક બીજા પર નેગેટીવ પ્રભાવ પડે છે. ઓફિસ અને દુકાનમાં ઉત્તર-પૂર્વ દિશામાં કાચ લગાડવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે. ઇશાન કોણ એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં પાણીની વ્યવસ્થા અને મંદિરની સ્થાપના લાભદાયી છે. ઓફિસ કે દુકાનના પૂર્વ ભાગમાં લાકડાનું ફર્નિચર વેપારની વૃદ્ધિ કરાવે છે. વાસ્તુશાસ્ત્રમાં એવું પણ કહેવાય છે કે ઓફિસ કે દુકાનના મુખ્ય દરવાજાની પાસે લાલ તેમજ સિંદૂરી કલરથી ઓમ નું ચિન્હ બનાવવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. બ્લૂ કલર ભગવાન શિવને પ્યારો છે તેથી કામના સ્થળે ઉત્તર દિસામાં બ્લુ રંગના તાજા ફૂલો હોવા જોઇએ.

પૌરાણિક વારસાનો આજે પુન:જન્મ થયો છે...

છેલ્લા બે દસકામાં વિવિધ ઉદ્યોગ ક્ષેત્રે ગળાકાપ હરિફાઇનું પ્રમાણ વધતાં તેની સાથે ખોટનું પ્રમાણ પણ વધતાં ભારતના પૌરાણિક વારસા સમાન વાસ્તુશાસ્ત્રનું મહત્વ હજારો વર્ષો બાદ ફરી સમજાતાં તેનો પુન:જન્મ થયો છે.” – આંધ્રપ્રદેશના જાણીતા વાસ્તુશાસ્ત્રી ડો. રવિ રાજનું આ વિધાન છે. તેઓ કહે છે કે ધંધા અને વ્યવસાય ક્ષેત્રે ઔદ્યોગિક વાસ્તુશાસ્ત્ર ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. મહાભારતના સમયમાં વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરીને પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું હતું, ત્યાર પછીના અકબરના સમય સુધી વાસ્તુશાસ્ત્ર જીવંત હતું પરંતુ અંગ્રેજોના શાસન દરમ્યાન તે લોપ થઇ ગયું હતું, આજે ફરીથી ચીનના ફ્રેંગ શૂઇની જેમ વાસ્તુશાસ્ત્ર લાઇમ લાઇટમાં આવ્યું છે.

નસીબ ખરાબ નહીં, કુદરતના નિયમની વિરૂદ્ધ છો...

વાસ્તુશાસ્ત્રના મૂળ તત્વો કોઇપણ જગ્યાએ હવા, પાણી, દિશા, લેવલ અને તરંગો હોય છે. ખરેખર તો વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટીએ યોગ્ય જગ્યાએ યોગ્ય વસ્તુઓની ગોઠવણી જરૂરી છે. એક જ ક્ષેત્રમાં એક વ્યક્તિને જબરદસ્ત સફળતા મળે છે અને બીજા વ્યક્તિને નિષ્ફળતા મળે છે. આ બન્નેની મહેનત સરખી હોય છે પરંતુ આવું કેમ થાય છે?... આ સ્થિતિને લોકો નસીબ સાથે સરખાવે છે પરંતુ હકીકતમાં એવું નથી. કોઇનું નસીબ ખરાબ હોતું નથી. વાસ્તુની ડિઝાઇન ખોટી હોય છે અથવા નિષ્ફળતા જેને મળી છે તે વ્યક્તિ કુદરતના નિયમોની વિરૂદ્ધ જઇને બિઝનેસ કરે છે.

જ્યાં મન ઠરે, વાઇબ્રેશન આવે તે જગ્યા ઉત્તમ...

વાસ્તુશાસ્ત્રનો મૂળ સ્ત્રોત જ્યોતિષશાસ્ત્ર છે જેમાં ગ્રહોનું સ્થાન પણ ભાગ ભજવે છે. દરેક પ્લોટ કે જગ્યાના પોતાના વાઇબ્રેશન અલગ અલગ છે. પહેલી નજરે કેટલાક તરંગો ગમે છે, તો ગમતા નથી. ઉચાટ અનુભવાય છે. ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરની રચના એવી છે કે જ્યાં મનની શાંતિ, શરીરની સ્ફ્રૂર્તિ અને દુખોને ભૂલવાની શક્તિ મળે છે. પૃથ્વીની આજુબાજુનું ચૂંબકીય પરિબળ પણ વાસ્તુશાસ્ત્ર ઉપર અસર કરે છે. એવી જ રીતે જગ્યા પ્રમાણે ઉદ્યોગ જૂથના સ્ટાફનો યુનિફોર્મ અને વિવિધ નંબરો પણ ભાગ ભજવે છે. ઓફિસની કેબિનના નંબરો પણ જગ્યા જોઇને નક્કી થાય છે. એક થી નવ સુધીના નંબરો નવ ગ્રહ પરથી નક્કી થયાં છે. કોઇપણ આર્કિટેક્ટ ગમે તેટલી ભવ્ય ડિઝાઇન બનાવે પરંતુ વાસ્તુશાસ્ત્રની અવગણના કરી હશે તો તે ફેક્ટરી કે ઉદ્યોગ નિષ્ફળ જવાની સંભાવના વધી જાય છે.

ઉદ્યોગનો પ્લોટ કેવો અને ક્યાં હોવો જોઇએ...

ડો. રાવ માને છે કે કોઇપણ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નદીના પટ પાસે, સ્મશાન કે કબ્રસ્તાનની ઉપર કે તેની નજીક કે પર્વતની તળેટીમાં હોવો જોઇએ નહીં. આ ઉપરાંત જો પ્લોટ ફેક્ટરી કે ઓફિસની અંદર મંદિર બનાવીને ભગવાનની સ્થાપના કરવી હોય તો તેની દિશા દક્ષિણ-પશ્ચિમ ન હોવી જોઇએ. વાસ્તુ માત્ર પરિણામ આપે છે પરંતુ સમૃદ્ધિ માટે મહેનત કરવી પડે છે. જો પ્લોટ ચોરસ હોય તો તેના 70 પોઇન્ટ અને લંબચોરસ હોય તો તેના 30 પોઇન્ટ ગણવા જોઇએ. જો પ્લોટની બાજુમાં એક રસ્તો પસાર થતો હોય તો તેના 50 ગણાય છે. બે રસ્તા પસાર થતાં હોય તો 45 પોઇન્ટ, ત્રણ રસ્તા પસાર થતાં હોય તો 60 પોઇન્ટ અને ચાર રસ્તા પસાર થતાં હોય તો 70 પોઇન્ટ ગણવા જોઇએ. વળી જો પ્લોટનું લેવલ અંદરથી સમાંતર હોય તો તેના 70 પોઇન્ટ, ઉંચું નીચું હોય તો 40 પોઇન્ટ અને વચ્ચેથી ઉંચુ હોય તો 20 પોઇન્ટ ગણી શકાય છે.

પ્લોટના દરવાજા કેટલા અને ક્યાં હોવા જોઇએ...

જો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ કે ફેક્ટરીનો મુખ્ય દરવાજો તેના સેન્ટરથી દક્ષિણ તરફ હોય તો તેના 20 પોઇન્ટ, પશ્ચમ તરફ હોય તો 25 પોઇન્ટ, પૂર્વ તરફ હોય તો 40 પોઇન્ટ અને ઉત્તર તરફ હોય તો 60 પોઇન્ટ ગણાય છે. એવી જ રીતે પ્લોટનો એક જ દરવાજો ગોય તો 30 પોઇન્ટ, બે દરવાજા હોય તો 40 પોઇન્ટ, ત્રણ દરવાજા હોય તો 50 પોઇન્ટ અને ચાર દરવાજા હોય તો 60 પોઇન્ટ ગણાય છે. જો ફેક્ટરી કે પ્લોટના મુખ્ય દરવાજા પાસે ડેડ એન્ડ એટલે કે મુખ્ય રસ્તો પુરો થતો હોય તો તે ઉદ્યોગ પ્રગતિ કરી શકતો નથી અને તેનું આયુષ્ય 14 વર્ષનું હોય છે. આવી સ્થિતિમાં માઇનસ પોઇન્ટ આપવા પડે છે.

કુલ પોઇન્ટનો સરવાળો 100થી વધવો જોઇએ...

આ પ્રકારના તમામ ધોરણો પ્રમાણે જેમના કુલ પોઇન્ટનો સરવાળો 100થી ઓછો થતો હોય તો તેમને વર્ષના છ મહિના બિન ઉત્પાદક અને કાનૂની પ્રવૃત્તિઓમાં જ ગાળવા પડે છે. એટલે કે તેમનો બિઝનેસ વર્ષના છ મહિના સુધી ચાલી શકે છે. આ પ્લોટધારક કે ફેક્ટરી ધારકનું ઉત્પાદન અને વેચાણ ઓછુ હોય છે, જ્યારે લેબર અને મેનેજમેન્ટના પ્રશ્નો વધારે આવે છે. નફાનું ધોરણ ઓછું હોય છે અને ચોરીની ઘટનાઓ બને છે. બજારમાંથી ફેંકાઇ જવાનું શરૂ થાય છે. કોઇ પ્લોટ કે ફેક્ટરી ધારકના 100 પોઇન્ટ કે તેથી વધુ પોઇન્ટ હોય તો જેટલા પોઇન્ટ વધે તેટલી તેની પ્રગતિ થાય છે. આ એક અનુભવસિદ્ધ માન્યતા છે.

વિદેશની કંપનીઓ વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરે છે...

ભારતમાં વિદેશની એવી કેટલીક કંપનીઓ છે કે જેમણે તેમના પોતાના વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરીને તેમના પ્લોટ કે ફેક્ટરીની ડિઝાઇન બનાવી છે અને તે કંપનીઓના સંચાલકો સફળ થયાં છે. સેમસંગ અને એલજી તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. વાસ્તુશાસ્ત્રના યોગ્ય પ્રયોજનથી ઉત્પાદન અને વેચાણ વધે છે. કેશ ફ્લો વધે છે અને દેવું ઓછું થાય છે. ગ્રાહક અને સપ્લાયર સાથે સબંધો સુમેળભર્યા રહે છે. કંપનીનો સર્વાંગી વિકાસ થાય છે. આજના કોર્પોરેટ વાતાવરણમાં માત્ર ડિઝાઇન અને પર્યાવરણ જ નહીં, અંકગણિત તેમજ જ્યોતિષશાસ્ત્ર પ્રેરિત વાસ્તુશાસ્ત્ર પણ એટલું જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્રએ યોગ્ય તકને ખેંચી લાવવાનો વૈજ્ઞાનિક અભિગમ છે, જે અંધશ્રદ્ધા નથી. કંપનીનો લોગો એ તેની સૌ પ્રથમ છાપ છે. આ લોકો પણ કંપનીની જગ્યા જોઇને ડિઝાઇન કરવો જોઇએ.

દુકાન-ઓફિસ માટે ટીપ્સ, જે ફાયદો કરાવશે...

દુકાન કે ઓફિસની અંદર વોર્મ વ્હાઇટ લાઇટ હોવી જોઇએ. મીઠાના પાણીના પોતાં કરવા જોઇએ. દક્ષિણ ભાજપમાં વાયોલેટ કલકનો બલ્બ 24 કલાક ચાલુ રાખો. દુકાન કે ઓફિસમાં તૂટી ગયેલી કે જૂની વસ્તુઓ દૂર કરો. હળવું સંગીત ચાલુ રાખો. પ્રત્યેક સભ્યએ દાખલ થતી વખતે પહેલાં જમણો પર મૂકવો જોઇએ. દુકાન કે ઓફિસમાં વોશરૂમ પૂર્વ કે ઉત્તર દિશામાં હશે તો બેન્ક લોનનો ભાર સહન કરવો પડશે. બ્રહ્મસ્થાનમાં જો ભારે વજનદાર વસ્તુ મૂકી હશે તો દેવું થવાની સંભાવના છે. દુકાન કે ઓફિસના માલિકે હંમેશા લાકડાની ખુરશી પર બેસવું જોઇએ, જો ખુરશી લોખંડ કે પાઇપની હોય તો વચ્ચે લાકડાનું પાટીયું રાખવું શુભ ગણાશે. ઓફિસનો કચરો મુખ્ય દરવાજા સામે એકઠો કરવો ન જોઇએ. ઓફિસનો મધ્યભાગ ખાલી રાખવો જોઇએ. નાનકડાં ઇન્ડોર ગાર્ડનનું પણ નિર્માણ થઇ શકે છે. ઘડિયાળ ક્યારેય બંધ પડેલી ન હોવી જોઇએ.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:24 am IST)