વિવિધ વિભાગ
News of Thursday, 6th August 2020

શ્રાવણ સત્સંગ

દરેક જીવમાં શિવના દર્શન કર

એક નાનકડા ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો ખુબ દયાળુ અને ઉદાર હતો. તેણે ખુબ તપ કર્યું હતું.

એકવાર શિવરાત્રીનું મહાપર્વ હતું. આમ તો આ બ્રાહ્મણ દરરોજ રૂદ્રાભિષેક કરતો હતો. પરંતુ શિવરાત્રીના દિને તેણે ત્રિકાળ રૂદ્રાભિષેક કર્યો અને પૂર્ણ શ્રદ્ધા ભકિત સાથે ભોળાનાથ મહાદેવજીનું ધ્યાન ધર્યું તે રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ત્રણ વાગ્યા સુધી ભોળાનાથના ધ્યાનમાં મગ્ન રહ્યો.

ત્યાર પછી તેને ગાઢ નિંદ્રા આવી ગઇ તે યોગ નિન્દ્રામાં સરી પડયો, ધ્યાનના અભ્યાસથી જયારે ચિત્ત શુદ્ધિ થઇ, જાય છે. ત્યાર પછી માનવીનું સુવુ જાગવુ, એ બધું જ ધ્યાન બની જાય છે.

તેના દરેક શ્વાસે આપોઆપ જ અપનીજપ થવા લાગે છે.

યોગનિંદ્રાની અવસ્થામાં બ્રાહ્મણે એક દિવ્ય સ્વપ્ન જોયુ. તેણે જોયુ કે મહાદેવજી જાણે તેને કહી રહ્યા છે. કે હે ! ભકત ! તારી ભકિતથી હું અત્યંત પ્રસન્ન છું બોલ તારે શું જોઇએ છે ?

મહાદેવજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરી બ્રાહ્મણને અત્યંત પ્રસન્નતા થઇ તેના નેત્રોમાંથી પે્રમાશ્રુની ધારા વહેવા લાગી આ ધારાથી તેણે મહાદેવજીના ચરણ ધોયા અને પ્રણામ કરતા કહ્યું કે, હે ભોળાનાથ આપે મને આપના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા એનાથી વધુ બીજું શું હોઇ શકે ? હું તો એટલું જ ઇચ્છુછુ આ સંસારમાં રહીને કદાપી આપને ભલુ નહી.

સંસારની કોઇપણ વસ્તુ મને આકર્ષી શકે નહીં. હું આપના ચરણોનો હંમેશા દાસ બની રહું એવા આશિષ આપો.

ભોળાનાથ ભકતના ભોળપણને જોઇને ખુબ પ્રસન્ન થયા તેમણે કહ્યું તું મારી સેવા કરવા ઇચ્છતો હો તો લોકકલ્યાણનું કામ કર...! દરેક જીવમાં શિવના દર્શન કર. જીવસેવા એ જ શિવસેવા છે. આ સત્યને હંમેશા યાદ રાખજે.

તારા જ્ઞાન દ્વારા લોકો સત્યના માર્ગે ચાલે એવી પ્રેરણા આપજે આટલું કહી ભોળાનાથ તો અંતદર્યાન થઇ ગયા...! અને બ્રાહ્મણની આંખ ખુલી ગઇ, સવારે તેણે પોતાની પત્નીને આ વાત જણાવી બંને ખુબ રાજી થયા.

બીજે દિવસે બંને ભગવાન સોમનાથદાદાના દર્શન અર્થે નીકળ્યા ત્યાં પહોંચી જયોર્તિલીંગ સ્વરૂપના દર્શન કર્યા અને એ સાથે સંકલ્પ કર્યો કે, આજથી જ સમાજમાં સત્પ્રવૃતિ વધારવા ખરાબ પ્રવૃતિઓનો નાશ કરવા લોકોની પીડા દુર કરવા અને જનજાગરણની શરૂઆત કરીશું.

સમય જતા આ બ્રાહ્મણને ત્યાં એક પુત્ર અને એક પુત્રી થયા બંને ખૂબ સંસ્કારવાન હતા માતા-પિતા તરફથી સંસ્કાર વારસામાં મળ્યા હતા નિત્ય, જપ, તપ, ધ્યાન, સત્સંગ, પુજા, વગેરેને લીધે તેમનું ઘર તો એક મંદિર સમું બની ગયું.

તેમની પ્રેરણાથી ગામના ઘરેઘરમાં યજ્ઞ, જપ, ધ્યાન, પુજા, વગેરે થવા લાગ્યા એનાથી સમગ્ર ગામનું વાતાવરણ દિવ્ય અને અલૌકિક બની ગયું. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા જીવ સેવા કરીએ.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:41 am IST)