વિવિધ વિભાગ
News of Tuesday, 4th August 2020

શ્રાવણ સત્સંગ

હિમાલયમાં બિરાજતાં દેવોના ખોળે જવાનો લહાવો

ખળખળ વહેતા ઝરણાનાં કલનાદ અને ઉછળતી કુદરતી પર્વતીય નદીઓમાં સ્નાનનો આસ્વાદ મેળવી કુદરતની કૃતકૃત્યતાનો અનુભવ કરી શકાય છે.

હિમાલયમાં બીરાજતા દેવોના ખોળે જવાનો અને સાક્ષાત ઇશ્વરની પ્રાપ્તિ જેવો આનંદ અને સંતોષ મેળવવો એ એક લહાવો છે.

ઠંડીની સીઝન એટલે કે હિમાલયના પર્વતોમાં જવું અને બરફ વર્ષાનો નઝારો નિહાળવો હિમ શિખર જોવા અને કડકડતી ઠંડીનો અનુભવ પર્વતોને શરણે જવાથી મળે છે.

એમ કહેવાય છે કે, વિશ્વનું ઉંચામાં ઉંચુ ભોળાનાથ મહાદેવજીનું મંદિર તુંગેશ્વર મહાદેવજીનું છે. પ્રાચિન તુંગનાથ મંદિર ૩પ૦૦ ફીટની ઉંચાઇ પર આવેલું છે.

રૂદ્રપ્રયાગ જિલ્લામાં તુંગનાથ પર્વત માળામાં સ્થિત આ મંદિરે પહોંચવા માટે થોડા ઢાળ ચડવા પડે પગથીયા ચડવા પડે. પ્રમાણમાં બહુ કપરી નહી પણ સરળ ચઢાણ હોવા છતાં ત્રણ ચાર કલાકે આ મંદિરના શિખર પરની ધજાના દર્શન થાય છે.

પાંડવોની દંત કથા સાથે જોડાયેલ આ મંદિર વ્યાસમુનિની સલાહ અનુસાર અર્જુને આ કેદાર બનાવ્યા હોવાનું મનાય છે.

મુખ્ય કેદારથી નીકળતી મંદાકિની અને બદરીનાથથી નીકળતી અલકનંદા નદીઓની ખીણ છે. અહીં ત્રણ ઝરણા ભેગા થઇ અક્ષ કામીની નદી આજ શિખર પરથી પહે છે.

તુંગનાથથી પણ ઉંચે બે કિ.મી. દૂર ચંદ્રશિલા શીખર છે. જયાંથી આ સમગ્ર પર્વતીય પ્રદેશ અને ખીણોનો નઝારો જોવા મળે છે.

તુંગનાથના પ્રવેશ દ્વારે જ સિંહ શિર્ષ જોવા મળે છે. એમ કહેવાય છે કે અહીં રાવણે તપ કરીને પોતાનો શિરચ્છેદ કરેલો અને તાંડવનૃત્ય કર્યુ હતું. આ સ્થળ ભગવાન શ્રી રામચંદ્રજીને પસંદ હતું. ચંદ્રશીલા પર કેટલોક સમય તેમણે ધ્યાન ધર્યુ હતુ તેવી લોકવાયકા છે.

આ રાજશિખર સુધી ચોપતાથી બારેય માસ ટ્રેકીંગ કરી શકાય છે. અને આ પ્રદેશમાં ઋતુ અનુસાર કુદરતી સૌંદર્યને મનભરીને માણી શકાય છે.

પર્વત પર દરેક વળાંક પર કુદરતી નઝારો નિહાળવો એક અનેરો લહાવો છે. અહીંથી નંદા દેવી પંચકુલી, બંદર પુછ કેદારનાથ, ચૌખંબા નિલકંઠ પર્વત શિખર દેખાય છે. ગઢવાલની ખીણ આંખ ઠારે છે ચારેય કોર આલ્પાઇન વૃક્ષો અને લીલાછમ ખેતરો જોવા મળે છે.

મોટર માર્ગે શ્રી બદરીનાથ માર્ગ પર ચોપતાથી ત્રણ કિ. મી. દુર સમુદ્ર તળથી બાર હજાર ફીટની ઉંચાઇએ તૃતીય કેદાર શ્રી તુંગનાથજી બિરાજમાન છે. હજારો વર્ષ પુરાણુ આ મંદિર છે, અને તે મહાભારતના પહેલાનું હોવાનું મનાય છે.

હરિદ્વારથી ચોપતા ૧૮૮ કિ. મી. દુર છે. જે સમુદ્રથી આઠ હજાર ફીટ ઉચું છે.

પંચકેદારમાં પ્રથમ મુખ્ય કેદારનાથ, જયાં મહિષી (ભેંસ)ની પીઠ છે.

દ્વિતીય મધ્ય મહેશ્વર કેદારમાં તેના પેટ અને નાભી છે. તૃતીય કેદાર તુંગનાથમાં બાહુ છે ચતુર્થ કેદાર રૂદ્રનાથ ગોંપેશ્વરમાં છે. જયાં એમનાં રૂદ્ર એટલે કે ચક્ષુ છે.

પંચમ  કેદાર કલ્પેશ્વર છે. જયાં કલ્પ એટલે કે જટાનું મહાત્મ્પ છે. આ તમામ મંદિરોમાં ગજબનું સામ્ય છે. દરેક પ્રાચિન મંદિર છે. સ્થાપત્ય મઠની બાંધણી  જેવું છે. વળી પાંચેય કેદાર મંદિરના કપાટ બંધ થયા પછી તેમની પાલખી શિયાળો ગાળવા જાય છે. તે મંદિરોની રચના પણ ઉતરા ખંડના ખાસ નોંધાયેલા મંદિરોના સ્થાપત્યની આભા છે. જે ઓળખ બની રહે છે. મંદિર શિખર જેવો આકાર ધરાવે છે તેના શિખરે ચારે કોર ચાર - છ થાંભલા, ઉપર કમાન અને ઝાલર જોવા મળે છે. અસલ ચોરસ ઝરૂખો લાગે અને તેની ઉપર પાંચ કુંભ કળશ શોભે છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:06 am IST)