વિવિધ વિભાગ
News of Monday, 22nd June 2020

સરકારી મહેમાન

ગુજરાતમાં કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે કે જેનો કાર્યકર પ્રત્યેક ગામમાં આજે મોજૂદ છે!

કોંગ્રેસ ગુજરાતનો તો ઉદ્ધાર કરી શકી નહીં પરંતુ હવે ખુદ પાર્ટી “નવસર્જન” માગી રહી છે : ફાયરબ્રાન્ડ નેતાઓની ખોટ પુરવા પાર્ટીએ ચૂંટણી પહેલાં 10 હાર્દિક પટેલ ઉભા કરવા જોઇએ : નરેન્દ્ર મોદી કે શંકરસિંહ જેવા ફાયરબ્રાન્ડ લિડર નહીં હોય તો કોંગ્રેસની 2022માં પણ એક્ઝિટ

ગુજરાતમાં કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે કે જેની પાસે રાજ્યના પ્રત્યેક ગામમાં કાર્યકર મોજૂદ છે. વર્ષો જૂની પાર્ટી હોવાથી આજે પણ કોંગ્રેસને કાર્યકરોની ખોટ વર્તાય તેમ નથી પરંતુ આ કાર્યકરોને ચાર્જ કરી શકે તેવા નેતાઓ પાર્ટી પાસે રહ્યાં નથી. ગાંધી પરિવારનો કોઇ રાષ્ટ્રીય નેતા ગુજરાતના કોઇપણ ગામમાં જાય તો ખાદીધારી નેતાઓના ટોળાં આજેપણ એકત્ર થઇ જાય છે. પાર્ટી પાસે કાર્યકરોની ફોજ છે પરંતુ નેતાઓનો અભાવ છે. જે ફાયરબ્રાન્ડ નેતાઓ હતા તે ભાજપમાં જોડાઇ ગયા છે અને નવા નેતાઓ ઉભા થઇ શક્યાં નથી. 1995 થી 2020 સુધીના 25 વર્ષમાં કોંગ્રેસના 1000 થી પણ વધુ નેતાઓ સત્તા માટે ભાજપના ખોળામાં બેસી ચૂક્યાં છે. બીજી તરફ ગુજરાતમાં ઓરીજનલ ભાજપ રહ્યું નથી. ભાજપ અને કોંગ્રેસનું મિશ્રણ થઇને એક નવી પાર્ટીનો જન્મ થયો છે. પ્રત્યેક ચૂંટણી પહેલાં કોંગ્રેસના જીતી શકે તેવા નેતાઓ ભાજપની ટિકીટ પર ચૂંટણી લડ્યાં છે. આવા સંજોગોમાં કોંગ્રેસ ઘસાતી ગઇ છે. નેતાઓ તો ગયા પણ પાર્ટીનું હાઇકમાન્ડ નવા નેતા પેદા કરી શક્યું નથી, પરિણામ એ આવ્યું કે આજે ગુજરાત કોંગ્રેસ પાસે ચીફ મિનિસ્ટરનો એકપણ કેન્ડીડેટ રહ્યો નથી. રાજ્યમાં બે વર્ષ પછી એટલે કે 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જો પાર્ટી અત્યારથી જ નેતાની શોધ નહીં કરે તો આવનારો બીજો દસકો ભાજપનો જ છે...

પ્રદેશ કોંગ્રેસ પાસે ફાયરબ્રાન્ડ નેતાઓ રહ્યાં નથી...

કોંગ્રેસ પાસે હજારો લોકોને રેલીમાં એકત્ર કરી શકે અને મંત્રમુગ્ધ કરી શકે તેવા નેતા માધવસિંહ સોલંકી હતા. આદિવાસીઓ જ નહીં રાજ્યનો પ્રત્યેક નાગરિક ઓળખી શકે તેવા અમરસિંહ ચૌધરી કોંગ્રેસ પાસે હતા. રાજકારણના અઠંગ ખેલાડી કહી શકાય તેવા ચીમનભાઇ પટેલ કોંગ્રેસનું મજબૂત નેતૃત્વ હતું. પ્રબોધ રાવળ, મનોહરસિંહ જાડેજા, બીકે ગઢવી ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની તોફાની ટોળી કહી શકાય તેવા ફાયરબ્રાન્ડ ધારાસભ્યો પાર્ટી પાસે હતા જેઓ ભાજપના શાસનમાં વિધાનસભા ગજવતા હતા. ગુજરાતમાં કોંગ્રેસ 27 વર્ષથી વિપક્ષપદે છે છતાં પાર્ટી મજબૂત વિપક્ષી નેતા આપી શકી નથી. એકમાત્ર અમરસિંહ ચૌધરી વિપક્ષના નેતા હતા ત્યારે સરકારના કોઇપણ ઉચ્ચ અધિકારીને તેમની ચેમ્બરમાં બોલાવી ધમકાવી શકતા હતા, જો કે તેમના પછીના પ્રત્યેક વિપક્ષી નેતા ઉચ્ચ અધિકારીઓને સાહેબ’ નામથી વિનંતી કરતા જોવા મળ્યાં છે. વિપક્ષનું પદ કેબિનેટ મંત્રીનો દરજ્જો ધરાવે છે તેમ છતાં વિપક્ષી નેતા આ દરજ્જાને ન્યાય આપી શક્યા નથી તે પાર્ટીની સૌથી મોટી કરૂણતા છે.

જૂથબંધી ના હોત તો આજે કોંગ્રેસની સરકાર હોત...

ગુજરાતમાં 2017માં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસનું સૂત્ર નવસર્જન ગુજરાત...હતું. આ સૂત્રના જોરે પાર્ટી ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરાવવા માગતી હતી પરંતુ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ચૂંટણી પહેલાં પાર્ટી છોડી દેતાં કોંગ્રેસ સત્તામાં આવી શકી નહીં. કોંગ્રેસને 15 ધારાસભ્યો ઓછા પડ્યા હતા, પરિણામે બહુમતથી માત્ર 7 ધારાસભ્યો વધુ હોવાથી ભાજપ ફરી સત્તામાં આવી ગઇ હતી. કોંગ્રેસના નસીબ ફૂટેલા છે. કરમની કઠણાઇ એવી છે કે ચૂંટણીના દિવસોમાં જ પાર્ટીના સત્તાવાર ઉમેદવારોની સામે બગાવત અને અસંતોષ શરૂ થતાં કોંગ્રેસે 22 એવી બેઠકો ગુમાવી હતી કે જેનાથી તેને સત્તા મળી શકવાની હતી. નેતાઓ વચ્ચેની જૂથબંધી અને અરાજકતાએ પાર્ટીને ગુજરાતમાં ડૂબાડી છે. હાઇકમાન્ડ તરફથી કોઇ પગલાં નહીં લેવાતાં સત્તા માટે હવાતિયાં મારતાં ઓરિજનલ કોંગ્રેસના સિનિયર નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યાં છે. એવું કહેવાતું હતું કે કોંગ્રેસ તો મહાસાગર છે જેમાં કોઇપણ આવી શકે છે. કોંગ્રેસમાં છેલ્લે જનતાદળ (ગુજરાત) અને તે પછી રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા)ના નેતાઓ જોડાયા હતા પરંતુ અસલ કોંગ્રેસે તેમને દિલથી સમાવ્યા નહીં હોવાથી એક પછી એક નોન કોંગ્રેસી નેતાઓએ મોકો મળ્યો ત્યારે કોંગ્રેસનો ત્યાગ કર્યો છે. આજેપણ કોંગ્રેસમાં અનેક જૂથ અસ્તિત્વ ધરાવે છે જે ચૂંટણી સમયે સક્રિય થઇને પાર્ટીની અંદરના વિરોધી જૂથના ઉમેદવારોને હરાવવા માટે ભાજપ પાસેથી રૂપિયા લઇને મેદાને પડે છે.

કોંગ્રેસનો ઇતિહાસ બે ભાગમાં વહેંચાયેલો છે...

ભારતમાં કોંગ્રેસની સ્થાપના 1985માં થઇ હતી. એશિયા અને આફ્રિકામાં બ્રિટીશ સામ્રાજ્યમાં ઉદ્દભવનાર પ્રથમ આધુનિક રાષ્ટ્રવાદી ચળવળ હતી. 19મી સદીના ઉત્તરાર્ધમાં અને ખાસ કરીને 1920 પછી મહાત્મા ગાંધીના નેતૃત્વમાં તેનો જન્મ થયો હતો. એક સમયે કોંગ્રેસના સાત મિલિયન સહભાગીઓ હતા. કોંગ્રેસે ભારતને ગ્રેટ બ્રિટનથી સ્વતંત્રતા આપી હતી. એવું કહેવાય છે કે કોંગ્રેસ એક બિન સાંપ્રદાયિક પક્ષ છે જેનો સામાજીક ઉદારમતવાદી મંત સામાન્ય રીતે ભારતીય રાજકારણના કેન્દ્રથી ડાબેરી ગણવામાં આવે છે. કોંગ્રેસની સામાજીક નીતિ સર્વોદયના ગાંધીવાદી સિદ્ધાંત પર આધારિત છે. ભારતની સ્વતંત્રતા પછી 1947માં કોંગ્રેસે ભારતની કેન્દ્ર સરકાર અને ક્ષેત્રીય રાજ્ય સરકારો બનાવ્યા. કોંગ્રેસ ભારતની પ્રબળ રાજકીય પાર્ટી બની હતી. સામાન્ય રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ઇતિહાસ બે અલગ અલગ યુગમાં વિભાજીત થાય છે. એક તો આઝાદી પહેલાંનો યુગ જ્યારે કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ ભારતમાં આઝાદીની ચળવળમાં સૌથી મોખરે તેમજ લોક જાગૃતિ માટેનું એક સાધન હતી. બીજું આઝાદી પછીનો યુગ જ્યારે કોંગ્રેસે પાર્ટી ભારતના રાજકારણમાં અગ્રણી સ્થાન ભોગવ્યું હતું. આઝાદી પછીના વર્ષોમાં કોંગ્રેસે 48 વર્ષ શાસન કર્યું છે.

ગાંધી અને સરદાર પણ પ્રમુખ રહી ચૂક્યાં છે...

1885માં એઓ હ્યુમ દ્વારા કોંગ્રેસની સ્થાપના થઇ ત્યારથી 60 લોકોએ કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપી છે. સૌ પ્રથમ વ્યોમેશચંદ્ર બેનર્જીએ 1885માં 28મી ડિસેમ્બર થી 31મી ડિસેમ્બર સુધી બોમ્બે ખાતે યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ સત્રની અધ્યક્ષતા કરી હતી. ભારતની સ્વતંત્રતા સમયે કોંગ્રેસના અધ્યક્ષ જેબી ક્રિપાલા હતા. એન્ની બેસન્ટ કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ રહ્યાં હતા જ્યારે સરોજિની નાયડુ કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ રહ્યાં છે, જ્યારે સોનિયા ગાંધી સૌથી લાંબો સમય પ્રમુખપદે રહ્યાં છે. નહેરૂ-ગાંધી પરિવારના છ સભ્યો કોંગ્રેસનો હોદ્દો સંભાળી ચૂક્યાં છે. કોંગ્રેસના અધ્યક્ષનું પદ ગોપાલકૃષ્ણ ગોખલે, દાદાભાઇ નવરોજી, રાસબિહારી ઘોષ, મદનમોહન માલવિયા, લાલા લજપતરાય, દેશબંધુ ચિતરંજન દાસ, મહાત્મા ગાંધી, અબ્દુલ કલામ આઝાદ, મોતીલાલ નહેરૂ, જવાહરલાલ નહેરૂ, વલ્લભભાઇ પટેલ, સુભાષચંત્ર બોઝ, ઇન્દિરા ગાંધી, રાજીવગાંધી અને રાહુલ ગાંધીએ સંભાળ્યું છે. સોનિયા ગાંધી સૌ પ્રથમ 1998માં કોંગ્રેસના અધ્યક્ષ બન્યાં હતા.

ગુજરાત કોંગ્રેસનો પણ એક ઇતિહાસ રહ્યો છે...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિની રચના 1920માં થઇ હતી. એ સમયે પ્રથમ પ્રમુખ બનવાનું ગૌરવ સરદાર વલ્લભભાઇ પટેલને મળ્યું હતું. તેમના પછી 1969માં કાન્તિલાલ ધિયા પ્રથમ પ્રદેશ પ્રમુખ બન્યાં હતા. એ સમયે કોંગ્રેસનું કાર્યાલય અમદાવાદમાં ખમાસા વિસ્તારમાં હતું. 1971માં કોંગ્રેસનું કાર્યાલય શાહપુરમાં અને ત્યારપછી હવાવાલા બ્લોક, આશ્રમરોડ પર શિફ્ટ થયું હતું. 1977માં પક્ષનું કાર્યાલય ખાનપુર અને છેલ્લે વિક્રમ ચેમ્બર્સ, આશ્રમરોડ પર હતું. છેવટે કોંગ્રેસનું કાર્યાલય વીએસ હોસ્પિટલ પાસે લઇ જવામાં આવ્યું હતું, જેનું 2006માં રિનોવેશન કરીને રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે રાજીવ ગાંધી ભવન બનાવી દીધું છે. કોંગ્રેસના પ્રમુખ તરીકે અહમદ પટેલે પણ સેવાઓ આપી છે. કોંગ્રેસમાં પ્રબોધ રાવળ બે વખત પ્રદેશ પ્રમુખ બની ચૂક્યાં છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદે રહી ચૂકેલા હિતેન્દ્ર દેસાઇ, માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી પણ બન્યાં હતા. કોંગ્રેસમાં બે વખત પ્રદેશ પ્રમુખ બન્યા હોય તેવા નેતાઓમાં પ્રબોધ રાવળ, માધવસિંહ સોલંકી અને ભરતસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.

ડો. જીવરાજ મહેતા થી છબીલદાસ મહેતા...

1લી મે 1960માં જ્યારે ગુજરાતની રચના થઇ હતી ત્યારે કોંગ્રેસના પ્રથમ મુખ્યમંત્રી પદે ડો. જીવરાજ મહેતા નિયુક્ત થયા હતા. તેમણે 1238 દિવસ સુધી શાસન કર્યું હતું. તેમના પછી આવેલા બળવંતરાય મહેતાએ 733 દિવસ શાસન કર્યું હતું. રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઇએ 2062 દિવસ સુધી શાસન કર્યું છે. ઘનશ્યામ ઓઝાએ 488 દિવસ રાજ કર્યું છે, પરંતુ તેઓ એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર હતા. કોંગ્રેસે ચીમનભાઇ પટેલને હટાવીને તેમને મૂક્યાં હતા. કોંગ્રેસમાં અસંતોષ છે ક જીવરાજ મહેતાના શાસનથી ચાલતો આવે છે. ચીમનભાઇ પટેલે પ્રથમ વખત 1973માં 207 દિવસ શાસન કર્યું હતું. ગુજરાત કોંગ્રેસમાં સૌથી વધુ સમય સુધી શાસન કરવાનો રેકોર્ડ માધવસિંહ સોલંકી ધરાવે છે. તેમણે ગુજરાત પર પ્રથમ 108 દિવસ, બીજીવાર 1856 દિવસ અને ત્રીજીવાર 85 દિવસ મળી કુલ 2049 દિવસ શાસન કર્યું છે. અમરસિંહ ચૌધરીએ 1618 દિવસનું શાસન કર્યું છે. ચીમનભાઇ પટેલ કુલ 1652 દિવસ શાસનમાં રહ્યાં છે ત્યારબાદ મુખ્યમંત્રી બનેલા છબીલદાસ મહેતા 391 દિવસ સુધીના મુખ્યમંત્રી હતા. 14મી માર્ચ 1995 પછી કોંગ્રેસના એકપણ મુખ્યમંત્રી ગુજરાતમાં આવ્યા નથી. એટલે કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસે સત્તા જોઇ નથી તેનો પાર્ટીમાં બળાપો અને અસંતોષ છે.

રાજ્યમાં કોંગ્રેસની પડતી 1990 પછી શરૂ થઇ હતી...

ગુજરાતમાં વિધાનસભાની પહેલી ચૂંટણી 1962માં થઇ હતી. આ સમયે કોંગ્રેસને 154 માંથી 113, સ્વતંત્ર પાર્ટીને 26 અને પ્રજા સમાજવાદી પાર્ટીને સાત બેઠકો મળી હતી. 1967માં કોંગ્રેસને 168 માંથી 93 અને સ્વતંત્ર પાર્ટીને 66 બેઠકો મળી હતી. 1972માં કોંગ્રેસને 140 અને એનસીઓને 16 બેઠકો મળી હતી. 1975ની ચૂંટણીમાં પહેલીવાર વિધાનસભાની બેઠકોની સંખ્યા 182 થઇ હતી, તે સમયે કોંગ્રેસને 75, એનીઓને 56, બીજેએસને 18 અને કેએલપીને 12 બેઠકો મળી હતી. 1980માં કોંગ્રેસને 141, જનતા પાર્ટીને 21 અને ભાજપને 9 બેઠકો મળી હતી. આ ચૂંટણી પછી ગુજરાતમાં ભાજપનો ઉદય એક હિન્દુત્વવાળી પાર્ટી સાથે થયો હતો. 1985માં તો માધવસિંહ સોલંકીની ખામ થિયરીનું સ્ટીમરોલર ફરી વળ્યું હતું અને કોંગ્રેસને વિક્રમી 149 બેઠકો મળી હતી જે ભાજપને અત્યાર સુધી ક્યારેય મળી નથી. એ સમયે જનતા પાર્ટીને 14 અને ભાજપને 11 બેઠકો મળી હતી. કોંગ્રેસની પડતી 1990માં થઇ હતી. ચીમનભાઇ પટેલની સામે કોંગ્રેસ વામણી પૂરવાર થઇ અને માત્ર 33 બેઠકોથી કોંગ્રેસ અટકી ગઇ હતી. એ ચૂંટણીમાં ચીમનભાઇ પટેલના જનતાદળને 70 અને ભાજપને 67 બેઠકો મળી હતી. બન્નેએ ભેગા થઇને મિલીજૂલી સરકાર બનાવી હતી પરંતુ ભાજપે ટેકો પાછો ખેંચી લેતાં તે બહું લાંબી ચાલી નહીં, છેવટે ચીમનભાઇ રાજકીય બુદ્ધિ વાપરી કોંગ્રેસમાં ભળી ગયા હતા અને મુખ્યમંત્રી તરીકે ચાલુ રહ્યાં હતા. ગુજરાતમાં ભાજપની હાઇએસ્ટ 127 બેઠકો 2002માં જોવામાં આવી છે. તે સમયે નરેન્દ્ર મોદીનું શાસન શરૂ થયું હતું. ગોધરાકાંડના તોફાનો પછીની ચૂંટણીએ ભાજપને જ્વલંત વિજય અપાવ્યો હતો.

ગુજરાતમાં કોંગ્રેસ ખુદ નવસર્જન માગે છે...

ગુજરાતમાં અત્યારે કિનારે આવી ચૂકેલી કોંગ્રેસને તારણહારની જરૂર છે. કોંગ્રેસને એક નવા મોદીની તલાશ છે. ચૂંટણીઓમાં સતત હાર અને ધારાસભ્યો ગુમાવવાની બેવકુફી કોંગ્રેસને ભારે પડી રહી છે. ગુજરાત કોંગ્રસના પાપે પાર્ટીએ 2014માં દિલ્હી ખોયું છે. ગુજરાત કોંગ્રેસમાં જે છ નેતાઓની ટોળકી છે તેમને આખું ગુજરાત ઓળખતું નથી અને ઓળખશે પણ નહીં. 2022 સુધીમાં જો કોંગ્રેસને મજબૂત કરવી હોય તો પાર્ટીએ 10 હાર્દિક પટેલ પેદા કરવા પડશે. હાર્દિક પટેલ જેવું જોમ, અને ઉત્સાહ અત્યારે કોંગ્રેસના યુવા નેતાઓમાં મરી પરવાર્યો છે. કોંગ્રેસ પાસે હાર્દિક પટેલ જેવા ફાયરબ્રાન્ડ નેતાઓ નહીં હોય તો કોંગ્રેસનો 2022માં પણ ઉદ્ધાર થવાનો નથી. સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને બિનહરીફ બેઠકો મળી રહી છે, કારણ કે કોંગ્રેસ પાસે પુરતા ઉમેદવારો નથી. વિજેતા થયેલા કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઇ રહ્યાં છે. હજી પણ કોંગ્રેસમાં ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારોની તલાશ ભાજપ કરી રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાત કોંગ્રેસમાં મુખ્યમંત્રીનો ઉમેદવાર બની શકે તેવો મજબૂત ફાયરબ્રાન્ડ નેતા જોઇએ છે. કોંગ્રેસે બીજા શંકરસિંહ વાઘેલા તલાશ કરવાની જરૂર છે કે જે 2022માં કોંગ્રેસને સત્તામાં લાવી શકે. બાકી તો ઘરના ઝઘડા ચાલુ રહ્યાં અને નેતાઓ સાચવી નહીં શકે તો ગુજરાતમાંથી કોંગ્રેસની ફરી એકવાર એક્ઝિટ નિશ્ચિત છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:30 am IST)