વિવિધ વિભાગ
News of Monday, 21st August 2017

સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ભરૂચમાં ગુંજ્યા ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોઃ મેઘાણી સાહિત્ય કોર્નરનું લોકાર્પણ

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા કલેકટર સંદીપ સાંગલે, જિલ્લા : પોલીસ અધિક્ષક સંદિપ સિંહ, પાલિકા પ્રમુખ આર. વી. પટેલની વિશેષ ઉપસ્થિતિઃ અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નિલેશ પંડયાની રમઝટ

રાજકોટ તા. ૨૧ : સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ભરૂચ ખાતે 'મેઘાણી વંદના' (કસુંબલ લોકડાયરા)નું ભવ્ય આયોજન સુરક્ષા સેતુ સોસાયટી - ભરૂચ જિલ્લા પોલીસ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઇ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયું હતું.

પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે (આઈએએસ), ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સિંહ (આઈપીએસ), ભરૂચ નગરપાલિકા પ્રમુખ આર. વી. પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશભાઈ પટેલ, એએસપી રવિ મોહન સૈની (આઈપીએસ), ડીવાયએસપી ભરતભાઈ રાઠોડ અને એન. ડી. ચૌહાણ, પીઆઈ વાગડીયા, તરડે અને ઝાલા, ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી નૈષધભાઈ મકવાણા, ભરૂચ જિલ્લા આચાર્ચ સંઘ પ્રમુખ પ્રવીણસિંહ રણા, શિક્ષક સંઘ પ્રમુખ કિરીટસિંહ મહીડા, શિક્ષણ વહીવટી સંઘ પ્રમુખ નીલેશભાઈ ચદ્દરવાલા, દિવ્યેશભાઈ પટેલ, ચેનલ નર્મદાના નરેશભાઈ ઠક્કર અને ઋષિભાઈ દવે, ઉઘોગપતિ ચંદ્રેશભાઈ દેવાણી અને એન. કે. નાવડીયા, આર્કીટેકટ કલાપી બુચ, એડવોકેટ રાજુભાઈ મોદી, કલરવનાં નીલાબેન-પ્રવીણભાઈ મોદી, ચંદ્રેશભાઈ શાહ, રમેશભાઈ ઉપાધ્યાય, જીગરભાઈ ગાંધી, બકુલભાઈ પરાગજીભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, સાહિત્ય-પ્રેમીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. પોલીસ-પરિવાર અને શિક્ષણ-જગતમાંથી મોટી સંખ્યાંમાં ઉપસ્થિતિ રહતાં રક્ષણ અને શિક્ષણનો અનોખો સમન્વય સધાયો હતો.               

ગુજરાતના ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યાએ ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. દુહા-છંદની રમઝટ બોલાવીને અભેસિંહભાઈએ કાર્યક્ર્મનો આરંભ કર્યો. 'મોર બની થનગાટ કરે', 'શિવાજીનું હાલરડું', 'ચારણ-કન્યા', 'કોઈનો લાડકવાયો'જેવાં અમર મેઘાણી-ગીતોની ઝમકદાર રજૂઆત કરીને અભેસિંહભાઈ અને રાધાબેને સહુની દાદ મેળવી. 'ના છડિયાં હથિયાર' અને 'હાલાજી તારા હાથ'કથાગીતોની પણ જુસ્સાભેર રજૂઆત કરી. નીલશભાઈએ 'રઢિયાળી રાત'માંથી સદાબહાર લોકગીતો 'ચાંદો ઊગ્યો ચોકમાં'અને 'સવા બશેરનું મારું દાતરડું'રજૂ કર્યાં. અભેસિંહભાઈના ૧૭ વર્ષીય પૌત્ર આદિત્યએ પણ દાદા સાથે સૂર પૂરાવ્યો હતો. આજે પણ લોકમુખે રમતું અતિ જાણીતું ગીત 'કસુંબીનો રંગ'સહુ કલાકારોએ રજૂ કરીને કાર્યક્ર્મને વિરામ આપ્યો હતો. વાઘ-વૃંદ ચંદ્રકાંત સોલંકી (તબલા), અશોક બારૈયા (ઢોલક), હેમુ પરમાર (બેન્જો), નવીન સોલંકી અને મોહિત વાઘેલા (મંજીરા)એ પણ બખુબી સાથ આપ્યો. જગદીશભાઈ પરમારે ઉદ્ઘોષણા કરી હતી. સાઉન્ડની જવાબદારી પ્રકાશ પટેલ - પી.સી. સાઉન્ડે સંભાળી હતી.               

ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા કલેકટર સંદીપ સાંગલે, જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સિંહ અને પિનાકી મેઘાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યાં હતાં. આઙ્ખગસ્ટ એટલે ક્રાંતિનો મહિના તેમ જણાવીને પોલીસ અધિક્ષક સંદીપ સિંહે દેશની આઝાદીની લડતમાં બલિદાન આપનાર નામી-અનામી વીર શહીદોને ભાવાંજલિ આપી હતી. સ્વાંતંત્ર્ય-સંગ્રામ વખતે ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોની ધારદાર અને વ્યાપક અસર વિશે પણ વાત કરી. ચોટીલાની પોલીસ-લાઈનમાં એક સામાન્ય પોલીસ-પરિવારમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યમાંથી પ્રેરણા લઈને હાલનાં પોલીસ-પરિવારોમાંથી પણ કોઈ વિરલ વ્યકિતત્ત્વ આગળ આવશે તેવી શ્રધ્ધા પોલીસ અધિક્ષક સંદીપ સિંહે વ્યકત કરી હતી. કાર્યક્ર્મ પહેલા પોલીસ-જવાનો સાથે પિનાકી મેઘાણીએ ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન વિશે રસપ્રદ જ્ઞાન-ગોષ્ઠિ કરી હતી.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી અને અંકલેશ્વર 'સ્માર્ટ'પોલીસ-સ્ટેશન ખાતે 'મેઘાણી-સાહિત્ય'કોર્નર સુરક્ષા સેતુ સોસાયટી ભરૂચ જિલ્લા પોલીસ અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું હતું. પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સિંહ (આઈપીએસ), લોકગાયક અભેસિંહ રાઠોડ, એએસપી રવિ મોહન સૈની (આઈપીએસ), ડીવાયએસપી ભરતભાઈ રાઠોડ અને એન. ડી. ચૌહાણ, પીઆઈ લાડવા, વાગડીયા, તરડે, ચૌધરી, ઝાલા, ઘાસુરા, કવા, તડવી, વાડુકર, જાદવ અને સાદડીયા, પીએસઆઈ મુનીયા, પટેલ, દેસાઈ અને ડોડીયા સહિત મોટી સંખ્યામાં પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.    મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'ના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીએ ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. આમાંથી ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તક અહિ મૂકાયા છે. ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૨જ્રાક્નત્ન લખેલ પ્રથમ પુસ્તક 'કુરબાનીની કથાઓ'થી લઈને ૧૯૪૭જ્રાક્નત્ન અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકથા 'કાળચક્ર' ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો 'યુગવંદના', 'સિંધુડો', 'વેવિશાળ', 'સોરઠ તારાં વહેતાં પાણી', 'માણસાઈના દીવા', 'સૌરાષ્ટ્રની રસધાર', 'સોરઠી બહારવટિયા', 'સોરઠી સંતો', 'રઢિયાળી રાત', 'સોરઠી સંતવાણી' અહિ ખાસ ઉપલબ્ધ કરાયા છે. પોલીસ સ્ટેશને આવતા નાગરિકો મેઘાણી-સાહિત્ય વાંચીને પ્રેરણા મેળવી શકશે તેવી આશા છે. ફરજ અર્થે સતત કાર્યરત રહેનાર પોલીસ પરિવાર પણ સમય મળ્યે આ સાહિત્યનો આસ્વાદ માણી શકશે.

અવસાનના ૨ મહિના પહેલા જાન્યુઆરી ૧૯૪૭માં ભરૂચ જિલ્લાની મુલાકાતે આવેલા ઝવેરચંદ મેઘાણી નર્મદાને તીરે તીરે પરિભ્રમણ કરીને અભિભૂત થયેલા. ૧૨૧મી મેઘાણી-જયંતી આગામી ૨૮ ઓગસ્ટે છે ત્યારે ચોટીલાની પોલીસ-લાઈનમાં જન્મેલા 'લાઈન-બોય' ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત થતા આ કાર્યક્ર્મનું સવિશેષ મહત્વ છે. આપણાં સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત અને પ્રેરિત થાય તે માટે ભરૂચ જિલ્લાના સંનિષ્ઠ અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ અધિક્ષક સંદીપ સિંહ (આઈપીએસ), ડીવાયએસપી ભરતભાઈ રાઠોડ, પીઆઈ વાગડીયા, તરડે, ઝાલા તથા ભરૂચ જિલ્લા પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો હતો. ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ પાસે આવેલ સરવા ગામના મૂળ વતની અને ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવનાર મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ પણ લાગણીથી જહેમત ઉઠાવી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(1:13 pm IST)