વિવિધ વિભાગ
News of Monday, 30th October 2017

સરકારી મહેમાન

‘મિશન ઇમ્પોસિબલ’: ભાજપ મોદીનો રેકોર્ડ તોડે તો પણ ઘણું છે, લક્ષ્યાંક સામે મોટા પડકારો છે

ભાજપનું એ હિન્દુત્વ ક્યાં ગયું કે જ્યારે રાજ્યમાં કેસરિયો માહોલ સર્જાતો હતો : નરેન્દ્ર મોદીના એ 4610 દિવસો, ગુજરાતના કોઇ રાજનેતાની આ તાકાત નથી : વિકાસના નામે મત લેવાની નહીં, એક બીજા સામે કિચડ ઉછાળતી આ ચૂંટણી છે

 

ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકાર છે અને 27 વર્ષથી કોંગ્રેસે સત્તા જોઇ નથી ત્યારે 2017ની ચૂંટણી કોંગ્રેસ માટે કયામત બનીને આવી છે. ભાજપ માટે આ ચૂંટણી પડકાર છે. પડકાર એટલા માટે છે કે ગુજરાતમાં એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરની ગંભીર અસરો છે. નોટબંધી અને જીએસટીથી ગુજરાતના મતદારો અને લોકો પરેશાન છે. મોંઘવારી અને બેકારી જેવા પ્રશ્નો ઉભા છે. પટેલ અને ઠાકોર-ઓબીસી યુવા નેતાઓ ભાજપની પડખે નથી. ભાજપને સૌથી વધુ 127 બેઠકો 2002ની વિધાનસભા ચૂંટણીમાં મળી હતી. એ સમયે હિન્દુત્વ પ્રખર જોરમાં હતું અને નરેન્દ્ર મોદીનો કરિશ્મા છવાયેલો હતો. ભાજપે અત્યાર સુધી બે નેતાઓને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કર્યા છે જેમાં પહેલા કેશુભાઇ પટલ હતા અને બીજા નરેન્દ્ર મોદી છે. 2017માં આવું કંઇ નથી. મોદીની વિજય હેટ્રીક પછી ખુદ મોદી ગુજરાતમાંથી ચૂંટણી લડવાના નથી. આ સમયે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 150 પ્લસ બેઠકોનો ટારગેટ રાખ્યો છે પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં ભાજપને મોદીએ મેળવેલી 127 બેઠકો આવે તો પણ ઘણું છે, કારણ કે 1995 પછી પહેલીવાર કોંગ્રેસને ગુજરાતમાં મજબૂત થતી જોવામાં આવી છે.

મોદી શાસનનો વિક્રમ કોઇ તોડી શકશે નહીં...

ગુજરાતની સ્થાપના પછી રાજ્યમાં 16 મુખ્યમંત્રી આવી ગયા છે અને પાંચ વખત રાષ્ટ્રપતિશાસન લાગ્યું છે. ગુજરાત ઉપર વિવિધ સમાજના આગેવાન નેતાઓએ શાસન કર્યું છે, જેમાં બ્રાહ્મણ, પટેલ, વણિક, ઓબીસી, ક્ષત્રિય, આદિવાસી જેવી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું છે. હવે 2017માં 17મા મુખ્યમંત્રી સત્તા પર આવશે. આ વખતે પુનરાવર્તન થશે કે પરિવર્તનએ કોઇ જાણતું નથી, સિવાય પાર્ટીના લિડર્સ કે જેઓ જીતના દાવા કરી રહ્યાં છે. રસપ્રદ બાબત એ છે કે સૌથી વધુ શાસન કરવાનો શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે. તેમણે ગુજરાત પર 4610 દિવસ સુધી શાસન કર્યું છે. બીજાક્રમે 2049 દિવસ સાથે માધવસિંહ સોલંકીનો સમય રહ્યો છે. જ્યારે હિતેન્દ્ર દેસાઇ 2062 દિવસ, ચીમનભાઇ પટેલ 1652 દિવસ, અમરસિંહ ચૌધરી 1618 દિવસ અને કેશુભાઇ પટેલ 1533 દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યાં છે, સૌથી ઓછું 128 દિવસનું શાસન રાજપાની સરકારની દિલીપ પરીખનું હતું. હાલ વિજય રૂપાણી 7મી ઓગષ્ટ 2016થી શાસનમાં છે. નરેન્દ્ર મોદીના શાસનનો વિક્રમ કોઇ રાજનેતા તોડી શકે તેમ નથી.

સરકાર કહે તો પબ્લિક જીના ભી છોડ દે...

સરકારે પહેલાં કહ્યું કે સિંગતેલના ડબ્બા મોંઘા પડતા હોય તો લોકોએ સિંગતેલ ખાવાનું છોડી દેવું જોઇએ. પછી સરકારે કહ્યું કે પેટ્રોલ અને ડિઝલ મોંઘા પડતા હોય તો વાહનો ચલાવવાનું બંધ કરી દેવું જોઇએ. કેટલાક પોલિટીશયન કહે છે કે બળાત્કારની ઘટનાઓ ઓછી કરવા યુવતિઓએ શોટ્સ વસ્ત્રો પહેરવા ન જોઇએ. આપણા કેવા દિવસો આવ્યા છે. સરકાર કોઇ જગ્યાએ બંધાતી નથી. પીવાના પાણીના દામ ચૂકવવા પડે છે. આરોગ્ય સારવારના અગણિત રૂપિયા ચૂકવવા પડે છે. ભણવા માટે લાખો રૂપિયાનો ધુમાડો કરવો પડે છે. હોસ્પિટલમાં ઓક્સિજન લેવા માટે લાઇન લગાવવી પડે છે. સરકારી બીલોની ચૂકવણી માટે લાઇન કરવી પડે છે. લોકોની ભાગદોડ ભરી જીંદગીમાં કોની પાસે મળવાનો ટાઇમ છે તે સમજાતું નથી. બઘાં પરિવારો પોતાના ઘરના બે છેડા ભેગા કરવા મથી રહ્યાં છે. આ બઘી સ્થિતિ શહેરોની જ છે તેવું નથી, ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી હાલત છે. ગામડાની ગોરી હવે શહેરની છોરી કરતાં જરાય ઉતરતી નથી. ગામડાનો અબૂધ યુવાન હવે સ્માર્ટ બની રહ્યો છે. સાચા ઉમેદવારનું બઘાંને ભાન થયું છે. 500ની નોટ અને દારૂની કોથળી સામે વોટના દિવસો ક્યારના ય ખતમ થઇ ચૂક્યાં છે. લોકોને તેમના રોટી, કપડાં અને મકાનની પડી છે...

એક બીજાને હલકાં ચિતરવાની આ ચૂંટણી છે...

હિન્દુસ્તાનમાં ચૂંટણીના રંગ બદલાયા છે. પહેલાના સમયમાં ભાવિ પ્લાનિંગના આધારે ચૂંટણી ભાષણો થતાં હતા. એક સમય હતો કે ભાજપના સિનિયર નેતા અટલ બિહારી વાજપેયી જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર અંગે કોઇ ટીપ્પણી કરતા હતા ત્યારે તેઓ સમજી વિચારીને ઉચ્ચારણો કરતા હતા. ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીને હલકાં ચિતરવાનો પ્રયાસ તેમણે ક્યારેય કર્યો નથી. હવે ચૂંટણીમાં આધુનિકતા સાથે અસભ્યતાનો પ્રવેશ થયો છે. નેતાઓ વચ્ચે એક બીજાને નીચા ઉતારી પાડવાની આ સ્પર્ધા છે. હંમેશા આક્ષેપનું સ્થાન પહેલું અને મોટું હોય છે પછી તેના ખુલાસા તરફ કોઇનું લક્ષ્ય જતું હોતું નથી, તેથી આધાર પુરાવા વિના કરવામાં આક્ષેપોમાં કોઇ તથ્ય હોતું નથી. લોકોને શું ગમે છે, શું કહીશું તો મતદારો આપણી સાથે રહેશેઆ એકમાત્ર સ્વાર્થ હોય છે, બાકી સમાજસેવાનો ભેખ ધારણ કરીને આપણા નેતાઓની વાણી એટલી બઘી હલકી કક્ષાની થઇ ગઇ છે કે તેમાં હવે નોલેજ નહીં મિમિક્રી મળે છે. લોકો તેને ટાઇમ પાસનું સાધન માને છે. આ કોઇ એક પાર્ટી કે નેતાની વાત નથી, અત્યારે તમામ પાર્ટીના નેતાઓની જીભ ઘસાઇ ચૂકી છે. મીઠાં બોલની જગ્યાએ આગઝરતી તીખી વાણી નિકળે છે અને તેમની ટીઆરપી વધતી દેખાય છે...

કહાં ગયે વો લોગ, જો લોગ ચુનાવમેં મશહૂર થે...

ગુજરાતમાં જ્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થઇ છે ત્યારે આપણા સંતોએ કથાઓ કરી છે. સંત સંમેલનો યોજ્યા છે. ધાર્મિક સભાઓ કરી છે પરંતુ 2017ની પહેલી એવી ચૂંટણી છે કે જેમાં ધાર્મિક સંતો દેખાતા નથી. બાકી તો ગુજરાતમાં ચૂંટણી હોય એટલે સાધ્વિ ઋતંભરા, વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ સભાઓ ગજવતા હોય છે. બાબા રામદેવ પણ તેમના યોગની શિબિરો કરતા હોય છે. આ વખતે આ દ્રશ્યો દેખાતા નથી. ભાજપને જીતાડવા સંઘ પરિવાર અને તેની સંસ્થાઓ ચૂંટણીના મેદાનમાં દેખાતી નથી તેથી આશ્ચર્ય થાય છે. 1995માં ચૂંટણી યોજાઇ હતી ત્યારે ભાજપ કરતાં સૌથી વધુ બળ સંઘ પરિવારની ભગિની સંસ્થાઓએ વાપર્યું હતું. ઠેરઠેર ધર્મસભાઓ થતી હતી. વિશ્વ હિન્દુ પરિષદના આચાર્ય ધર્મેન્દ્ર, સાધ્વી ઋતંભરા, પ્રવિણ તોગડિયા તેમજ અન્ય સંતોએ ગુજરાત ખૂંદી નાંખ્યું હતું અને લોકોને હિન્દુત્વનો રસ પિવડાવ્યો  હતો. આજે ભાજપને મદદ કરવા આ વર્ગ દેખાતો નથી. જેલબંધ આસારામે 2002 અને 2007માં ભાજપને જીતાડવામાં ખૂબ મદદ કરી હતી, બાબા રામદેવ અને રવિશંકરની ધર્મસભાઓ 2014ની લોકસભા ચૂંટણીમાં થતી હતી. આજે આવું કેમ નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.

ગબ્બર સિંહ ટેક્સ-જીએસટી- થોડો ઘટવાની આશા છે...

જીએસટી કાઉન્સિલની 23મી બેઠક 10મી નવેમ્બરે ગૌહત્તીમાં મળી રહી છે ત્યારે તેમાં હોટલ અને રેસ્ટોરન્ટના જીએસટી દરો 18 ટકાથી ઘટાડી 12 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. એ ઉપરાંત ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરને જીએસટીમાં લાવવા માટેની ચર્ચા પણ આ બેઠકમાં થવાની શક્યતા છે. કાઉન્સિલ એવું પણ નક્કી કરવા જઇ રહી છે કે દરરોજ વપરાતી ચીજવસ્તુઓના દામ હાલ 28 ટકાના દાયરામાં આવે છે તેને ઘટાડીને 18 ટકામાં લઇ જવાશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમે નોટબંધી અને જીએસટીને ચૂંટણીનું મુખ્ય હથિયાર બનાવ્યું છે. ભાજપને ફાળ પડી છે કે જીએસટીના કારણે કેન્દ્રની સાથે રાજ્યોની સરકારો પણ બદનામ થઇ રહી છે તેથી જનતાને થોડી રાહત આપવાનો ઇરાદો કાઉન્સિલની આ બેઠકમાં લેવાઇ શકે છે.

નબળાં પરફોર્મ્સન્સ હશે તેમને ટીકીટ નહીં મળે...

ભાજપના હાઇકમાન્ડે ગુજરાત એકમને એવો સંદેશો આપી દીધો છે કે હાલના જે ધારાસભ્યોના પરફોર્મ્સન્સ નબળાં હશે તેઓની ટીકીટ કાપીને નવા ઉમેદવારને તક આપવામાં આવશે. ટીકીટ વિતરણમાં વહાલા દવલાં કે લાગવગશાહીને કોઇ મહત્વ આપવામાં આવશે નહીં. ભાજપે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપના સિક્યોર કરી શકાય તેવા ધારાસભ્યોની સંખ્યા 40 થવા જાય છે. પાર્ટીએ આ 40 ધારાસભ્યોની ટીકીટ ફાઇનલ કરી છે એટલે કે આ બેઠકોમાં માત્ર સિંગલ નામ રાખ્યું છે. પાટીદાર અનામત અને ઠાકોર સેનાના આંદોલનના કારણે મોટાભાગના ભાજપના પટેલ અને ઠાકોર ધારાસભ્યોને સિક્યોર બનાવી દીધી છે. ભાજપે જ્ઞાતિવાર જે ટીકીટો આપી છે તેમાં કદાચ ઉમેદવારો બદલાય પણ જ્ઞાતિ બદલાશે નહીં તે નક્કી છે.

એડમિનિસ્ટ્રેશન ચૂંટણી પંચના હાથમાં આવી ગયું છે...

ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગયા પછી હવે આચાર સંહિતાનો અમલ થતાં મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ અને સરકારના પદાધિકારીઓની ગાડીઓ સરકારમાં જમા કરાવી દેવામાં આવી છે. સચિવાલયમાં હવે મંત્રીમંડળના સભ્યોની પ્રાઇવેટ ગાડીઓ દેખાચ છે જેમાં સાયરન પણ નથી અને લાઇટ પણ નથી. જો કે સુરક્ષા વ્યવસ્થામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આચારસંહિતાનો અમલ શરૂ થતાં જ સચિવાલયમાં મુલાકાતીઓની ભીડ અદ્રશ્ય થઇ ચૂકી છે. ગુજરાતના સરકીટ હાઉસ હવે ચૂંટણી પંચના તાબે થઇ ચૂક્યાં છે. સરકારને બદલીનો નિર્ણય કરવો હોય તો પણ હવે ચૂંટણી પંચની મંજૂરી જોઇશે. ગુજરાતનું સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણી પંચને તાબે થયું છે. સચિવાલયનું કામ ઓછું થયું છે પરંતુ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી પંચમાં કામ કરતાં અધિકારી તેમજ કર્મચારીઓની કામગીરી બેવડાઇ છે. જિલ્લા વહીવટી તંત્રને ચૂંટણી પંચે આદેશ આપી અધિકારીઓ તેમજ કર્મચારીઓની રજાઓ રદ કરી છે. આવશ્યક સંજોગોમાં રજા લેવાની થાય તો ચૂંટણી પંચની મંજૂરી લેવાની ફરજીયાત બનાવવામાં આવી છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:36 am IST)