Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

વહીવટી તંત્રમાં ફેરબદલને કોરોનાનું ગ્રહણઃ રૂપાણી લોકોના આરોગ્યની સુવિધામાં વ્યસ્ત

અનાજ પડીકે, પાણી કિરાણામાં મળશે, રોગચાળો ફેલાશે : જૈન મુનિની ભવિષ્યવાણી વાયરલ : ગુજરાતનું તીખું મરચું મોળું બન્યું છતાં આવક તરબતર, આંધ્રપ્રદેશનું મરચું ગુજરાત લાવો : માટી કે જમીન વિના થતી ખેતી— હાઇડ્રોપોનિક પદ્ઘતિ એ કીચન ગાર્ડનમાં આશાનું કિરણ છે

ગુજરાતનું વહીવટી તંત્ર હાલ કોરોના સક્રમણ સામે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે વહીવટી તંત્રમાં ફેરફારોમાં ફરી એકવાર વિલંબ થઇ રહ્યો છે. ખુદ મુખ્યમંત્રી અને કેબિનેટના સભ્યો લોકોના આરોગ્યની સુવિધામાં વ્યસ્ત બન્યાં છે. સરકારે ૨૦૨૦ની વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને જિલ્લા અને રાજયના વહીવટી તંત્રમાં ફેરબદલની તૈયારી કરી દીધી છે પરંતુ ઓર્ડર થતાં નથી. સચિવાલયમાં ચર્ચાય છે કે કલેકટર, ડીડીઓ, બોર્ડ-નિગમના એમડી, મ્યુનિસિપલ કમિશર તેમજ વિભાગના સિનિયર આઇએએસ ઓફિસરોનું લિસ્ટ તૈયાર છે. રાજયમાં સામૂહિક બદલીઓ પાછી ઠેલાતી જાય છે તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. કોરોના સંક્રમણ વધી રહ્યું હોવાથી કેટલાક એવા ઓફિસરો છે કે જેમને સચિવાલય છોડવું નથી. જિલ્લામાં પણ એવા ઓફિસરો છે જેઓને રજવાડું છોડીને નવી જગ્યાએ જવું નથી પરંતુ બદલી એ સરકારનો પરંપરાગત અભિગમ છે તેથી આજે નહીં તો કાલે, બદલી તો થવાની છે. રાજયના જે શહેરોમાં મ્યુનિસિપલ કમિશનર બનતા લાઇનો લાગતી હતી તે શહેરો જેવાં કે અમદાવાદ, સુરત અને રાજકોટમાં જવા માટે અત્યારે એકપણ ઓફિસર તૈયાર થતા નથી. આમ થવાનું કારણ મ્યુનિસિપલ કોર્પોરેશનની કથળતી હાલત અને કોરોના સંક્રમણના કારણે બદલાયેલી કાર્યપદ્ઘતિ છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે જયારે વિલંબિત બદલીઓની ફાઇલ પર સહી કરશે ત્યારે કઇ જગ્યાએ કોને મૂકવા તે મોટો પ્રશ્ન છે, કારણ કે જેમને ઓફર કરવામાં આવે છે તેઓ ઇન્કાર કરી રહ્યાં છે. કોરોના સંક્રમણ કેટલું ચાલે છે તે નિશ્યિત નથી તેથી સનદી ઓફિસરો શહેરોમાં જવાથી દૂર ભાગી રહ્યાં છે. કેટલાક ઓફિસરો અત્યારે પ્રાઇમ પોસ્ટીંગ માગી રહ્યાં નથી, જે પહેલીવાર જોવા મળી રહ્યું છે. 'જાન હૈ તો જહાન હૈ' સૂત્રને માનનારા ઓફિસરનો સમૂહ મોટો થઇ રહ્યો છે.

બુદ્ઘિસાગર સુરિજીની ભવિષ્યવાણી વાયરલ

કોરોના સંક્રમણના સમયમાં દેશ અને દુનિયામાં હાહાકાર ફેલાયો છે ત્યારે મહુડી જૈન તીર્થના પ્રણેતા શ્રીમદ બુદ્ઘિસાગર સુરિશ્વરજી મહારાજે ૧૧૦ વર્ષ પહેલાં કરેલી ભવિષ્યવાણી ધીમે ધીમે ચાલી પડી રહી છે. તેમણે તેમની રચનામાં રોગચાળાનો ઉલ્લેખ પણ કર્યો છે. મહારાજ સાહેબે 'એક દિવસ એવો આવશે' એવા એક કાવ્યમાં લખ્યું છે કે— સહુ દેશમાં સ્વાતંત્ર્યના, શુભ દિવ્ય વાદ્યો વાગશે. સાયન્સની વિદ્યા વડે શોધ ઘણી જ ચલાવશે. જે ગુપ્ત તે જાહેરમાં અદભૂત વાત જણાવશે. રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે. હુન્નરકળા સામ્રાજયનું બહુ જોર ધરાવશે. કર્મવીર, શૂરવીર અને જ્ઞાનવીર જન્મ લેશે. એક ખંડ બીજા ખંડની ખબર ઘડીમાં આવશે. ઘરમાં રહ્યાં વાતો થશે, પર ખંડ ઘર સમ થાવશે.,, ૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લાલ કિલ્લા પરથી તેમના પ્રવચનમાં બુદ્ઘિસાગર સુરિશ્વરજીનો ઉલ્લેખ કર્યો હતો. આ જૈન મુનિએ કહ્યું હતું કે અનાજ પડીકે બંધાશે અને પાણી કિરાણાની દુકાન (બોટલ)માં મળશે. પૃથ્વી પર ખરાબ દિવસો આવશે. રોગચાળો ફાટી નિકળશે. બુદ્ઘિસાગર સુરિ મહારાજ (૧૮૭૪-૧૯૨૫) જૈન સન્યાસી, દાર્શનિક અને બ્રિટીશ ભારતના લેખક હતા. ઉત્ત્।ર ગુજરાતના વિજાપુરમાં ૧૯૭૪માં શિવાભાઇ અને અંબાબેનના પરિવારમાં જન્મેલા બેચરદાસ પટેલે છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ જૈન સાધુ મુનિ રવિસાગરને મળ્યા અને તેમના શિષ્ય બન્યા હતા. રવિસાગરના શિષ્ય સુખ સાગરે તેમને ૧૯૦૧માં જૈન સાધુ તરીકે દિક્ષા આપી હતી અને તેમનું નામ મુનિ બુદ્ઘિસાગર અપાયું હતું. તેમણે ૧૯૧૭માં મહુડી જૈન મંદિરની સ્થાપના કરી હતી. તેમણે ૨૪ વર્ષમાં ૨૫૦૦૦ ગ્રંથોનું વાંચન કર્યું હતું. તેઓ યોગ સાધક હતા અને માત્ર દોઢ કલાકની ઊંઘ લેતા હતા. ૧૩૦ પુસ્તકો અને ૨૦૦૦ કવિતાઓ લખી છે. તેમની આ ભવિષ્યવાણી આજે સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહી છે.

મરચાની ખેતીમાં ગુજરાત પછાત છતાં માલામાલ...

મરચાંની ખેતીમાં ગુજરાતના ખેડૂતો પછાત હોવાનું તારણ સામે આવ્યું છે. રાજયમાં ઉત્પાદન વધારે થાય છે પણ ઉત્પાદકતામાં ખેડૂતો પાછળ છે. ગયા વર્ષે મરચાનું ૨૨ હજાર હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું જે આ વર્ષે વધીને ૨૮ હજાર હેકટરમાં થયું છે. ગુજરાતનો ખેડૂત પ્રતિ હેકટર ૨૦૦૦ કિલોગ્રામ મરચાનું ઉત્પાદન લઇ રહ્યો છે જેની સામે ચીનનો ખેડૂત હેકટરે ૬૮૨૦ કિલોગ્રામ મરચા પકવે છે. કૃષિ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં મરચાનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી હોય તો આંધ્રપ્રદેશનું બિયારણ લાવીને ખેડૂતોએ વાવવું જોઇએ કેમ કે આખા દેશમાં આંધ્રપ્રદેશ મરચાના કુલ ઉત્પાદન પૈકી ૨૬ ટકા ઉત્પાદન કરે છે. બીજાક્રમે ૧૫ ટકા સાથે મહારાષ્ટ્ર આવે છે. ગુજરાતમાં માત્ર બે ટકા ઉત્પાદન થાય છે. ગુજરાતના ખેડૂતોને ઉત્ત્।મકોટીના બિયારણ આપવા માટે આપણી ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો નિષ્ફળ ગયા છે. જો કે ગોંડલના ખેડૂતો આજેપણ દેશની સરેરાશ સાથે ટોચ પર છે. આ ખેડૂતો પ્રતિ હેકટર ૨૩૮૦ કિલોગ્રામ મરચાનું ઉત્પાદન લઇ રહ્યાં છે. ગોંડલના ખેડૂતો દેશી નહીં પણ હાઇબ્રીડ મરચાનો પાક લઇ રહ્યાં છે. આ ખેડૂતોને એક વિઘા પ્રમાણે લાખ થી સવા લાખ રૂપિયા મળે છે. બીજાક્રમે અમરેલી જિલ્લો આવે છે જયાં હેકટર પ્રમાણે ૨૨૫૦ કિલોગ્રામ મરચું પેદા થાય છે. ગુજરાતના ૫૦ હજાર જેટલા ખેડૂતો વર્ષે ૩૦૦ કરોડ રૂપિયાનું મરચુ પેદા કરે છે.

માટી કે જમીન વિના થતી સમૃદ્ઘ અને સસ્તી ખેતી

કિચન ગાર્ડન માટે જમીન નહીં હોય તો ચાલશે, કારણ કે હવે હાઇડ્રોપોનિક પદ્ઘતિથી છોડ ઉગાડીને તેના પાક લઇ શકાય છે. હાઇડ્રોપોનિક એ જમીન વિના છોડ ઉગાડવાની એક પદ્ઘતિ છે. આ શબ્દ ગ્રીકમાંથી આવ્યો છે. આ છોડ મજબૂત, તંદુરસ્ત અને જમીનની તુલનામાં ખૂબ ઝડપથી વિકસે છે. છોડના મૂળ કયારેય સૂકાતા નથી. પાણીનો પ્રવાહ નિયંત્રણમાં હોવાથી છોડને પ્રતિદિન પાણી આપવાની પણ જરૂર હોતી નથી. હાઇડ્રોપોનિક ફાર્મિંગ એ ખેતીનો નવો અનુભવ છે. આ પદ્ઘતિમાં કોકોપીટ, પરલાઇટ અને રોકવુલનો ઉપયોગ થાય છે. પાકને જોઇતા પોષક તત્વો પાણીમાં ઓગાળીને જરૂરિયાત પ્રમાણે પાઇપથી પહોંચાડવામાં આવે છે. મહત્વની બાબત એવી છે કે આ પદ્ઘતિમાં ૯૦ ટકા પાણી બચે છે. એટલું જ નહીં સિઝન વિના શાકભાજી લઇ શકાય છે. નિયંત્રિત તાપમાનમાં ખેતી થાય છે. રોગ તેમજ જીવાત થતી નથી. નિંદામણનો કોઇ ખર્ચ નથી. હાઇડ્રોપોનિક એ મૂળ ઇઝરાયલની ટેકનોલોજી છે. હાઇડ્રો એટલે પાણી અને પોનિક એટલે શ્રમ... આ ખેતી માટે જમીનની જરૂર નથી પણ મહેનત જોઇએ. નેટહાઉસમાં પ્લાસ્ટિકની પાઇપમાં છોડ ઉગાડવામાં આવે છે અને તાપમાનને કન્ટ્રોલ કરવાનું હોય છે. હવે તો ગુજરાતમાં પણ આ પદ્ઘતિથી ખેતી શરૂ કરવામાં આવી છે. કૃષિ તજજ્ઞના મતે ગ્લોબલ હાઇડ્રોપોનિકનું માર્કેટ ચાર વર્ષ પહેલાં ૪૫ હજાર કરોડ રૂપિયાનું હતું જે વધીને અત્યારે ૫૫ હજાર કરોડનું થયું છે અને ૨૦૨૫ સુધીમાં તે ૮૦ હજાર કરોડનું થવાની ધારણા છે. અમદાવાદ જિલ્લાના એક ખેડૂતે હાઇડ્રોપોનિક પ્લાન્ટ બનાવ્યો છે જેમાં તે પ્રતિદિન ૧૦૦ કિલોગ્રામ ઘાસનું ઉત્પાદન કરે છે જે દૂધાળા પશુઓને આપવામાં આવે છે.

કેસર કેરી બ્રાન્ડેડ બની છે, ૩૦૦ બ્રાન્ડ ઉભી થઇ છે

તલાલા અને ગીરમાં પાકતી કેસર કેરી આ વર્ષે મોડી આવી છે તેથી કેરીનો રસ મોડો મળી શકે છે. આ વિસ્તારમાં કુલ ૩૨ લાખ કરતાં વધુ આંબાના વૃક્ષ છે. છેલ્લા ત્રણ વર્ષથી આબોહવાના પરિવર્તનના કારણે કેસરનો પાક ઓછો થઇ રહ્યો છે જે ખેડૂતો માટે ચિંતાનું કારણ છે. હવે ધીમે ધીમે બજારમાં કેસર કેરી આવવાની શરૂ થઇ છે પરંતુ તે પહેલાં બજારમા મહારાષ્ટ્રની આફુસ કેરીનું આગમન થઇ ગયું છે. રાજયમાં કુલ ૧.૬૬ લાખ હેકટર વિસ્તાર જમીનમાં કેસર કેરીનો પાક લેવાય છે અને તેનું સરેરાશ ઉત્પાદન ૧૨ લાખ મેટ્રીકટન છે. કેસર કેરીનું મુખ્ય કેન્દ્ર જૂનાગઢ છે પરંતુ હવે આ કેરી સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ થાય છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ કેસર કેરીમાં ખેડૂતોએ પોતાની બ્રાન્ડ ઉભી કરી છે. ગયા વર્ષે ૨૨૫ બ્રાન્ડ હતી જે આ વર્ષે વધીને ૩૦૦ બ્રાન્ડ થઇ ચૂકી છે. બ્રાન્ડના કારણે ખેડૂતોને કેરીના સારા ભાવ મળે છે. કેસર કેરીમાં તલાલા મુખ્ય કેન્દ્ર છે, જયાં ૧૫ લાખ કરતાં વધુ આબાં છે. જૂનાગઢમાં કેરીમાંથી ઉત્પાદનો બનાવવાના ૨૫૦ પ્રોસેસિંગ યુનિટ આવેલા છે. કહેવાય છે કે જૂનાગઢના રાજાએ ૧૯૩૧જ્રાક્નત્ન કેરીનું વાવેતર કર્યું હતું જેનો રંગ કેસરી હોવાથી તેનું નામ કેસર રાખવામાં આવ્યું હતું. કેરીની સિઝન ૫૦ દિવસની હોય છે જેમાં ૧૦૦ કરોડનો વેપાર થાય છે.

કોરોના સંક્રમણના કારણે લગ્નપ્રસંગ છીનવાયા છે

ગુજરાતમાં કેટલા લગ્ન થાય છે તેવો પ્રશ્ન કોઇ પૂછે તો આરોગ્ય વિભાગ એવો જવાબ આપે છે કે રાજયમાં પ્રતિવર્ષ બે લાખ જેટલા લગ્ન થાય છે. આ આંકડો લગ્ન નોંધણી અધિનિયમ પ્રમાણે છે. જો કે હવે તમામ પરિવારોએ લગ્નની નોંધણી કરાવવી ફરજીયાત હોવાથી સાચો આંકડો સામે આવે છે. રાજયની સાડા છ કરોડની વસતીમાં બે લાખ લગ્ન એ મોટો આંકડો નથી પરંતુ કોરોના સંક્રમણના કારણે ૨૦૨૦ના વર્ષમાં લગ્ન ઓછાં થયાં છે. સરકારી લોકડાઉન અને કોરોના નિયંત્રણ માટે લાગુ કરવામાં આવેલી ગાઇડ લાઇનના કારણે લગ્નપ્રસંગો ખૂબ ઓછા થયાં છે. લગ્નઇચ્છુક પરિવારોની ખુશાલી છીનવાઇ ગઇ છે. કોરોના સંક્રમણના વર્ષમાં રાજયમાં માત્ર ૬૦ હજાર જેટલા લગ્ન થયાં છે. એટલે કે લગ્નપ્રસંગોનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું છે. ૨૦૨૧ના વર્ષમાં સરકારે લગ્નની મંજૂરી આપી છે પરંતુ તેમાં મર્યાદિત લોકોને આમંત્રણ આપવાનું થતું હોવાથી ઘણાં પરિવારો લગ્નપ્રસંગથી દૂર રહ્યાં છે અને પુત્ર કે પુત્રીના લગ્ન એક વર્ષ સુધી પાછા ઠેલ્યાં છે. લગ્નની સાથે જોડાયેલી બીજી બાબત બાળકના જન્મ સાથે સંકળાયેલી છે. સામાન્ય રીતે લગ્નના બીજા કે ત્રીજાવર્ષે બાળકનો જન્મ થતો હોય છે. આરોગ્ય વિભાગના રજીસ્ટર્ડ પ્રમાણે રાજયમાં પ્રતિવર્ષ સરેરાશ ૧૧.૫૦ લાખ બાળકોનો જન્મ થાય છે.

સરકારી મહેમાન

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

(3:08 pm IST)