Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

સરકારી મહેમાન

સૌથી વધુ શાસન કરનારા વડાપ્રધાન તરીકે મોદીએ વાજપેયીનો રેકોર્ડ તોડ્યો, હવે મનમોહનસિંહનો વારો

ગુજરાતના મુખ્યમંત્રી પદે મોદીએ માધવસિંહ કરતાં બમણું શાસન કર્યું, 12 વર્ષ પદ પર રહ્યાં : ભારતના વડાપ્રધાન તરીકે સૌથી વધુ 16 વર્ષનું શાસન જવાહરલાલ નહેરૂના નામે અંકિત છે : ઇન્દિરા ગાંધીએ પણ 15 વર્ષ કરતાં વધુ સુધી સત્તા ભોગવી છે, કોંગ્રેસનો શાસનકાળ 54 વર્ષનો

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય સફળતાના બે દાયકા પૂર્ણ થઇ રહ્યાં છે. આટલી લાંબી રાજકીય કારકિર્દી ધરાવતા એક ગુજરાતી રાજકીય નેતાએ ભારતના સિમાડા વટાવીને વિશ્વના દેશોમાં તેમના નામનો ડંકો વગાડ્યો છે. સ્વભાવે કડક પણ અંદરથી મૃદુ એવા નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદે બીજી ટર્મ ચાલી રહી છે. તેમના બોલ્ડ નિર્ણયો આજે પણ લોકો યાદ કરે છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું સ્લોગન – સૌનો સાથ સૌનો વિકાસ હતું જ્યારે વડાપ્રધાન બન્યાં ત્યારે તેમનું સ્વપ્ન – હિન્દુસ્તાન થકી વિશ્વના દેશોનો વિકાસ રહ્યું છે. તેમના શાસનનું એક જ કમિટમેન્ટ છે –ઉંચા સપના જોવા અને તેને સમયબદ્ધ પુરાં કરવા...  બહું ઓછા લોકોને ખબર છે કે બચપન અને યુવાનીમાં નરેન્દ્ર મોદીને તેમની નજીકના લોકો ‘એનડી’ તરીકે બોલાવતા હતા, જે આજે ‘નમો’ તરીકે લોકપ્રિય બન્યાં છે.

ગુજરાતમાં 12 વર્ષ 227 દિવસનું વિક્રમી શાસન...

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 7મી ઓક્ટોબર 2001ના રોજ શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી એટલે કે 12 વર્ષ અને 227 દિવસનું શાસન ભોગવ્યું છે. મોદીએ સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડ્યો હતો. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક નવી ઉંચાઇએ પહોંચ્યા છે. તેઓ હવે રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય લિડર તરીકને લોકપ્રિયતા ધરાવે છે. કહેવાય છે કે કોઇપણ વ્યક્તિનો દસકો હોય છે પરંતુ નરેન્દ્ર મોદીનો હાલ બીજો દસકો ચાલી રહ્યો છે. રાજનીતિમાં તેઓ અત્યંત નસીબદાર એટલા માટે રહ્યાં છે કે વિરોધી વાતાવરણ વચ્ચે અણીના સમયે તેઓ શાસન પર ટકી શક્યાં છે. મોદી માટે કહેવાય છે કે દુશ્મનને દોસ્ત બનાવતાં તેમને સારી રીતે આવડે છે. નરેન્દ્ર મોદી માટે એવો પણ રેકોર્ડ છે કે તેઓ સૌથી વધુ 12 વર્ષ સુધી મુખ્યમંત્રી પદ પર રહેનારા આઠમા નેતા છે. પ્રથમ નંબરે સિક્કીમના પૂર્વ વડાપ્રધાન પવન કુમાર ચામલિંગ આવે છે. તેઓએ 24 વર્ષ 165 દિવસ સુધી શાસન કર્યું છે. બીજાક્રમે પશ્ચિમ બંગાળના જ્યોતિ બસુ છે. તેમણે 23 વર્ષ 137 દિવસ સુધી શાસન કર્યું છે. તેમણે સ્વેચ્છાએ પદનો ત્યાગ કર્યો હતો. નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચાર વખત મુખ્યમંત્રી બન્યાં હતા. કોંગ્રેસના માધવસિંહ સોલંકી છ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યાં હતા. ગુજરાતમાં મોદીએ તેમનો રેકોર્ડ તોડ્યો હતો. વડાપ્રધાન બન્યાં પછી મોદીએ પ્રથમ વખત 28મી મે 2014માં શપથ લીધા હતા અને બીજીવાર 30મી મે 2019માં શપથ લીધા હતા.

જવાહરલાલ નહેરૂનો 16 વર્ષ 286 દિવસનો રેકોર્ડ...

ભારતમાં સૌથી વધુ શાસન કરવાનો રેકોર્ડ જવાહરલાલ નહેરૂના નામે અંકિત થયેલો છે જે બીજા કોઇ નેતા તોડી શકે તેમ નથી. ભારતના પ્રથમ વડાપ્રધાન એવા નહેરૂએ 15મી ઓગષ્ટ 1947માં સત્તા સંભાળી હતી. તેમણે કેન્દ્રમાં 16 વર્ષ 286 દિવસ સુધી શાસન કર્યું છે. સૌથી ઓછું શાસન કરનારા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ છે કે જેમણે માત્ર 170 દિવસનું શાસન ભોગવ્યું છે. (આમ તો ગુલઝારીલાલ નંદાનું નામ વડાપ્રધાનની યાદીમાં આવે છે પરંતુ તેઓ 13-13 દિવસ સુધી બે વખત એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર રહી ચૂક્યાં હતા.) ભારતના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ 9મી જૂન 1964માં શાસનના સૂત્રો સંભાળ્યા હતા અને તેઓએ 1 વર્ષ 216 દિવસ સુધી શાસન કર્યું છે. જવાહરલાલ નહેરૂ પછી તેમના પુત્રી અને પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધીએ 24મી જૂન 1966માં પહેલીવાર પદ સંભાળ્યું હતું અને તેમણે બે તબક્કામાં કુલ 15 વર્ષ 11 મહિના અને 17 દિવસ સુધી શાસન કર્યું હતું. બિન કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઇએ બે વર્ષ 126 દિવસ સુધી શાસન કર્યું હતું. તેઓ ભારતમાં પહેલા બિન કોંગ્રેસી પ્રાઇમ મિનિસ્ટર હતા. તેમના પછી ચૌધરી ચરણસિંઘ 170 દિવસ માટે વડાપ્રધાન બન્યાં હતા.

રાજીવ ગાંધી પાંચ વર્ષ 32 દિવસ સુધી રહ્યાં...

1994માં કેન્દ્રમાં ફરી કોંગ્રેસની વાપસી આવી ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યાં હતા અને તેમણે પાંચ વર્ષ 32 દિવસનું શાસન કર્યું હતું. માતા ઇન્દિરા અને પુત્ર રાજીવ ગાંધીનું ગોળી વાગવાથી અને આતંકી હુમલામાં મૃત્યુ થયું હતું. રાજીવ ગાંધી પછી બિન કોંગ્રેસી વડાપ્રધાન તરીકે વિશ્વનાથ પ્રતાપસિંહ સત્તાનશીન થયાં હતા અને તેમણે 343 દિવસ શાસન કર્યું હતું. તેમના પછી આવેલા ચંદ્રશેખરે પણ 223 દિવસ સત્તા ભોગવી હતી. કોંગ્રેસની ફરી વાપસી 1991માં થઇ હતી અને પીવી નરસિંહરાવ વડાપ્રધાન બન્યાં હતા અને તેમણે ચાર વર્ષ 330 દિવસ સુધી ગાદી ભોગવી હતી.

વડાપ્રધાન તરીકે વાજપેયીનો છ વર્ષનો રેકોર્ડ છે...

ભાજપની પ્રથમ સરકાર 16મી મે 1996માં બની હતી અને એનડીએનું ગઠન થયું હતું જેમાં અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યાં હતા, જો કે તેમણે માત્ર 16 દિવસનું શાસન કર્યું હતું. તેમના પછી આવેલા એચડી દેવગૌડાએ 324 દિવસ સુધી સત્તા ભોગવી હતી. જનતાદળમાં ખટપટના કારણે બીજા નેતા ઇન્દર કુમાર ગુજરાલ ભારતના વડાપ્રધાન બન્યાં હતા અને તેમણે 332 દિવસનું શાસન કર્યું હતું, જો કે તેમના પછી ભાજપ અને અટલ બિહારી વાજપેયીની વાપસી થઇ હતી. આ સમયે વાજપેયીએ છ વર્ષ 64 દિવસ સુધી શાસન કર્યું હતું. ફિલગુડ ફેક્ટરના કારણે ભાજપ ફેંકાઇ જતાં ફરીથી કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં આવી હતી પરંતુ મનમોહનસિંહને પાર્ટીએ વડાપ્રધાન બનાવ્યા હતા. તેઓ બે ટર્મ સુધી વડાપ્રધાન રહ્યાં છે અને કુલ 10 વર્ષ ચાર દિવસ સુધી શાસન કર્યું છે.

મોદીના આવ્યા પછી તખ્ત અને તાજ બદલાયા...

ભારતનું રાજકીય ચિત્ર તો ત્યારે બદલાયું, જ્યારે ભાજપે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે ઘોષિત કરવા આવ્યાં. મોદીએ 2014માં તખ્ત અને તાજ બદલી નાંખ્યા હતા. 26મી મે 2014માં નરેન્દ્ર મોદી પ્રથમવાર ભાજપ અને એનડીએના વડાપ્રધાન બન્યાં હતા. એટલું જ નહીં 2019માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને વિક્રમી બહુમતિ અપાવીને તેઓ ફરીથી વડાપ્રધાન બન્યાં હતા અને આજે તેમના શાસનને સાડા છ વર્ષ પૂર્ણ થવા આવ્યાં છે. નરેન્દ્ર મોદી ભારતના ચોથા વડાપ્રધાન બન્યાં છે કે જેમણે સૌથી વધુ સમય સુધી શાસન સંભાળ્યું છે. મોદીએ દેશના 10 વડાપ્રધાનનો રેકોર્ડ તોડ્યો છે. તાજેતરમાં તેમણે એનડીએના પ્રથમ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો રેકોર્ડ તોડ્યો છે. બિન કોંગ્રેસી સરકારમાં નરેન્દ્ર મોદીનો સૌથી વધુ શાસન કરવામાં પ્રથમ નંબર છે. ટર્મ પૂર્ણ થતાં મોદી તેમના નજીકના હરીફ એવા મનમોહનસિંહનો રેકોર્ડ તોડી શકવાની ક્ષમતા ધરાવે છે.

કોંગ્રેસના છ પીએમ—54 વર્ષ 123 દિવસનું શાસન...

રાજકીય ઇતિહાસ જોઇએ તો કોંગ્રેસે છ વડાપ્રધાન આપ્યાં છે અને તેમણે 54 વર્ષ અને 123 દિવસનું શાસન કર્યું છે. બીજાક્રમે ભાજપે બે વડાપ્રધાન આપ્યાં છે અને કુલ 12 વર્ષ 208 દિવસનું શાસન આપ્યું છે. જનતાદળે ત્રણ વડાપ્રધાન આપ્યાં છે અને આ પાર્ટીએ બે વર્ષ 269 દિવસનું શાસન ભોગવ્યું છે. જનતા પાર્ટીના એક વડાપ્રધાને બે વર્ષ 126 દિવસ, એસજેપી (આર)ના એક વડાપ્રધાને 223 દિવસ અને જેપી (એસ)ના વડાપ્રધાને 170 દિવસનું શાસન આપ્યું છે. આજે ભારતમા થઇ ચૂકેલા વડાપ્રધાન પૈકી એચડી દેવગૌડા અને મનમોહનસિંહ હયાત છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે કાર્યરત છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:27 am IST)