Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

સરકારી મહેમાન

વર્ષાંતે સંગીતાસિંઘ અને અનુરાધા મલ્લ સહિત વધુ પાંચ અને 2021માં 12 IAS વય નિવૃત્ત થશે

કોંગ્રેસના ત્રણ બળવાખોરો અબડાસામાં પેદા થયા છે, એવી બેઠક છે જ્યાં બીજીવાર હાર મળે છે : અર્બન, રેવન્યુ અને હોમ એવા સંવેદનશીલ વિભાગો બન્યાં છે જ્યાં સરપ્રાઇઝ ચેકિંગ જરૂરી છે: વિધાનસભાની 8 બેઠકો પૈકી કોંગ્રસને શૂન્ય બેઠક મળે તે શક્ય નથી, જીતવાના કારણ ઘણાં છે

ગુજરાતના પાંચ આઇએએસ ઓફિસરો 2020ના અંતે વયનિવૃત્ત થઇ રહ્યાં છે જેમાં ઓક્ટોબર મહિનામાં ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ સંગીતાસિંઘ સાથે એસએમ પટેલ અને એજે શાહ, નવેમ્બરમાં અનુરાધા મલ્લ અને ડિસેમ્બરમાં સીજે પટેલ નિવૃત્ત થાય છે, જો કે આ પાંચ ઓફિસરો પૈકી એકપણ ઓફિસરને પુન:નિયુક્તિની તક મળે તેવી સંભાવના નહીંવત છે. સચિવાલયમાં ચાલતી ચર્ચા પ્રમાણે સંગીતાસિંહના અનુગામી તરીકે મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજકુમાર અથવા વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની નિયુક્તિ થાય તેવી સંભાવના છે. જો કે સપ્ટેમ્બરમાં વયનિવૃત્ત થયેલા એકમાત્ર ઓફિસર ડો. પીડી વાઘેલાને કેન્દ્ર સરકારે ટેલિકોમ્યુનિકેશનમાં ત્રણ વર્ષ માટે પુન:નિયુક્ત કર્યા છે. 2021માં 12 આઇએએસ ઓફિસરો વયનિવૃત્ત થવાના છે જેમાં જાન્યુઆરીમાં ડીબી રહેવર, ફેબ્રુઆરીમાં એમજે ઠક્કર, એપ્રિલમાં એનકે ડામોર, જૂનમાં ડો. વી થીરૂપુગાઝ, નવી દિલ્હી, આઇકે પટેલ, આરઆર રાવલ, ઓગષ્ટમાં આરજે હાલાણી, આરકે પટેલ, સપ્ટેમ્બરમાં એવી કાલરિયા, જીએચ ખાન અને ડિસેમ્બરમાં આરપી ગુપ્તા અને વીબી મેકવાન નિવૃત્ત થવાના છે. છેલ્લા પાંચ વર્ષમાં વયનિવૃત્ત થયેલા આઇએએસ ઓફિસરોમાં 2021નો આંકડો સૌથી ઓછો જોવા મળશે.

8 બેઠકો પૈકી ભાજપને 4 થી 5 બેઠકોનો ફાયદો...

ગુજરાતમાં 3જી નવેમ્બરે જે આઠ બેઠકોમાં પેટાચૂંટણી થવાની છે તે તમામ બેઠકો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે ગઇ હતી, જો કે આઠ બેઠકો પૈકી બે બેઠકો – કપરાડા અને ડાંગ એવી હતી કે જેમાં કોંગ્રેસના ઉમેદવારો માત્ર 170 અને 768 મતે વિજયી બન્યાં હતા. એટલે કે ભાજપ આ બન્ને બેઠકો પર કોંગ્રેસના આયાતી ઉમેદવારો જીતુ ચૌધરી અને મંગળ ગાવિતને ટિકીટ આપશે તો પરિણામ ભાજપની વિરૂદ્ધમાં જઇ શકે છે, કેમ કે આ બન્ને બેઠકોના ભાજપના હારેલા ઉમેદવારો માધુ રાઉત અને વિજય પટેલ નિષ્ક્રિય બને તેવી સંભાવના છે. એવી જ રીતે મોરબીમાં કાન્તિ અમૃતિયાને માત્ર 3419 મતોની સરસાઇથી કોંગ્રેસના બ્રિજેશ મેરજાએ હરાવ્યા હતા. અત્યારે ભાજપના અમૃતિયા ચૂંટણી પ્રચારથી અલિપ્ત જોવા મળી રહ્યાં છે, કારણ કે ભાજપ બ્રિજેશ મેરજાને ટિકીટ આપવાનો વાયદો કરી ચૂક્યું છે. ધારીમાં ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને 15336 મતે હરાવીને કોંગ્રેસના કેવી કાકડિયા વિજેતા થયા હતા તેથી જો ભાજપ તેમને ટિકીટ આપશે તો તેઓ જીતી શકે તેમ છે. અબડાસામાં કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાએ 9746 મતોની સરસાઇ ધરાવી ભાજપના છબીલ પટેલને હરાવ્યા હતા. અત્યારે છબીલ પટેલ ક્યાંય નથી તેથી ભાજપ માટે પ્રદ્યુમનસિંહ તારણહાર બની શકે છે. લીમડીમાં કોંગ્રેસના સોમાભાઇ પટેલે ભાજપના કિરીટસિંહ રાણાને 14651 મતોની સરસાઇથી હરાવ્યા હતા પરંતુ આ વખતે મેદાનમાં કિરીટસિંહના ચાન્સ વધારે છે. ભાજપ સોમાભાઇને ટિકીટ આપવાનું નથી. ગઢડામાં પણ 2017માં કોંગ્રેસના પ્રવિણ મારૂ 9424 મતોથી તેમજ કરજણમાં અક્ષય પટેલ 3564 મતોની સરસાઇથી ચૂંટણી જીત્યા હતા અને આ બન્ને ઉમેદવારોએ અનુક્રમે ભાજપના આત્મારામ પરમાર અને સતીષ પટેલને હરાવ્યા હતા. ભાજપ તેના હારેલા ઉમેદવાર આત્મારામ પરમારને ફરીથી ટિકીટ આપવાનું છે અને કરજણમાં અક્ષય પટેલને ટિકીટ આપવાનું વચન આપેલું છે. 2017માં મળેલી સરસાઇ અને હાલની બદલાયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવે તો આઠ બેઠકો પૈકી ભાજપને ચાર થી પાંચ બેઠકોનો સીધો ફાયદો છે.

અબડાસા – કોઇ ઉમેદવાર બીજીવાર ચૂંટાતો નથી...

ગુજરાતમાં કોંગ્રેસના પાપે વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી આવી રહી છે. આ બેઠકોમાં કોંગ્રેસને તો નવા આઠ ઉમેદવારો શોધવા પડશે પરંતુ આઠ પૈકીની કચ્છની અબડાસા બેઠકનો ઇતિહાસ રોમાંચક છે. આ બેઠક પર જે ઉમેદવાર એકવાર ચૂંટાય છે તે બીજીવાર ચૂંટાતો નથી. 1962માં કચ્છમાં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. 1957 થી 1990 સુધીની ચૂંટણીઓમાં આ બેઠક કોંગ્રેસ પાર્ટી માટે ગઢ સમાન છે. 1990માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તારાચંદ છેડા કોંગ્રેસના નિમાબેન આચાર્યની સામે ચૂંટણી જીત્યા હતા પરંતુ 1995માં નીમા આચાર્યએ ફરીથી આ બેઠક પર ઉમેદવારી કરીને ભાજપના તારાચંદ છેડાને હરાવ્યા હતા. 1989ની ચૂંટણીમાં કોંગ્રેસના ઇબ્રાહીમ અને 2002માં ભાજપના નરેન્દ્રસિંહ જાડેજા આ બેઠક જીત્યા હતા. આ સમય પછી કોંગ્રેસના નિમાબેન આચાર્ય પક્ષપલ્ટો કરીને ભાજપમાં ગયા હતા અને નરેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસમાં ગયા હતા. ભાજપે 2007ની ચૂંટણીમાં જ્યંતિ ભાનુશાલીને ટિકીટ આપી હતી અને તેઓ નરેન્દ્રસિંહ જાડેજાને હરાવી વિધાનસભામાં આવ્યા હતા. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના છબીલ પટેલ ચૂંટણી જીત્યા હતા. તેમણે ભાજપના જ્યંતિ ભાનુશાલીને હરાવ્યા હતા. જો કે છબીલ પટેલ કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. પેટાચૂંટણીમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે ભાજપના ઉમેદવાર છબીલ પટેલને હરાવ્યા હતા. 2017માં પણ ભાજપે છબીલ પટેલને ટિકીટ આપી હતી પરંતુ તેઓ કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસના સિટીંગ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ ભાજપમાં જોડાયા છે અને પેટાચૂંટણીમાં ભાજપે તેમની ટિકીટ ફાઇનલ કરી છે પરંતુ ઇતિહાસ જોતાં એકના એક ઉમેદવાર આ બેઠક પર ચૂંટણી જીતતા નથી તેથી ભાજપને જો આ બેઠક જોઇએ તો તેણે ઉમેદવાર બદલવો પડે તેમ છે. આ એવી બેઠક છે કે જેમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો – નિમાબેન આચાર્ય, છબીલ પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ પક્ષપલ્ટો કર્યો છે અને ભાજપમાં જોડાયેલા છે.

સરપ્રાઇઝ ચેકીંગ વિના કરપ્શન ફ્રી સરકાર શક્ય નથી...

સરપ્રાઇઝ ચેકીંગ કરવાથી ઘણી બઘી ગોલમાલ બહાર આવે છે. આવું સરપ્રાઇઝ ચેકીંગ ગુજરાત સરકારના મહેસૂલ, શહેરી વિકાસ અને ગૃહ વિભાગમાં થવું જોઇએ, કેમ કે આ વિભાગોમાં પ્રત્યેક ટેબલ પર વજન મુકવું પડે છે. રાજ્યની જિલ્લાકક્ષાની કચેરીઓમાં કરપ્શન થાય તે સ્વાભાવિક છે, કારણ કે જિલ્લામાં બઘાં રાજાપાઠમાં આવેલા હોય છે પરંતુ સચિવાલયમાં ઉપરી અધિકારીઓનું વિભાગની કાર્યવાહીમાં ધ્યાન હોય છે આમ છતાં વિભાગમાં એટલા બઘાં વહીવટદારો પેદા થઇ ચૂક્યાં છે કે સામાન્ય અરજદારને કામ કરાવવું હોય તો લાંચ આપવી પડે છે. એન્ટી કરપ્શન બ્યુરો તરફથી સરકારના તમામ વિભાગોમાં—“લાંચ લેવી તે ગુનો છે, કોઇ કર્મચારી લાંચ માગે તો અહીં ફરિયાદ કરો...” એવા બોર્ડ જોવા મળે છે પરંતુ આ બોર્ડ શોભાના ગાંઠીયા જેવા છે. સૌથી વધુ કરપ્શન તો વિભાગોમાં થાય છે. કોઇ અરજદાર રૂપિયા ખર્ચવાનો ઇન્કાર કરે તો તેનું કામ ટલ્લે ચઢાવી દેવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રીએ અરજદારની ફાઇલોના નિકાલનું ટાઇમટેબલ બનાવ્યું છે પરંતુ આ સમય પ્રમાણે અરજદારના કામો થતાં નથી. જ્યાં જમીનનો વેપલો આવે છે તેવા તમામ વિભાગો અને જિલ્લા કચેરીઓમાં કરપ્શન લોહીની સાથે ઘુસી ગયું છે. રાજ્યના વિઝિલન્સ કમિશરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ કરપ્શન જ્યાંથી પકડાય છે તેવા વિભાગોમાં એક થી ત્રણ નંબર પર શહેરી વિકાસ, મહેસૂલ અને ગૃહ વિભાગ આવે છે. આ ત્રણ વિભાગના વડા તેમની હાથ નીચેના કર્મચારીઓની આંતરિક બદલીઓ કરે છે પરંતુ થોડા સમય પછી પરિસ્થિતિ યથાવત થઇ જાય છે. સાતમા પગારપંચના અમલ પછી એક લાખ કે તેથી વધુ પગાર મેળવતા થયેલા અધિકારીઓને ઉપરની કમાણીમાં કેમ રસ પડે છે તે સમજાતું નથી. આ અધિકારીઓને સરકારે એક વર્ષ સુધી પ્રાઇવેટ કંપનીમાં નોકરીની ટ્રેનિંગ આપવી જોઇએ કે જેથી સરકારી નોકરી શું હોય છે તેની ખબર પડી શકે...

જે સુવિધા ઉપલબ્ધ નથી તેનો ટેક્સ ચૂકવવો પડશે...

સામાન્ય રીતે વીજળી, પાણી, સેનિટેશન, માર્ગ અને પ્રાથમિક જરૂરિયાતની સુવિધા આપ્યા પછી જે તે વિસ્તારને ડેવલપ કરવા માટે વિકાસ પરવાનગરી આપવામાં આવતી હોય છે પરંતુ ગુજરાતમાં અવળી ગંગા છે. પહેલાં વિકાસ પરવાનગી આપવામાં આવે છે અને ત્યારપછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો હાથ પર લેવામાં આવે છે. એકમાત્ર ગાંધીનગરનું આયોજન એવી રીતે થયું છે કે જ્યાં પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કરવામાં આવ્યા હતા ત્યારબાદ સેક્ટરોમાં સરકારી આવાસોનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આયોજનબદ્ધ નગર કોને કહેવામાં આવે તે ગાંધીનગરની રચનાનો ઇતિહાસ જોઇને શિખવું જોઇએ. આજે શહેરોની ફરતે શહેરી વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવી છે પરંતુ આ રચનામાં પાયાની સમસ્યાનો ખ્યાલ રાખવામાં આવ્યો નથી. એટલે કે પાણી, વીજળી, સેનિટેશન, રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ અને તેના જેવી પ્રાથમિક જરૂરિયાતોની સુવિધા ઉભી કરવામાં આવી નથી. ઔડા, સુડા, ગુડા, રૂડા, વુડા એ તેના ઉદાહરણ છે. બીજી તરફ શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પરંતુ ખાટલે મોટી ખોડ તો જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. કોર્પોરેશનમાં ભેળવાયેલા વિસ્તારોમાં ગટરલાઇન, પાણી, સ્ટ્રીટલાઇટ અને માર્ગોની સુવિધા નથી તેમ છતાં નવા ભળેલા વિસ્તારના નાગરિકોએ કોર્પોરેશનને વિવિધ પ્રકારના ટેક્સ ચૂકવવાના થશે. ચૂંટણીમાં મતો લેવાની ઉતાવળમાં શાસકોએ પબ્લિકને અંધારામાં રાખીને તેમના વિસ્તારોને ટેક્સના દાયરામાં આવરી લેવાનો પ્રયાસ કર્યો છે જે હકીકતમાં ન્યાયના સિદ્ધાંતથી વેગળો છે.

સચિવાલયમાં પ્રવેશ મળે છે, સીટીપી ઓફિસમાં નહીં...

સચિવાલયના સ્વર્ણિમ સંકુલ અને વિવિધ વિભાગોમાં મુલાકાતીઓને આસાનીથી પ્રવેશ મળી જાય છે પરંતુ સચિવાલયની પાછળ આવેલા સીપીટી ભવનમાં મુલાકાતીને પ્રવેશ નિશેષ છે. આ પ્રતિબંધ મૂકવાનું કારણ સામે આવ્યું નથી પરંતુ અત્યારે તો કોરોના સંક્રમણનું બહાનું કાઢવામાં આવે છે. સીટીપી એટલે કે ચીફ ટાઉન પ્લાનિંગના ભેદભરમથી યુક્ત ભવનમાં લોકોને પ્રવેશ નથી. કોઇ મુલાકાતીને કામ હોય અને ઓફિસરને મળવું હોય તો તે ઓફિસરનું નામ, ક્યાંથી આવો છો, શું કામ છે એવા પ્રશ્નોના જવાબ આપો પછી તમારૂં નામ, સરનામું, ફોનનંબર અને ઓળખપત્ર આપ્યા પછી પ્રવેશ આપવામાં આવે છે. ગાંધીનગરમાં સરકારની તમામ કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશન અને વિભાગની કચેરીઓમાં તમામ જગ્યાએ મુલાકાતીને કામ હોય ત્યારે તેઓ ઓળખપત્ર બતાવીને જઇ શકે છે પરંતુ આ ઓફિસમાં જવા માટે તમારી પાસે ઓળખપત્ર હોવા છતાં સંપૂર્ણ માહિતી આપવી પડે છે. આવા આદેશ કેમ કરવા પડ્યા છે તે મુલાકાતીઓને સમજાતું નથી. આ ઓફિસના પગથિયાં ચઢતા ભાજપના એક ધારાસભ્યને પણ અટકાવવામાં આવ્યા હતા. આ ધારાસભ્ય સ્વર્ણિમ સંકુલ તેમજ સચિવાલયના તમામ વિભાગોમાં મુલાકાત કરે છે પરંતુ તેમને આવો કડવો અનુભવ ક્યારેય થયો નથી. આ ઓફિસમાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે મુલાકાતીના પ્રવેશ પર નિયંત્રણો મૂકવા સલામતી રક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:59 am IST)