Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

ભકિત ઉપાસનાથી મોક્ષ મુકિતની દિશામાં આગળ વધીએ

એક વનમાં એક શિષ્ય સાથે સંત જઇ રહ્યા હતાં. ત્યારે માર્ગમાં એક હરણ કુદકા મારતુ તેમના તરફ આવ્યું અને થોડીવારમાં તો તે ગાયબ પણ થઇ ગયું.

એ પછી સસલાનું જોડું મસ્તીમાં દોડતું આવી રહ્યુ હતું. તે તેમણે જોયું એ જ વખતે એક માણસ પણ તેમને જોવા મળ્યો. એનો ચહેરો પીળો પડી ગયો હતો તથા તેના મોં પર કરચલીઓ પડી ગઇ હતી તે બરાબર ચાલી પણ શકતો ન હતો.

આ માણસને જોઇને શિષ્ય બહુ દુઃખી થઇ ગયો. તેણે પોતાનો ગુરૂ ને પુછયું, કે મહારાજ! હરણ, સસલા તેમજ અન્ય પ્રાણીઓ મોટે ભાગે બીમાર પડતા નથી. જયારે માણસ તો કોઇને કોઇ રોગથી ગ્રસ્ત થઇ જાય છે. તેનું કારણ શું ?

ત્યારે સંતે શિષ્યને સમજાવ્યુ કે, વત્સ પશુ-પક્ષીઓ પ્રકૃતિના નિયમો પ્રમાણે જીવન જીવે છે. તેઓ ભૂખ લાગે ત્યારે જ ખાય છે અને દિવસ આખો દોડી ને કે આકાશમાં ઉડીને પોતાનું ભોજન પચાવી નાખે છે. એટલે તેઓ કયારેય બિમાર થતાં નથી.

જયારે માનવી જીવવા માટે ખાવાને બદલે ફકત ખાવા માટે જ જીવે છે. તે આખો દિવસ કંઇને કંઇ ખાતો જ રહે છે. અને પોતાની જીભ કે ઇન્દ્રીયો પર કાબુ રાખી શકતો નથી. તેને લીધે અનેક પ્રકારના શારીરિક તથા માનસીક રોગોનો ભોગ બને છે...

ગુરૂના આ ઉતરથી શિષ્યના મનનું સમાધાન થઇ ગયું.

જીવન મુકત વ્યકિત સંસારમાં રહે છે. પણ તેની અંદર સંસાર રહે તો નથી. કર્મો તેને બાંધી શકતા નથી. એ જ રીતે આત્માને પણ કર્મો સ્પર્શી શકતા નથી.

સામાન્ય લોકો સંસારમાં રહીને કર્મ સંસ્કારોના બંધનમાં બંધાઇને આખી જિંદગી રોકકળ કરતાં રહે છે વિલાપ કરે છે. જયારે જીવનમુકત માનવી નિરંતર આનંદમાં જ રહે છે.

તેથી મોક્ષ મેળવવાની ઇચ્છા રાખનારે ત્વરીત જ્ઞાન, કર્મ ભકિત માર્ગ ઉપાસના સાધના, આરાધના વગેરેમાંથી જે યોગ્ય લાગે તે અપનાવી મોક્ષ તથા મુકિતની દિશામાં આગળ વધતાં રહેવુ જોઇએ.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

 

(9:59 am IST)