Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સરકારી મહેમાન

‘શરમ કરો હિન્દુસ્તાન’: દેશની 125 કરોડની વસતીમાં માત્ર 44 ટકા લોકો હિન્દી બોલે છે

ભારતમાં હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યો હોવા છતાં કામકાજમાં હજી પણ અંગ્રેજીનું પ્રભુત્વ : જેમણે લાંબો સંઘર્ષ કર્યો છે તેવા હિન્દીના વ્યૌહાર રાજેન્દ્રસિંહના 50મા જન્મદિને ગૌરવ મળ્યું છે : મોદી હિન્દીના આગ્રહી છે છતાં સાઉથના કેટલાક રાજ્યોને હિન્દી રાષ્ટ્રભાષા બને તે પસંદ નથી

ગુજરાતીમાં એક કહેવત છે કે પ્રત્યેક માઇલે પાણીનો સ્વાદ બદલાય છે અને બાર ગાઉએ બોલી બદલાય છે... ભારતની ધરતીની લાક્ષણિતા ભાષાની વિવિધતા છે. 2011ની વસતી ગણતરી પ્રમાણે ભારતમાં 53 કરોડ લોકોની મુખ્ય ભાષા હિન્દી હતી જે ભારતની કુલ વસતીના 43.63 ટકા થવા જાય છે. વસતી ગણતરીના રિપોર્ટ પ્રમાણે દેશમાં કુલ 19569 ભાષાઓ બોલાય છે જે પૈકી 10 હજાર કે તેથી વધુ લોકો બોલતા હોય તેવા ભાષાઓની સંખ્યા 270 નોંધવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દીના આગ્રહી છે. તેમણે શિક્ષણ નીતિમાં ત્રણ ભાષા ફરજીયાત ભણાવવાનું પ્રયોજન કર્યું છે તેમાં હિન્દીનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું છે કે – કરોડો દેશવાસીઓને એકસૂત્રમાં બાંધનારી હિન્દી ભાષા રાષ્ટ્રની એકતાનું પ્રતિક છે. વિશ્વની મહાસત્તાઓ અને વિકસિત દેશોએ પોતાની માતૃભાષા અને સંસ્કૃતિના બળે આગવી ઓળખ બનાવી છે. --- તેઓ કહે છે કે માતૃભાષામાં જ્ઞાન આપવાથી ગ્રહણશક્તિ વધે છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ 40 ગ્રંથો હિન્દીમાં લખ્યાં હતા. ભારતમાં હિન્દી ભાષા પ્રત્યે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોને સૂગ છે તેથી કેન્દ્ર સરકારના હિન્દી ભાષા અંગેના કોઇપણ નિર્ણયનો તેઓ વિરોધ કરે છે. કેટલાક અંગ્રેજી શબ્દો હિન્દી ભાષામાંથી બન્યાં છે જેમાં વિલાયતી, મહાવત, કરૈત, કૌડી, શાલ, સીટા, ખિચડી, ચંપૂ, ચટની, ડૂંગરી, બંગલા, ચિઠ્ઠી, બંગલી, છીંટ, ઠગ, વરાંદાયા, ડકૈત, દેખો, ખાટ, મગરનો સમાવેશ થાય છે.

14મી સપ્ટેમ્બર 1949— હિન્દી રાષ્ટ્રભાષા બની...

હિન્દી દિવસનો ઇતિહાસ અને તેને મનાવવાનું કારણ બહું જૂનું છે પરંતુ આપણે દિલ અને દિમાગથી હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપી શકાયો નથી. 1918માં મહાત્મા ગાંધીએ હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા માટે અપીલ કરી હતી. તેમણે હિન્દીને જનમાનસની ભાષા પણ કહી હતી પરંતુ આઝાદી પછી એવું થઇ શક્યું નહીં. સત્તામાં આવેલા નેતાઓ અને જાતિ-ભાષાના નામે રાજનીતિ કરનારા લોકોએ હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા દીધી ન હતી. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે કાકા કાલેલકર, મૈથિલીશરણ ગુપ્ત, રામચંદ્ર શુક્લ, હજારીપ્રસાદ દ્વિવેદી, શેઠ ગોવિંદદાસ અને વ્યોહાર રાજેન્દ્રસિંહે બહું પ્રયાસો કર્યા હતા. આ મહાનુભાવોએ દક્ષિણ ભારતની યાત્રા પણ કરી હતી. અંગ્રેજી ભાષાના વધતા ચલણ અને હિન્દી સામેની અનદેખી રોકવા માટે પ્રતિવર્ષ 14મી સપ્ટેમ્બરે દેશભરમાં હિન્દી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આઝાદી મળ્યાના બે વર્ષ પછી 14મી સપ્ટેમ્બર 1949માં સંવિધાન સભામાં એક જ મત સાથે હિન્દીને રાજભાષા ઘોષિત કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રત્યેક વર્ષે 14મી સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે હિન્દીના વ્યૌહાર રાજેન્દ્રસિંહનો 50મો જન્મદિન હતો, જેમણે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે લાંબો સંઘર્ષ કર્યો હતો.

રાજભાષા હિન્દી છે પણ અંગ્રેજીનું પ્રભુત્વ છે...

26મી જાન્યુઆરી 1950માં ભારતીય સંવિધાન લાગુ થવાની સાથે રાજભાષા નીતિ પણ લાગુ કરી દેવામાં આવી હતી. સંવિધાનના અનુચ્છેદ 343 (1) હેઠળ સ્પષ્ટ કરવામાં આવ્યું કે ભારતની રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી છે. અનુચ્છેદ 343 (2) હેઠળ એવી પણ વ્યવસ્થા કરવામાં આવી કે સંવિધાન લાગુ થયાના સમયથી 15 વર્ષ સુધી (1965) સંઘના તમામ સરકારી કાર્યાલયોમાં અંગ્રેજી ભાષાનો પ્રયોગ થતો રહેશે. આ સમયગાળા એટલા માટે આપવામાં આવ્યો હતો કે જેઓ હિન્દી શિખ્યા નથી તેમણે હિન્દી શિખવાની તક મળે. જો કે 15 વર્ષ પછી અંગ્રેજી ભાષાને હટાવવામાં આવી ન હતી. સરકારી કામકાજમાં અંગ્રેજી ભાષાનો પ્રયોગ ચાલુ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 26મી જાન્યુઆરી 1965માં સંસદમાં પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો કે હિન્દીનો ઉપયોગ તમામ સરકારી કાર્યોમાં કરવામાં આવશે પરંતુ તેની સાથે સાથે અંગ્રેજીને પણ રાજભાષાના રૂપમાં સ્વિકારવામાં આવશે. 1967માં સંસદમાં ભાષા સંશોધન વિધેયક લાવવામાં આવ્યા પછી અંગ્રેજીને અનિવાર્ય કરી દેવામાં આવી હતી. 1990માં પ્રકાશિત પુસ્તક રાષ્ટ્રભાષાનો પ્રશ્ન માં શૈલેશ મટિયાણીએ એવો સવાલ કર્યો હતો કે 14મી સપ્ટેમ્બરે હિન્દી દિવસ કેમ મનાવવામાં આવે છે... જેના પર પ્રેમનારાયણ શુક્લાએ હિન્દી દિવસે અલ્હાબાહમાં તેનું કારણ આપતાં કહ્યું હતું કે આ દિવસે હિન્દી ભાષા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ છતાં શૈલેશ મટિયાણીએ આ દિવસની ઉજવણીને શર્મનાક પાખંડ કહી હતી.

વિશ્વની ભાષાઓમાં હિન્દીનું સ્થાન ત્રીજું છે...

વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં હિન્દીનો ક્રમ ત્રીજો આવે છે. 2019ના રિપોર્ટ પ્રમાણે 615 મિલિયન કરતાં વધુ લોકો દ્વારા બોલાતી દુનિયાની ત્રીજી ભાષા હિન્દી છે. વર્લ્ડ લેન્ગવેઝ ડેટાબેઝ એથનોલોગની 22મી આવૃત્તિમાં બતાવવામાં આવ્યું છે કે 1132 મિલિયનથી વધુ લોકો દ્વારા બોલાતી ભાષામાં અંગ્રેજી સૌથી ટોચ પર છે, જ્યારે ચીની મૈંડરિક ભાષા 1117 મિલિયન લોકો બોલી રહ્યાં છે. એથનોલોગની સ્થાપના 1951માં થઇ હતી અને તેનું કામ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓનો ડેટાબેઝ એકત્ર કરવાનું છે. આ ડેટાબેઝમાં દુનિયામાં બોલાતી 7111 ભાષાઓને સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત એથનલોગ એવી પ્રાચીન 348 ભાષાઓનો ડેટા પણ તૈયાર કરે છે કે જે વર્તમાનમાં બોલાતી નથી. વિશ્વમાં બોલવામાં આવતી ત્રણ મુખ્ય ભાષાઓ પૈકી હિન્દીમાં વાંચવા અને લખવાની પદ્ધતિ અપનાવતા લોકોની સંખ્યા ઓછી થતી હાય છે. બીજી તરફ હિન્દી ભાષા પર અંગ્રેજી શબ્દોનું પ્રભુત્વ વધતું જાય છે. હિન્દીમાં કેટલાક પ્રચલિત શબ્દો દૂર થયાં છે જેના કારણે હિન્દી ભાષા ભવિષ્યમાં લુપ્ત થવાની સંભાવના વધી રહી છે. મહત્વની બાબત એવી છે કે હિન્દીને આજદિન સુધી સંયુક્ત રાષ્ટ્રસંઘની ભાષા બનાવવામાં આવી નથી, કારણ કે 129 દેશોનું સમર્થન મળી શકતું નથી. હજી સુધી હિન્દી ભાષા માટે 177 દેશોનું સમર્થન મળી ચૂક્યું છે.

રાષ્ટ્રભાષા ગૌરવ અને કીર્તિ પુરસ્કાર...

સામાન્ય બોલચાલની ભાષામાં ભારતીય લોકો પણ અંગ્રેજી ભાષાનો પ્રયોગ કરે છે તેથી હિન્દીના અસ્તિત્વ માટે ખતરો પેદા થયો છે. હદ તો ત્યાં થાય છે કે વારાણસીમાં સ્થિત દુનિયાની સૌથી મોટી હિન્દી સંસ્થા આજે અસ્તાચળ ભણી છે. હિન્દી દિવસ સાથે 14મી સપ્ટેમ્બર થી હિન્દી સપ્તાહ પણ મનાવવામાં આવે છે. ભારત સરકાર વિભાગ કે સમિતિને રાષ્ટ્રભાષા કીર્તિ પુરસ્કાર અને વ્યક્તિને રાષ્ટ્રભાષા ગૌરવ પુરસ્કાર એનાયત કરે છે. રાષ્ટ્રભાષા ગૌરવ પુરસ્કાર ટેકનોલોજી કે વિજ્ઞાન વિષયમાં લખનારા વ્યક્તિને આપવામાં આવે છે જેમાં 10,000 થી બે લાખ રૂપિયાના 13 પુરસ્કાર હોય છે. જ્યારે રાષ્ટ્રભાષા કીર્તિ પુરસ્કાર 39 સંસ્થાઓ કે વિભાગને શ્રેષ્ઠ કાર્ય માટે આપવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ સરકારી કાર્યમાં હિન્દી ભાષાનો ઉપયોગ કરવાનો છે. ભારતમાં કેટલાક હિન્દી લેખકોનું કહેવું છે કે હિન્દી દિવસની ઉજવણી માત્ર એક દિવસ માટે થાય છે તેથી તેનો વિકાસ થતો નથી. કેટલાક લોકો હિન્દી દિવસ સમારોહમાં અંગ્રેજી ભાષામાં લખીને લોકોનું સ્વાગત કરવામાં આવે છે. કહેવાય છે કે હિન્દીનો ઇતિહાસ 1000 વર્ષ પુરાણો છે. હિન્દી એ હિન્દુસ્તાનની રાષ્ટ્રભાષા જ નથી પરંતુ હિન્દુસ્તાનીઓની પહેચાન પણ છે.

ઇન્ટરનેટના માધ્યમથી હિન્દીને મોટો ફાયદો થયો...

ઇન્ટરનેટના પ્રસારથી જો સૌથી વધુ કોઇને ફાયદો થયો હોય તો તે હિન્દી ભાષા છે. 2016માં ડિજીટલ માધ્યમમાં હિન્દી સમાચાર વાંચનારા લોકોની સંખ્યા 5.5 કરોડ હતી જે 2021માં વધીને 14.4 કરોડ થવાનું અનુમાન છે. એક વર્ષ પછી હિન્દીમાં ઉપયોગ કરનારા લોકોની સંખ્યા અંગ્રેજીમાં નેટનો ઉપયોગ કરનારા લોકોની સરખામણીએ વધી જશે. ગુગલના ડેટા પ્રમાણે હિન્દીમાં વાંચનારાઓની સંખ્યા દર વર્ષે 94 ટકાના દરે વધી રહી છે જ્યારે અંગ્રેજીમાં આ દર 17 ટકાનો છે. દક્ષિણ પ્રશાંત મહાસાગરના મેલાનેશિયામાં ફિજી નામના એક ટાપુમાં હિન્દીને આધિકારિક ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેને ફિજીયન હિન્દી કે ફિજીયન હિન્દુસ્થાની કહે છે. આ ભાષા અવધી, ભોજપુરી અને અન્ય બોલીઓનું મિશ્રણ છે. હવે તો વિશ્વના 80 ટકા દેશોમાં હિન્દી ભાષા બોલવામાં આવે છે. 2017માં ઓક્સફર્ડ ડિક્શનરીમાં પ્રથમ વખત અચ્છા, બડા દિન, બચ્ચા અને સૂર્ય નમસ્કાર જેવા હિન્દી શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

મુસ્લિમ દેશો હંમેશા હિન્દ શબ્દ વાપરતા હતા...

હિન્દી શબ્દનો ઉદ્દભવ હિન્દમાંથી થયો છે. હિન્દ શબ્દ એ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિન્દ એ સંસ્કૃત શબ્દ સિંધુનો અપભ્રંશ છે. હિન્દી ભાષા મુખ્યત્વે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે પરંતુ તેમાં મુસ્લિમ સંસ્કૃતિની ઘણી અસર દેખાય છે. ખાસ કરીને તેમાં ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિન્દી અને ઉર્દુ ભગિનની ભાષાઓ કહેવાય છે, કારણ કે તેમના વ્યાકરણ અને શબ્દભંડોળ ખૂબ સમાન છે. ચોંકાવનારી બાબત એવી છે કે ભારતની 40 ભાષાઓ અથવા તો બોલીઓ લુપ્ત થવાના આરે છે, કારણ કે બહું ઓછાં લોકો તે બોલે છે. સેન્સસના ડાયરેક્ટરના એક રિપોર્ટ પ્રમાણે દેશમાં 22 શિડ્યુઅલ અને 100 નોન શિડ્યુઅલ ભાષાઓ છે જેને એક લાખ કરતાં વધુ લોકો બોલે છે. જો કે 35 એવી ભાષાઓ છે કે જે માત્ર 10,000 લોકો બોલે છે. યુનેસ્કો દ્વારા તૈયાર કરાયેલા એક રિપોર્ટ પ્રમાણે ભારતની 12 ભાષાઓ ટૂંકસમયમાં લુપ્ત થશે, જેમાં આંદામાન-નિકોબારની 11, મણીપુરની સાત અને હિમાચલની ચાર ભાષાનો સમાવેશ થાય છે. એ ઉપરાંત કર્ણાટક, આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મેઘાલય અને પશ્ચિમબંગાળની કેટલીક ભાષાઓ છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

 

(8:18 am IST)