Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

વિજય રૂપાણીનું શાસન ૧૮૨૫ દિવસની નજીક; સત્તાના ૫ વર્ષ પૂર્ણ કરનારા ચોથા મુખ્યપ્રધાન

ગુજરાતના રાજકારણમાં હિતેન્દ્ર દેસાઇ, માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે : રૂપાણીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનો રેકોર્ડ તોડી નાંખ્યો, ૭મી ઓગષ્ટે તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરશે : સૌથી ઓછું ૧૨૮ દિવસનું શાસન દિલીપ પરીખે કર્યું છે, મોદીનો અણનમ ૪૬૧૦ દિવસનો ભવ્ય રેકોર્ડ

ગાંધીનગર : ગુજરાતના હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઓગષ્ટ મહિનામાં રાજયના એવા ચોથા મુખ્યમંત્રી બનશે કે જેઓએ શાસનના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અગાઉ સૌથી વધુ ૧૨ વર્ષનું શાસન નરેન્દ્ર મોદીએ કર્યું છે. તેમના અગાઉ માધવસિંહ સોલંકી અને હિતેન્દ્ર દેસાઇએ પણ પાંચથી વધુ વર્ષનું શાસન કર્યું છે. ગુજરાતની ગાદી પર શાસન કરનારા ૧૬ મુખ્યમંત્રી પૈકી ચાર મુખ્યમંત્રી એવાં છે કે જેમણે શાસનના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. વિજય રૂપાણીએ ૭મી ઓગષ્ટ ૨૦૧૬માં મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. આ વર્ષે ૭મી ઓગષ્ટે તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરશે.

  • મોદીના શાસનના દિવસો ૪૬૧૦ હતા

ગુજરાતમાં જે મુખ્યમંત્રીએ ૧૮૨૫ દિવસો કે તેથી વધુ શાસન કર્યું છે તેઓએ પાંચ વર્ષ સુધીનું શાસન કર્યું હોવાનું કહેવાય છે. રાજયમાં સૌથી વધુ ૪૬૧૦ દિવસ સુધી નરેન્દ્ર મોદીએ શાસન કર્યું છે. એ પહેલાં માધવસિંહ સોલંકીએ ૨૦૪૯ દિવસ અને હિતેન્દ્ર દેસાઇએ ૨૦૬૨ દિવસનું શાસન કર્યું છે. વિજય રૂપાણી ઓગષ્ટ ૨૦૨૧માં શાસનના પાંચ વર્ષ એટલે કે ૧૮૨૫ દિવસનું શાસન પૂર્ણ કરશે, એ સાથે તેઓ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનો રેકોર્ડ પણ તોડશે. કેશુભાઇએ રાજયમાં ૧૫૩૩ દિવસ સુધી શાસન કર્યું છે. રૂપાણીએ શાસનમાં ૧૨ મુખ્યમંત્રીને પાછળ છોડ્યાં છે.

  • રૂપાણીને અસ્થિર કરવાના પ્રયાસો થયાં છે

શાસનના પાંચ વર્ષમાં રૂપાણીને પાર્ટીના અંદરના નેતાઓએ ઘેરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેઓ ચૂપચાપ તેમનું શાસન કરી રહ્યાં છે. દર છ મહિને એટલે કે અત્યાર સુધીમાં આઠ થી નવ વખત તેમને બદલવાની અટકળો તેજ બની હતી પરંતુ તેઓ યથાવત છે. રૂપાણીને બદલીને મનસુખ માંડવિયા મુખ્યમંત્રી બને છે તેવી અટકળો સચિવાલય સહિત રાજયભરમાં ચાલતી રહી છે પરંતુ હાઇકમાન્ડનો વિશ્વાસ રૂપાણી પર વધતો જ રહ્યો છે અને તેઓ મજબૂત થતાં રહ્યાં છે. રૂપાણીના નેતૃત્વમાં વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપને ૯૯ બેઠકો મળી હતી. બેઠકો ઓછી હતી પરંતુ જો જીતા વોહી સિકંદરની જેમ શાસન તો ભાજપનું આવ્યું હતું. હવે તેમના નેતૃત્વમાં ૨૦૨૨માં ચૂંટણી પણ યોજાવાની છે. આગામી ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તો વિજય રૂપાણી માધવસિંહ સોલંકીનો ૨૦૧૯ દિવસના શાસનનો તેમજ હિતેન્દ્ર દેસાઇના ૨૦૬૨ દિવસના શાસનનો રેકોર્ડ તોડશે.

  • સૌથી ઓછું શાસન દિલીપ પરીખના નામે

ગુજરાતમાં શાસન કરનારા મુખ્યમંત્રીની સંખ્યા ૧૬ થવા જાય છે જે પૈકી નરેન્દ્ર મોદીએ જેટલા વર્ષ શાસન કર્યું છે તેટલા વર્ષ હવે ભાગ્યેજ કોઇ મુખ્યમંત્રી કરી શકે તેમ છે. મોદીએ સતત ૧૨ વર્ષ શાસન કર્યું છે. તેમના પછી હિતેન્દ્ર દેસાઇ અને માધવસિંહ સોલંકી આવે છે. ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાએ ૧૨૩૮ દિવસ, બળવંતરાય મહેતાએ ૭૩૩ દિવસ, ઘનશ્યામ ઓઝાએ ૪૮૮ દિવસ, ચીમનભાઇ પટેલે ૧૬૫૨ દિવસ, બાબુભાઇ પટેલે ૧૨૫૩ દિવસ, અમરસિંહ ચૌધરીએ ૧૬૧૮ દિવસ, છબીલદાસ મહેતાએ ૩૯૧ દિવસ, કેશુભાઇ પટેલે ૧૫૩૩ દિવસ શાસન કર્યું છે. એવી જ રીતે સુરેશ મહેતાએ ૩૩૪ દિવસ, શંકરસિંહ વાઘેલાએ ૩૭૦ દિવસ, દિલીપ પરીખે ૧૨૮ દિવસ અને આનંદીબહેન પટેલે ૮૦૮ દિવસ શાસન કર્યું છે. રાજપામાં સંજોગોએ જેમને મુખ્યમંત્રી બનાવ્યા હતા તે દિલીપ પરીખનું શાસન સૌથી ઓછું છે.

  • વિજય રૂપાણી નિખાલસ અને કર્મઠ નેતા છે

ગુજરાતના ૧૬મી મુખ્યમંત્રી વિજય રમણીકલાલ રૂપાણી સ્વભાવે નિખાલસ અને કર્મઠ નેતા છે. પશ્ચિમ રાજકોટ વિધાનસભા બેઠકના તેઓ પ્રતિનિધિ છે. બીજી ઓગષ્ટ ૧૯૫૬માં બર્મા દેશના રંગૂનમાં જન્મેલા રૂપાણી પરિવાર સાથે ૧૯૬૦માં બર્મા છોડીને ગુજરાતમાં રહેવા આવી ગયા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સક્રિય કાર્યકર્તાથી તેમણે રાજનીતિમાં ઝૂકાવ્યું હતું, ત્યારપછી તે સંઘ અને જનસંઘ સાથે જોડાયા હતા. ૧૯૭૧થી તેઓ ભાજપના કાર્યકર્તા છે. કટોકટી દરમ્યાન ૧૯૭૬માં તેઓ ભાવનગ અને ભૂજની જેલમાં બન્દી બન્યા હતા.  તેઓ ૧૯૭૮ થી ૧૯૮૧ સુધી સંઘના પ્રચારક રહ્યાં છે.

  • રાજકોટના કોર્પોરેટર પછી મેયર પણ બન્યાં છે

૧૯૮૭માં રાજકોટ મહાનગરમાં સભ્ય તરીકે ચૂંટાયા હતા અને ૧૯૯૬ થી ૧૯૯૭ સુધી રાજકોટના મેયરપદે રહ્યાં છે. ગુજરાતમાં જયારે કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની સરકારમાં રૂપાણીને ઘોષણાપત્ર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ૨૦૦૬માં તેઓ પ્રવાસન નિગમના ચેરમેન બન્યા હતા. ૨૦૦૬ થી ૨૦૧૨ સુધી તેઓ રાજયસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ૧૯મી ફેબ્રુઆરી ૨૦૧૬માં તેમને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ઓગષ્ટ ૨૦૧૪માં વિધાનસભાના અધ્યક્ષ વજુભાઇ વાળા કર્ણાટકના રાજયપાલ બન્યા ત્યારે હાઇકમાન્ડે રૂપાણીને રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડાવી હતી. શરૂઆતમાં તેઓ વાહન વ્યવહાર, જળ પુરવઠો,શ્રમ-રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બન્યા હતા. ૭મી ઓગષ્ટ ૨૦૧૬માં વિજય રૂપાણીએ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

-: આલેખન :-

ગૌતમ પુરોહીત

gpurohit09@gmail.com

(10:04 am IST)